Comments

આપણી ‘મુમતાઝ’ ડાહી છે..!

વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં સુધી..! બાકી બુધ્ધુ તો નથી જ..! વાત કોઈને ડરાવવાની નહિ, માત્ર ચેતવવાની છે..! આપણી વાઈફ ( આપણી લખું ત્યાં પોતપોતાની જ સમજવી. એટલા માટે કે, ‘વાઈફ’ એટલે લીમીટેડ કંપનીને, બાકીના શેરહોલ્ડર હોતા નથી. આ તો દિલનો એક ઉઘાડ..! ) દરેકને બીજાની વાઈફ ડાહી લાગે, એ સ્વાભાવિક છે..! ખુદની વાઈફને ‘ડીપાણ’ થી (ડીપાણ એટલે ઊંડાણ) સમજવા માટે કોઈની પાસે સમય નથી. બે-ઘડી કાઢો તો, ખબર પડે કે, વાઈફ જેવી બીજી કોઈ ડાહી નહિ..! કેવા-કેવા ખારા–મીઠા-મોળા-તીખા-આડા-ઊભા-ઉબડા સોમવારના ઉપવાસ કરીને ઊંચા અરમાન સાથે એ આપણી ભેગી આવી હોય! એને ડાહી-ડમરી જ કહેવાય. આપણા જેવા ભરથાર મળ્યા, એ તો એનું તપોફળ કહેવાય! એને સરકારી આવાસમાં રાખો કે મરવા પડેલી ભૂધર-કારાની ચાલમાં રાખો કે પછી દુબઈના ‘બુર્જ-ખલીફા’ ના શાનદાર ફ્લેટમાં રાખો, દરેક જગ્યાએ એની એનર્જી સરખી. એ બેનરજી બનીને હાય-વોય નહિ કરાવે! ‘ટેસ્ટ’ થી આપણી સાથે જ રહે ને બધાને ટેસ્ટથી જ સાથે રાખે.

અર્જુમંદબાનોનું નામ તો તમે સાંભળ્યું જ હશે? આ ‘અર્જુમંદ બાનો’ એટલે આગ્રાના તાજમહાલમાં સચવાયેલી મુમતાઝ ને ‘શહેજાદા ખુર્રમ’ એટલે તાજમહાલ બંધાવનારો એનો ખાવિંદ શાહજહાં! જો કે, આપણને ત્રીજી પેઢીની વાઈફનું નામ યાદ કરતાં પસીનો વળી જાય, પણ મુમતાઝ બરાબરની યાદ રહે! આ એક જ મલ્લિકા એવી છે કે, જેના ખાવિંદે, મૃત્યુ પછી, એની યાદમાં વિશ્વની અજાયબીઓમાંનો એક ‘તાજમહેલ’ બંધાવેલો. આપણાથી બહુ-બહુ તો વાઈફ બદલાય, બાકી વાઈફની યાદમાં ઘરનાં નળિયાં પણ નહિ બદલાય! પોતપોતાના મકાન ઉપર વાઈફનું નામ કંડારીને વાર્તા પૂરી કરી દઈએ એ વાત અલગ. ચાબુકનાં જ ઠેકાણાં ના હોય તો, ઘોડાગાડી આવે ક્યાંથી? દરિયાકિનારે જઈને રેતીના ઢગલાથી મહેલ બનાવીએ તો પણ ઘણું! એમાં ગુજરાતીની તો ભઈલા…વાત જ નોખી. ગુજરાતી એટલે પાક્કો ગણતરીબાજ! નાસ્તામાં બ્રેડ-બટરને બદલે, ગણિતના પલાખાં ચાવતો હોય એમ, પથારીમાંથી ઊઠે એટલે પોતાના દાંત ગણી લે કે, પૂરા ૩૨ છે કે, એકાદ ઓછો થયો? વાઈફના દાંતનો ડોકટરી ખર્ચ આવે તો, બીલ તેના પિયર મોકલે. સાથે લખે કે, ‘ વડીલ, દાંત સાસરે આવીને ઊગેલા ના હોવાથી, એનો ખર્ચ તમારે ભોગવવાનો થાય છે! હવે તમે જ કહો, એ તાજમહાલ બંધાવે? એ તો આજે પણ એમ કહે કે, ‘ વાઈફ પાછળ “ઘેલાં ‘થયા ઓ માનવી” ની માફક શહેજાદા ખુર્રમે પૈસાનો ધુમાડો કરવાની જરૂર જ ના હતી? એટલા પૈસા બેંકમાં મૂક્યા હોત તો એના વ્યાજમાંથી દર વર્ષે એક નવી મુમતાઝ વસાવી શક્યો હોત! છતાં છુટ્ટા મોંઢે શાહજહાંની કદર એટલા માટે કરવી પડે કે, વાઈફના વિલય પછી પણ તેમણે મુમતાઝનું આત્મગૌરવ જાળવેલું! આપણી પાસે સમ ખાવા પૂરતી એક જ વાઈફ હોવા છતાં, તેને પાણીપુરી ખવડાવવામાં પણ ધાંધિયા કરીએ! તેની માંગણી સામે પાણી-પાણી થવાને બદલે એવી વાણી કાઢે કે, પાણીપુરીને બદલે પિયરની પચ્ચીસ પેઢી વખાણી કાઢે!

જેવી હોય તેવી, પણ આપણી મુમતાઝ બહુ ડાહી..! (વિશ્વની વાઇફો જરા ‘તાલ્લ્લી’ તો પાડો..!) એક પણ ઉપવાસ વગર એ આપણને મળેલી એટલે એની કદર કરતા નથી. બાકી આપણામાં પણ વાયરસ તો ઘણા! આ તો હસવાની એક વાત યાદ આવી કે, ૬૦ વર્ષના એક દંપતી ઉપર એક ચૂડેલ પ્રસન્ન થઇ ગઈ. એણે કહ્યું ‘‘તમને બન્નેને હું એક-એક વરદાન આપીશ! માટે જે માંગવું હોય તે માંગો. ડોશી કહે, ’મારે મારા પતિ સાથે world tour કરવી છે.’ ચૂડેલ કહે ‘તથાસ્તુ!’ પછી ડોસાને પૂછ્યું તો કહે, ‘મારે બીજાં લગન કરવાં છે, પણ કન્યા મારાં કરતાં ૩૦ વર્ષ નાની હોવી જોઈએ..!’ ચુડેલ કહે,’તથાસ્તુ..!’ તમે માનશો નહિ, ડોસો ૬૦ નો હતો તે ૯૦ વર્ષનો થઇ ગયો..! આને કહેવાય પાછલી ઉમરનાં પરાક્રમ..! ચૂડેલ, પણ આખર તો એક સ્ત્રી છે, એની એને ખબર નહિ!

દરેક વ્યક્તિનું ‘હેમોગ્લોબીન’ એકસરખું હોતું નથી, એમ, દરેક વાઈફની પ્રકૃતિ એકસરખી ના હોય. એ આપણને નિભાવે, તેમ આપણે એને નિભાવી લેવાની. ‘હેન્ડસમ’ ને બદલે, ‘હાથ-વણાટ’ જેવો લમણે ટકરાયો હોય તો પણ, એ ગાડું ખેંચી જ નાંખે. પછી તો ‘કાગડો દહીંથરું લઇ ગયો’ વાળી કહેવત કંઈ અમસ્તી થોડી પડી છે? થાય એવું..! અમુકના તો નકશા જ એવા કે, ‘હેન્ડસમ’ કરતાં ‘લેઘસમ’ વધારે લાગે. એવાં ‘એકવડા’ બાંધાના હોય, કે તૌકાતે જેવાં વાવાઝોડાં ફૂંકાવાના હોય તો ટોપલામાં જ ઢાંકી દેવા પડે. મારા જેવા મજબૂત બાંધાના હાસ્ય-લેખકમાંથી પાટિયાં પાડવાં હોય તો, દશ-બાર પાટિયાં તો હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે સાહેબ જેવાં પડે, એવાં એકવડા બાંધાના! ‘કાજી દુબલે કયું, તો સારે ગાંવકી ફિકર..!’ અમારો શ્રીશ્રી ભગો જન્મ્યો ત્યારથી એકવડો છે. એ બેવડો થયો જ નથી…! પારકી પંચાતમાં જ એટલો વ્યસ્ત રહે કે, જ્યારે જુઓ ત્યારે ‘ઇસ રૂટકી સભી લાઈન વ્યસ્ત હૈ’ જેવો લાગે..! આંગણાનાં ખાડા પૂરવા અખાડા કરે ને શહેર-સુધરાઈના કોદાળી પાવડાની રાહ જુએ, ને નવરો બેઠો ચિંતા બંગાળનાં બેનરજીની કરે..!

દિલ્હીમાં ૨૦,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા ‘સેન્ટ્રલ-વિસ્ટા’ ના મામલે લોહીના ઉકાળા કરે, પણ કોરોનાનો ઉકાળો નહિ ચઢાવે! કારણ વગરના પોટલાં માથે ઉપાડે, ને પોતાનું પોટલું કૂતરાં જ વીંખતા હોય એના જેવી વાત છે દાદૂ..! જ્યારથી એણે દુબઈનો ‘ બુર્જ-ખલીફા ‘ટાવર જોયો છે ત્યારથી. ખિસ્સામાં દશ-બાર અબજ કૂદકા મારતા હોય એમ, ગામમાં પણ આવો એકાદ ટાવર હોવો જોઈએ, એના લવારે ચઢી ગયો. ઈચ્છાઓ ખમતીધર માનવીના ભેજામાં ઈંડા મૂકે ત્યાં સુધી તો બરાબર, પણ આ ભાઈની તો ઈચ્છા જ એવી કે, ફોરમેટ વગર ડીલીટ જ નહિ થાય. ખાખરા-પીઝા-હોટડોગ-બર્ગર-ફ્રેન્કી ચાખ્યા પછી, જેમ રોટલા જોઈને ગોટલા ચઢવા માંડે, એમ બુર્જ-ખલીફાની ઈમારત તાળવે એવી ચોંટી ગઈ કે, હટવાનું નામ નહિ લે. બાકી, આપણે તો જાણીએ કે,‘બુર્ઝ-ખલીફા‘ નું ટેટુ પણ એ ચિતરાવી નહિ શકે! મને કહે, ‘રમેશિયા..! ભગવાન આગળ આપણું ઉપજે નહિ એટલે, બાકી જનમ તો દુબઈમાં જ લેવાય હોંકેએએએ..? છેલ્લ્લે થયું એવું કે, બુર્જ ખલીફાનું ભૂત ટાઢું પાડવા, એના અડધો ડઝન છોકરાના નામ આગળ પણ ‘બુર્જ’ લગાવી દીધું. બુર્જ-ગુલાબ, બુર્જ-ચંપા, બુર્જ-મોગરો, બુર્જ-રાતરાણી, બુર્જ-ચંપાકલી, બુર્જ-ચમેલી વગેરે વગેરે..! નામ જાણીને આપણને એમ થાય કે, આ માણસ ઘરમાં રહેતો હશે કે, બગીચામાં?
લાસ્ટ ધ બોલ
પત્નીએ આજે તો હિંમત કરીને પૂછી જ નાખ્યું કે, ‘ડાર્લિંગ, તમે મને શાહજહાં જેટલો પ્યાર કરો છો ખરાં..?’ હું મરી જાઉં તો તમે પણ તાજમહાલ જેવી ઈમારત બનાવશો કે..? અરે ગાંડી, એ માટે તો મેં એક ભવ્ય પ્લોટ પણ મેં ખરીદી રાખ્યો છે. પણ તું ઉકલતી જ ક્યાં છે..? તારા કપાળમાં કાંદા ફોડું..!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top