સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ક્રાંતિ! હવે સ્ટીલ નહીં, કાર્બન ફાઇબર આપશે કોંક્રિટને મજબૂતી
કાપડના શહેર તરીકે દેશ-વિદેશમાં ઓળખ ધરાવતું સુરત હવે ટેક્સટાઇલની નવી દિશામાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંપરાગત ફેબ્રિક બાદ હવે ટેક્સટાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ બાંધકામ ક્ષેત્રમાં કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ થઈ રહી છે. ખાસ કરીને કાર્બન-ફાઇબર ટેક્સટાઇલ રિઇન્ફોર્સમેન્ટ ભવિષ્યમાં સ્ટીલના વિકલ્પ તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
જર્મની સ્થિત Hitexbau દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેક્નોલોજી અંગે સુરતમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 સપ્ટેમ્બરે ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય હેઠળની સંશોધન સંસ્થા MANTRA ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગકારો, સિવિલ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ, બિલ્ડરો અને ટેક્નિકલ નિષ્ણાતોએ ભાગ લીધો હતો.સેમિનારમાં ચિરંજીવિત દેસાઈ દ્વારા ટેક્સટાઇલ રિઇન્ફોર્સ્ડ કોંક્રિટની કાર્યપદ્ધતિ અને તેના સંભવિત ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ટેક્નોલોજીમાં સ્ટીલની જગ્યાએ હાઇ-સ્ટ્રેન્થ કાર્બન-ફાઇબર ટેક્સટાઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
કાર્બન ફાઇબરની ખાસિયત તેની ઉંચી મજબૂતી અને ઓછું વજન છે. જેના કારણે ભવિષ્યમાં પરંપરાગત સ્ટીલની સરખામણીમાં હળવા અને પાતળા કોંક્રિટ સ્ટ્રક્ચર બનાવવાની શક્યતા છે. એટલે કે, ઓછી સામગ્રી સાથે મજબૂત અને ટકાઉ બાંધકામ તરફ આગળ વધવાનો માર્ગ ખુલી શકે છે.આ ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો તેની કાટ સામેની પ્રતિરોધક ક્ષમતા માનવામાં આવે છે. સ્ટીલમાં ભેજના કારણે સમય જતાં કાટ લાગવાની સમસ્યા ઊભી થઈ શકે છે, જ્યારે કાર્બન-ફાઇબર આધારિત રિઇન્ફોર્સમેન્ટ આ પ્રકારની સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.આ ઉપરાંત સ્ટ્રક્ચરનું વજન અને સામગ્રીનો વપરાશ ઘટવાથી બાંધકામ ક્ષેત્રમાં વધુ સંસાધન-કાર્યક્ષમ અને ટકાઉ વિકલ્પો વિકસાવવાની શક્યતા છે. ખાસ કરીને જ્યાં હળવા પરંતુ મજબૂત સ્ટ્રક્ચરની જરૂર હોય ત્યાં આ ટેક્નોલોજી ઉપયોગી બની શકે છે.આ પહેલને Bharat Tex 2026, નવી દિલ્હી ખાતે પણ રજૂ કરવામાં આવી હતી. ત્યાં સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કાર્બન-ફાઇબર ટેક્સટાઇલના ઉપયોગ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં યોજાયેલો આ સેમિનાર માત્ર એક ટેક્નિકલ કાર્યક્રમ નહીં, પરંતુ ટેક્સટાઇલ અને સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રને જોડતી નવી કડી બની રહ્યો છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હવે માત્ર કપડાંનું ઉત્પાદન કરતું કેન્દ્ર નહીં, પરંતુ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ અને નવીન બાંધકામ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે.