Business

દિવાળીના વેકેશનમાં સચિન જીઆઈડીસીમાં ચોરીના કિસ્સા ડામવા ઉદ્યોગકારોએ પોલીસને કર્યું આવું સૂચન

સુરત(Surat): ગુજરાતની સૌથી જૂની ઔદ્યોગિક વસાહતો પૈકીની એક સચિન જીઆઇડીસી (Sachin GIDC) 700 થી વધુ હેક્ટર ક્ષેત્રફળ અને 15.12 કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હોવાથી દિવાળી વેકેશનમાં (Diwali Vacation) સૂના ભેંકાર બનતાં વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવી એક પડકાર જનક કાર્ય બને છે.

ઉદ્યોગ સંગઠનો અને પોલીસ વચ્ચે યોજાયેલી સંકલન બેઠકમાં ચોરી અને લૂંટના કિસ્સાઓને ડામવા પોલીસે વેકેશનમાં સીસી કેમેરા ચાલુ રાખવા ઉદ્યોગકારોને અનુરોધ કર્યો છે. જીઆઈડીસીમાં ચુંટાયેલી પાંખના હોદ્દેદાર ઉમેશભાઈ ડોબરીયાની આગેવાનીમાં થયેલી મિટીંગ દરમિયાન ઉદ્યોગકારોના હિતમાં અમુક નિર્ણયો લેવાયાં હતાં.

ઔધોગિક એકમોની અંદર અને બહાર રોડ સાઈડના CCTV કેમેરા ચાલુ રાખવા જાણ કરવામાં આવી છે. ઉમેશભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે હાલમાં દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અને વેકેશન દરમિયાન પોતાની ઓફિસમાં કોઈપણ ઉદ્યોગકારો રોકડ રકમ બને ત્યાં સુધી ઓછી રાખે તે હિતવર્ધક રહેશે. ઉદ્યોગકાર પોતે જાગૃત રહેશે તો ચોરીના બનાવો બનશે નહીં અને જવાબદાર તંત્રને પણ ચોક્કસ જવાબદારી નિભાવ્યાનો આનંદ થશે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં પ્રમુખ નિલેશ લીમ્બાસીયા,સેક્રેટરી મયૂર ગોળવાલા,ઉપપ્રમુખ નિલેશ ગામીએ જણાવ્યું હતું કે, જીઆઈડીસીમાં 2,250 એકમો આવ્યા છે.એટલાજ એકમો જીઆઈડીસીને લાગુ વિસ્તારોમાં આવ્યાં છે 1,700 પાવરલૂમ એકમો, 53 ટેક્સટાઈલ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો,53 કેમિકલ એકમો,100 એન્જિનિયરિંગ એકમો, અને 50 અન્ય એકમો કાર્યરત દિવાળી પર્વની રજામાં સચિન જીઆઈડીસીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સચિન જીઆઈડીસી પોલીસ ચાંપતી નજર રાખશે આ સિવાય ઉદ્યોગકારો પોતાના યુનિટની બહારના ભાગે મુખ્ય દ્વાર ઉપર સીસી કેમેરા ચાલુ રાખે તે જરૂરી છે.

આમ સમગ્ર સચિન જીઆઈડીસી પોલીસ તંત્ર અને કેમેરાની નજરમાં રહેશે. ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના ઉપપ્રમુખ નિલેશ ગામીએ કહ્યું હતું કે નોટીફાઈડ સિક્યુરીટી અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોની આ વખતે જવાબદારી વધી ગઈ છે જેથી અમે ચોક્કસ કામગીરી કરવાના છીએ. વેકેશન દરમિયાન અમે પણ જીઆઈડીસીમાં વારા ફરતી અવર જવર રાખીશું.

Most Popular

To Top