Columns

જવાબદારી આપણી

કૃષિબહેનના એકના એક દીકરાનાં લગ્ન થયાં.અત્યારના જમાના પ્રમાણે મોડા લગ્ન હતા. ભણેલી કામ કરતી વહુ ઘરમાં આવી.યશ અને કાંચી બહુ ખુશ હતાં અને પોતાની જવાબદારી પણ સમજતાં હતાં.નવી વહુ ઘરમાં આવ્યાને હજી તો અઠવાડિયું પણ થયું ન હતું. કૃષિબહેનનાં કાકીજી બહારગામથી આવ્યાં, લગ્નપ્રસંગે આવી શક્યાં ન હતાં.આવીને તરત જ કાકીજી બધું અવલોકન કરવા લાગ્યાં.નવી વહુ કાંચી કયારે ઊઠી અને શું કર્યું અને કેટલું કામ કર્યું કે ન કર્યું વગેરે વગેરે.કાંચી અને યશ ઓફીસ જવા નીકળ્યાં એટલે તરત જ કાકીજીએ કૃષિબહેનને કહ્યું, ‘કૃષિ, તારી આ નવી વહુ કેવી છે? તારી વાત તો માને છે ને…કે પોતાની મરજી મુજબ જ કરે છે…જો જે અત્યારે છોકરાઓ મોટી ઉંમરે લગ્ન કરે એટલે આ નવી વહુઓ આપણાથી દબાય નહિ ..આપણું કંઈ સાંભળે નહિ.પોતાને મન ફાવે તેમ જ વર્તે.’

કૃષિબહેન હસ્યાં અને બોલ્યાં, ‘કેમ કાકી, તમે આવ્યાં છો ત્યારથી કાંચી શું કરે છે તે જ જુઓ છો એટલે તમે જ કહો કે કેવી છે મારી વહુ?’કાકી બોલ્યાં, ‘લાગે છે તો સારી, પણ અત્યારે હજી નવું નવું છે.સાચે સારી નીકળે તો સારું. તારે એકનો એક દીકરો છે.’કૃષિબહેન બોલ્યાં, ‘કાકી, જયારે સાસુ સારી બને ત્યારે વહુ સારી જ રહે …..વહુ તો તે આજે બની છે બાકી દીકરી તો જન્મથી જ છે અને દીકરીઓ તો સારી જ હોય…હું પણ મા વર્ષોથી છું, સાસુ આજે બની છું.હું સારી બનીશ ..પ્રેમ આપીશ …લાગણી આપીશ તો તે મને કાંચી પાસેથી મળશે જ.જે પાકું ફળ હોય તે વધારે મીઠું હોય તેમ હું તેનાથી મોટી છું, વધારે અનુભવી છું, તો મીઠાં મારે જ બનવું પડે.

હું મધુરતા આપીશ તો તે તે જ આપશે…હું વિશ્વાસ રાખીશ તો તે વિશ્વાસ દેખાડશે …હું તેને વહુ ગણીશ તો તે મને સાસુ ગણશે, પણ હું તેને દીકરી જ ગણીશ તો તે મને માત્ર કહેશે નહિ સાચે મમ્મી સમજશે.ઘરને મીઠા મધુરા સંબંધોથી સજાવવાની જવાબદારી વડીલોની હોય છે.તમે કાંચીને પૂછજો, સાસુ સારી છે કે નહિ.’ બરાબર આ વાત થતી હતી ને કાંચી પાછળથી આવીને સાસુને મમ્મી કહીને ભેટી પડી અને પછી બોલી, ‘મમ્મી તમે બહુ સારાં છો ….આ મોબાઈલ ભૂલી ગઈ હતી એટલે લેવા આવી હતી અને તમારી વાતો સાંભળી…જાઉં છું મમ્મી.’કાકીજી આ સાસુ વહુના મીઠા સંબંધો જોઈ રહ્યાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top