Dakshin Gujarat

બારડોલીમાં ઘુવડ સહિત વધુ બે પક્ષીઓના મોત, ચિકન-નોનવેજની દુકાનો બંધ

બારડોલી: (Bardoli) બારડોલીમાં બર્ડ ફ્લૂના વાવરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ હજુ પણ પક્ષીઓના મરવાનો સિલસિલો જારી રહ્યો છે. બુધવારના રોજ બારડોલી તાલુકાના બાબેન ગામે એક ઘુવડનું પણ ભેદી સંજોગોમાં મોત થયું હતું. બીજી તરફ બારડોલી તાલુકાનાં માહયાવંશી મહોલ્લામાંથી પણ એક કાગડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. બંને પક્ષીઓનો વનવિભાગે કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે. મઢી ગામમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા ચિકન (Chicken) અને ઈંડાની (Egg) દુકાનો (Shops) બુધવારના રોજથી બંધ કરાવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીમાં બર્ડ ફ્લૂ વકરી રહ્યો છે. મઢીની રેલ્વે કોલોની અને બારડોલીના મેમણ કબ્રસ્તાનમાંથી મળી આવેલા કાગડાના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાની પુષ્ટિ થયા બાદ તંત્ર દ્વારા આવશ્યક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજી પણ તાલુકામાં છૂટછવાયા પક્ષીઓના એમાં પણ ખાસ કરીને કાગડાઓના મોત થઈ રહ્યા છે. બુધવારે સવારે બારડોલીના માહયાવંશી મહોલ્લામાં એક ઘરની અગાસી પરથી એક મૃત કાગડો મળી આવ્યો હતો. જેની જાણ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમને થતાં તેમણે વનવિભાગ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને કાગડાના મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ઘુવડની ચાંચમાંથી લોહી નીકળ્યા બાદ તેનું મોત થયું
બારડોલી તાલુકાના બાબેનગામે લેક સિટીમાં એક ઘરના વાડામાં એક ઘુવડ બીમાર હાલતમાં પડ્યું હોવાની જાણકારી ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમને મળી હતી. જે આધારે ટીમના સભ્ય ત્યાં પહોંચી ઘુવડને રેસક્યું સેન્ટર પર લઈ જવાયું હતું. જ્યાં ઘુવડની ચાંચમાંથી લોહી નીકળ્યા બાદ તેનું મોત થયું હતું. ઘુવડનો કબ્જો વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

બારડોલીમાં બર્ડ ફ્લૂ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ચિકન-નોનવેજની દુકાનો બંધ

બારડોલી અને મઢી ગામમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા ચિકન અને ઈંડાની દુકાનો બુધવારના રોજથી બંધ કરાવવામાં આવી છે. જ્યાં સુધી બર્ડ ફ્લૂ પર નિયંત્રણ ન મેળવાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મઢી અને બારડોલીમાં મૃત કાગડાઓના સેમ્પલ પોઝિટિવ આવતા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોથી એક કિમીની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો લગાવી દીધા હતા. જેને અનુલક્ષીને ગતરોજ વિસ્તારમાં આવેલા તમામ મરઘાં કેન્દ્રો બંધ કરવવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારથી ચિકન શોપ તેમજ ઈંડાની દુકાનો તેમજ નોનવેજનું વેચાણ કરતી લારી અને રેસ્ટોરન્ટને બંધ કરાવવામાં આવી છે.
કોરોના કાળમાં લોકડાઉન બાદ પડી ભાંગેલા વ્યવસાયને સેટ કરી રહેલા દુકાનદારો અને હોટેલ માલિકો પર બર્ડ ફ્લૂની આ નવી આફત આવી પડી છે. ફરી ધંધો રોજગાર બંધ રાખવાનો વારો આવતા પોલ્ટ્રી ઉદ્યોગ અને નોનવેજ ફૂડ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલી વધી જવા પામી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top