Gujarat

જન્માષ્ટમીની મટકી ફોડ બાદ વલસાડની હોસ્ટેલમાં બબાલ, 6 વિદ્યાર્થીઓ ઘાયલ

વલસાડના ધરમપુરમાં જન્માષ્ટમીની ઉજવણી બાદ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વાનરાજ કોલેજ ખાતે યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન થયેલી બોલાચાલીનો પડઘો મોડી રાત્રે ડૉ. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલ સુધી પહોંચ્યો હતો. અહીં વિદ્યાર્થીઓ સાથે મારામારી થયાની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા કેટલાક યુવકો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચ્યા બાદ તે સમયે મામલો શાંત થયો હતો. જોકે, ફરિયાદ મુજબ ત્યારબાદ વિવાદ ફરી ઉગ્ર બન્યો હતો.

રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયગાળા દરમિયાન, હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાના રૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો હોસ્ટેલની લોબીમાં આવી પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે મારામારી શરૂ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે હુમલા દરમિયાન લોખંડની પાઇપ, લાકડીઓ, ક્રિકેટના સ્ટમ્પ અને ધાતુના કડા જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અચાનક થયેલી આ મારામારીમાં છ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોમાં વિનયભાઈ ગામીત, ઉમેશભાઈ વાઘા, નિતેશભાઈ ભોયા, સામેલભાઈ જાદવ, મેહુલભાઈ રાઉત અને અમુલભાઈ કોટિયાનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ તાત્કાલિક હોસ્ટેલ ખાતે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ફરિયાદના આધારે 16 નામજોગ આરોપીઓ સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.હવે પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ,કેટલાક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ દ્વારા ABVP સાથે જોડાયેલા કેટલાક નેતાઓ અને સભ્યોની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.હાલ પોલીસ દ્વારા જન્માષ્ટમીના કાર્યક્રમમાં થયેલી શરૂઆતની બોલાચાલીથી લઈને હોસ્ટેલમાં થયેલી મારામારી સુધીની ઘટનાક્રમની કડી જોડવામાં આવી રહી છે. સાથે જ અજાણ્યા આરોપીઓની ઓળખ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.જન્માષ્ટમીના ઉત્સવ બાદ થયેલી આ ઘટનાને લઈને વિસ્તારમાં ફરી કોઈ તણાવ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top