Gujarat

SOTTO અંતર્ગત રાજ્યમાં 6 દિવસની અંદર 10 અંગદાન થયા : 27 જરૂરિયાતમંદને નવજીવન

ગાંધીનગર: રાજ્યમાં અંગદાન (Organ Donation) ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO (State Organ And Tissue Transplant Organization) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં ૧૦ અંગદાન થયા છે. આ ૧૦ અંગદાતાઓના અંગદાનથી ૨૭ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

રાજ્યના ઇતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસનાં પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ ૨૭ દર્દીઓને (Patient) નવજીવન મળ્યું છે. રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા ૨૭ અંગોમાં ૧૬ કિડની, ૯ લીવર, ૧ હ્રદય, ૧ આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૦ કિડની અને ૬ લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ડૉ.મોદીએ કહ્યું હતું કે આ ૧૦ અંગદાનમાંથી ૯ અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું હતું.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિધ્ધી અંગે કહ્યું હતુ કે, તાજેતરમાં જ સિવિલ સર્વિસિસ ડે ના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ પ્રાપ્ત થયાના ૧૦ દિવસમાં જ ગુજરાતમાં આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે જેની આ ઐતિહાસિક સિદ્ધિ સાક્ષી પુરે છે, રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, તજજ્ઞ તબીબોની નિષ્ઠા અને રાજ્યમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે જ આ સિધ્ધી હાંસલ થઇ છે તેમ પટેલે જણાવ્યું હતું.

Most Popular

To Top