Dakshin Gujarat

મીંઢોળા નદીના કિનારે બારડોલી શહેરને અડીને આવેલું ફળદ્રૂપ જમીન વાળું ગામ એટલે..

મીંઢોળા નદીના કિનારે બારડોલી શહેરને અડીને આવેલું નાંદીડા ગામ મુખ્યત્વે બહુલ હળપતિ આદિવાસી ઉપરાંત પાટીદાર અને માહ્યાવંશી, કોળી પટેલ, નાયકા, ગામીત અને રબારી સમાજના લોકોની વસતી ધરાવે છે. ગામના લોકોએ મુખ્ય વ્યવસાય ખેતી અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે. ખાસ કરીને પાટીદાર સમાજ ખેતી સાથે, જ્યારે રબારી, કોળી પટેલ અને કેટલાક હળપતિ સમાજના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીની દૃષ્ટિએ નાંદીડા ગામ સમૃદ્ધ માનવામાં આવે છે. મીંઢોળા નદીના તટમાં વસેલું ગામ હોવાથી નદીના કાંપને કારણે આ વિસ્તારની જમીન ખૂબ જ ફળદ્રુપ છે. બારડોલી સુગર ફેક્ટરી માંડ 3 કિ.મી.ના અંતરે હોવાથી અહીંના ખેડૂતો શેરડીની ખેતી કરવાનું વધુ પસંદ કરે છે. ઉપજાઉ જમીનને કારણે શેરડીનો સારો પાક લઈ શકાય છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો કેળ અને શાકભાજીના પાકને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. ગામમાં સિંચાઇના પાણીની સારી સુવિધાને કારણે ખેડૂતો મબલક પાક લઈ શકે છે. એટલું જ નહીં બારડોલી અને આજુબાજુનાં ગામોમાં આવેલી સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિતની વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડતી હોવાથી ખેડૂતો આવી સંસ્થાઓ પર ખાસ આધાર રાખે છે.

ગામની ભૌગોલિક સ્થિતિ
ગામની ભૌગોલિક સ્થિતિની વાત કરવામાં આવે તો નાંદીડા ગામ તાલુકામથક બારડોલીની સીમા સાથે જોડાયેલું હોવા છતાં બારડોલી તાલુકાનું છેલ્લું ગામ ગણી શકાય. કેમ કે, નાંદીડાની હદ પછી પશ્ચિમમાં તરત જ પલસાણા તાલુકો શરૂ થઈ જાય છે. ગામને પલસાણા તાલુકાનાં પિસાદ અને વણેસા ગામની સીમા પણ અડે છે. ભૌગોલિક દૃષ્ટિએ શહેરની નજીક હોવા ઉપરાંત બે મહત્ત્વના માર્ગોની વચ્ચે વસેલું છે. દક્ષિણમાંથી અતિ મહત્ત્વનો એવો સુરત-ધુલિયા નેશનલ હાઇવે નં.48 પસાર થાય છે. તો ઉત્તરમાં અતિ વ્યસ્ત બારડોલી-સુરત રોડ પસાર થાય છે. એટલું જ નહીં ગામની સીમમાંથી બારડોલી પલસાણા રાજ્ય ધોરી માર્ગ પણ પસાર થતો હોવાથી ગામ તમામ બાજુથી સડક માર્ગે જોડાયેલું છે. જે ગામના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગામમાં ધીમે ધીમે ઔદ્યોગિક એકમોની શરૂઆત પણ થઈ રહી છે. હાલમાં એક આઇસક્રીમ બનાવતી ફેક્ટરી સહિત બે ફેક્ટરી કાર્યરત છે.

વસતીવિષયક માહિતી
નાંદીડા ગામમાં 2011ની દૃષ્ટિએ વસતી જોઈએ તો મહિલા અને પુરુષનો લગભગ સમાન રેશિયો જળવાયેલો છે. મહિલાઓ કરતાં માત્ર 10 જ પુરુષ વધારે છે. આમ ગામમાં મહિલા-પુરુષનો લિંગ અનુપાત 50-50 % જેટલો જોવા મળી રહ્યો છે. જે અન્ય ગામો કરતાં ખૂબ જ સારો છે. આ ઉપરાંત ગામમાં 256 જેટલાં ઘર છે અને ગામનો સાક્ષરતા દર પણ 70.40 ટકા એટલે કે કુલ 1136ની વસતીમાં 800 લોકો સાક્ષર છે. ગામની કુલ વસતીના 63 ટકા લોકો અનુસૂચિત જનજાતિના છે, જેમાં હળપતિ, નાયકા, ગામીતનો સમાવેશ થાય છે. જ્યારે 34 ટકામાં પાટીદાર, કોળી પટેલ, રબારી સમાજના લોકો છે. જ્યારે 3 ટકા અનુસૂચિત જાતિમાં માહ્યાવંશી સમાજના લોકો વસવાટ કરે છે.

તમામ ઘરોમાં નળથી પાણી
ગામમાં સરકારની જળ સે નળ યોજના થકી તમામ ઘરોમાં નળ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. લોકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે એ માટે ગામમાં એક પાણીની ટાંકી અને એક સંપ બનાવવામાં આવ્યો છે. જેના મારફતે ગામનાં તમામ ઘરોમાં નળો મારફતે સવાર-સાંજ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

હાલમાં જ બનેલા સંપના કામમાં વેઠ ઉતારી હોવાની ફરિયાદ
હાલમાં જ ગામમાં પીવાના પાણીના વિતરણ સરળતાથી થાય એ માટે એક લાખ લીટરનો સંપ બનાવવામાં આવ્યો છે. જો કે, સંપની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું ખુદ સરપંચે જ કબૂલ્યું હતું. સરપંચે જણાવ્યું હતું કે, સંપનું કામ ગુણવત્તાવાળું થયું નથી. આથી અમે તાલુકા તેમજ જિલ્લામાં હલકી ગુણવત્તા બાબતે લેખિત અરજી પણ કરવાના છીએ. પાણી આપવાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણી લીકેજની પણ સમસ્યા સર્જાઈ હતી. આથી આ સંપને ફરીથી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

હાઇવેને જોડતો રસ્તો બનાવવા માંગ
નાંદીડા ગામ ભૌગોલિક દૃષ્ટિએ ભલે રાજ્ય ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડાયેલું હોય, પરંતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડતો રસ્તો નહીં બનાવવામાં નહીં આવ્યો હોવાથી લાંબો ચકરાવો મારવો પડે છે. આ રસ્તો ડામરનો બને એ માટે ગ્રામજનોએ અનેક રજૂઆત કરી છે. પરંતુ કોઈ કામ થતું ન હોવાનું જણાવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પણ આ રસ્તો મૂકવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી રસ્તો બની શક્યો નથી. ત્યારે વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તો ખેડૂતોની સાથે સાથે હાઇવે પર જવા માંગતા લોકોને પણ સીધો ફાયદો થઈ શકે એમ છે.
કુલ વસતી – 1136
મહિલા – 563
પુરુષ – 573
અનુસૂચિત જાતિ – 37
અનુસૂચિત જનજાતિ – 719
કુલ ઘર – 256
સાક્ષરતા દર – 70.40 %

ગ્રામ પંચાયતની બોડી
અક્ષયભાઈ ગણપતભાઈ રાઠોડ – સરપંચ
જિજ્ઞાશાબેન રમણભાઈ માહ્યાાવંશી – ઉપસરપંચ
સભ્ય – હસમુખભાઈ અંબુભાઈ પરમાર
સભ્ય- અજયભાઈ ભરતભાઈ રબારી
સભ્ય -સુમનબેન ભાણાભાઈ રાઠોડ
સભ્ય – શારદાબેન ગણપતભાઈ રાઠોડ
સભ્ય- મીનાબેન સુરેશભાઇ રાઠોડ
સભ્ય- સુરેશભાઇ છનાભાઈ રાઠોડ
સભ્ય- યુ.આર.મલેક–ઇનચાર્જ તલાટી કમ મંત્રી

ગામનાં ફળિયાં
નિશાળ ફળિયું (માહ્યાવંશી ફળિયું)
પાટીદાર ફળિયું
પંચવટી ફળિયું
ડુંગરી ફળિયું
14 ગાળા ફળિયું
25 ગાળા ફળિયું
નવી વસાહત ફળિયું

પ્રદૂષણ બન્યું ‘કહેર’: ડિસ્પોઝલ પ્લાન્ટથી ગ્રામજનોનાં સ્વાસ્થ્યને અસર
બારડોલી પાલિકા દ્વારા કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવતો ન હોવાથી નુકસાન
નાંદીડા ગામની સીમમાં બારડોલી નગરપાલિકાનો ડિસ્પોઝલ પ્લાન્ટ આવેલો છે. ગામની નજીકમાં જ પ્લાન્ટ હોવાથી ગ્રામજનોએ પ્લાન્ટને લીધે થતા પ્રદૂષણને લઈ અનેક વખત ફરિયાદો કરી છે. પ્લાન્ટમાં વારંવાર ગંદો કચરો સળગી જતો હોવાથી ધુમાડો ગામના લોકોને અસર કરે છે. જેને કારણે ગામના લોકોનાં આરોગ્ય પર તેની સીધી અસર થવાની સંભાવના છે. જ્યારે પણ કચરો સળગે છે ત્યારે ગ્રામજનોને આંખોમાં બળતરાની ફરિયાદ ઊઠતી હોય છે. ગ્રામજનોનું કહેવું છે કે, બારડોલી નગરપાલિકા દ્વારા કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં નહીં આવતો હોય છેવટે ભોગવવાનું ગ્રામજનોએ આવે છે. આખા શહેર ઉપરાંત આજુબાજુનાં ગામનો કચરો પણ અહીં ઠાલવવામાં આવે છે. જો કે, હાલ પાલિકા દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવી ઘનકચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ ગ્રામજનો પાલિકાની નીતિરીતિથી નાખુશ હોવાનું જણાવ્યું હતું. પાલિકા દ્વારા ગ્રામજનોને કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. ગ્રામજનોનું કહેવું છે કે, ગામની જમીનનો ઉપયોગ કરે તો પાલિકા દ્વારા નાંદીડા ગામમાં વિકાસનાં કામો કરવા જોઈએ પરંતુ તેવું થતું નથી. આથી ગ્રામજનોમાં વારંવાર ડિસ્પોઝલ સાઇટને લઈને વિરોધ કરતા જોવા મળે છે.

ગામમાં સસ્તા અનાજની દુકાનનો અભાવ, ગ્રામજનોને હાલાકી
શહેરી વિસ્તારની નજીક હોવા છતાં નાંદીડામાં અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. 1100થી વધુ વસતી હોવા છતાં ગામમાં સસ્તા અનાજની સરકારી દુકાન ન હોવાથી ખાસ કરીને આદિવાસી સમાજના લોકોને સરકારની યોજનાનો લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સસ્તું અનાજ લેવા માટે ગ્રામજનોએ તેન ગામ સુધી લંબાવવું પડે છે. આ દુકાન અંદાજિત ચાર કિ.મી. દૂર આવેલી છે. પગપાળા અનાજ લેવા જવું પણ આદિવાસી સમાજ માટે મુશ્કેલ છે. ગામમાં જ સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તો ગ્રામજનોની મોટી સમસ્યાનો નિકાલ આવી શકે એમ છે. સરકારી સસ્તા અનાજની દુકાનના અભાવે અનેક લાભાર્થીઓ સસ્તા અનાજનો લાભથી વંચિત રહી જાય છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા ગામમાં એક સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

મંદિરો આસ્થાનાં પ્રતીક
નાનકડા ગામમાં આવેલાં મંદિરો ગ્રામજનોનાં આસ્થાનાં પ્રતીક છે. ખાસ કરીને ગામના પ્રવેશદ્વાર પર જ આવેલા મોટા બાવાજી મંદિો ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક દર્શન માટે જતા હોય છે. ગામમાં અન્ય મંદિર પૈકી ખોડિયાર માતા મંદિર, રામજી મંદિર, ભવાની માતા મંદિર, વેરાઈ માતામંદિર, રાધાકૃષ્ણ મંદિર પણ આવેલું છે.

અન્ય ગામથી આવેલા હળપતિઓએ પણ નાંદીડાને બનાવ્યું પોતાનું વતન
હળપતિ સમાજના ગામમાં વસવાટ અંગે વાત કરતાં વડીલ શંકરભાઈ સુખાભાઈ રાઠોડ જણાવે છે કે, વર્ષો પૂર્વે ગામમાં હળપતિ સમાજના ત્રણ પરિવાર હતા, જેમાં સુખાભાઈ રણછોડભાઈ રાઠોડ, સોમાભાઈ રણછોડભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ ગાંડુભાઈ રાઠોડના પરિવારનો સમાવેશ થાય છે. તેમનો વંશવેલો અને બહારગામથી કેટલાક લોકોએ અહીં આવીને નાંદીડા ગામને પોતાની કર્મભૂમિ બનાવી છે. જેમાં બાજુનાં વણેસા, પિસાદ, કારેલી અને સાતેમ ટોળી ગામથી હળપતિ સમાજ ઉપરાંત અન્ય ગામીત અને નાયકા સમાજના લોકો આવીને વસતાં ગામમાં આદિવાસી સમાજની વસતી મુખ્ય થઈ છે.

ખેતીના પાણી માટે વધુ વિકલ્પો
ગામના સરપંચ અક્ષયભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગામમાં ખેતી માટે પાણીની સારી એવી સુવિધા છે. ગામની સીમમાંથી જ મીંઢોળા નદી પસાર થતી હોવા ઉપરાંત નહેર દ્વારા પણ સિંચાઇનું પાણી મળતું હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. કેટલાક ખેડૂતો ખાનગી બોરવેલ અને કૂવા મારફતે પણ સિંચાઇનું પાણી મેળવે છે. આ ઉપરાંત ગામમાં આવેલાં બે તળાવ પણ ગામના પાણીનું સ્તર ઊંચું રાખવામાં મદદરૂપ થાય છે.

સરકારી આવાસથી અનેક લાભાર્થીઓ વંચિત
નાંદીડા ગામમાં સરકારી આવાસો જેવા કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના ખૂબ જ ઓછાં ફાળવવામાં આવતાં હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. ગામમાં આવાસ સમયસર નહીં ફાળવવામાં આવતાં હજી પણ અનેક પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકાર થઈ શક્યું નથી. અનેક પરિવારો હજી પણ સરકારી આવાસની સુવિધાથી વંચિત છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી ગામમાં ઓછાં આવાસ ફાળવવામાં આવતાં હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. આ ઉપરાંત શૌચાલય નિર્માણમાં પણ હલકી ગુણવત્તાનું કામ થયું હોવાથી અનેક ઘરોમાં શૌચાલય બિન ઉપયોગી બની ગયાં છે. ગ્રામજનોનું કહેવું છે કે, અમારા ગામમાં ખૂબ જ ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેને કારણે ગામમાં વિકાસનાં કામો થઈ શકતા ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે સત્તામાં બેઠેલા નેતાઓ નાંદીડા ગામના લોકોને સુવિધા પૂરી પાડવામાં ઊણા ઊતરે તે જરૂરી બની ગયું છે.

કોમ્યુનિટી હોલ મરામત માંગે છે
ગ્રામ પંચાયતના મકાનની બાજુમાં આવેલો કોમ્યુનિટી હોલ મરામત કામ માંગી રહ્યો છે. વર્ષો પહેલાં બનેલો આ હોલ હાલ બિન ઉપયોગી બની ગયો હોવાનું જણાય છે. હોલના ઓટલા પર વનસ્પતિ ઊગી નીકળી છે. તો પગથિયાંની ટાઇલ્સ પણ તૂટી ગયેલી હાલતમાં છે. આ હોલ માત્ર સરકારી યોજનાની જાહેરાત માટેનું સ્થાન બની ગયો છે. સરકાર દ્વારા હોલની મરામત કરવામાં આવે તો ગામ માટે ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.

પાદરે આવેલા તળાવનું બ્યુટિફિકેશન કરાશે
ગામના પાદરે આવેલું તળાવ જળકુંભીથી ઢંકાઈ ગયું છે. તળાવમાં પાણી દેખાઈ ન શકે એટલી હદે જળકુંભી થઈ ચૂકી છે. પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. જો કે, સરપંચે આગામી દિવસમાં તળાવના બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. તળાવને સાફસફાઇ કરી ફરતે બાગ-બગીચા તેમજ વોક-વે બનાવી ગામના પાદરે એક અનોખું નજરાણું બનાવવાની નેમ સરપંચે વ્યક્ત કરી હતી. તળાવના બ્યુટિફિકેશનથી ગામની શોભાને ચાર ચાંદ લાગી જશે.

નાંદીડા ગામમાં ગટરલાઇનની સુવિધાનો અભાવ
ગામનો મોટા ભાગના વિસ્તારમાં ગટર લાઇનનો અભાવ છે. ઘરે ઘરે પીવાના પાણીના નળ તો પહોંચી ગયા, પરંતુ ગટર લાઇનનો અભાવ જોવા મળી રહ્યો છે. ગામમાં આવેલા મોટા ભાગનાં ફળિયાંમાં ગટરલાઇનની સુવિધા ન હોવાથી ગંદા પાણીના નિકાલમાં ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ હાલમાં જ એક ફળિયામાં ગટરલાઇન મંજૂર થઈ હોવાથી ભૂંગળાં તો નાંખી દેવામાં આવ્યાં છે, પરંતુ હજુ કામ શરૂ થઈ શક્યું નથી.

પશુપાલનનો વ્યવસાય તો ખરો, એક દૂધમંડળીની જરૂર
ગામમાં ખેતી બાદ પૂરક વ્યવસાય તરીકે અનેક કુટુંબો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખાસ કરીને ગાય-ભેંસ પાળતા પશુપાલકો તેના દૂધ થકી જ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત કેટલાક પરિવારો બકરાં પાલનના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. બીજી તરફ ગામમાં અનેક પશુપાલકો હોવા છતાં દૂધમંડળી ન હોવાથી પશુપાલકોએ પલસાણાના વણેસા ગામે દૂધ ભરવા માટે જવું પડે છે. જેના કારણે પશુપાલકો ધીમે ધીમે આ વ્યવસાયથી મોં ફેરવી રહ્યા હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. ચારથી પાંચ કિમી સુધી દૂધ ભરવા જવાનું હોવાથી ગ્રામજનો પશુપાલન વ્યવસાય છોડવા મજબૂર બન્યા છે, ત્યારે ગામમાં જ એક દૂધમંડળીની સ્થાપના થાય તેવી માંગ પણ ઊઠી છે. ગામમાં જ દૂધમંડળી હોય તો પશુપાલનના વ્યવસાયને વેગ મળી શકે છે. ખાસ કરીને આદિવાસીઓ પણ આ વ્યવસાય સાથે જોડાયને પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે છે.

ગામમાં શિક્ષણની જ્યોત જગાવતી પ્રાથમિક શાળા
ગામમાં 1થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. 8માં ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ બારડોલી શહેરમાં આગળ અભ્યાસ માટે જવું પડે છે. બારડોલી નજીક હોવાની સાથે સાથે આજુબાજુનાં ગામો જેવા કે ઇસરોલી, તાજપોર, તરસાડી, ઉમરાખમાં પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિકસેલી હોવાથી ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂર સુધી જવાની સમસ્યા રહેતી નથી.

ખેતી અને ઔદ્યોગિક વિસ્તારને કારણે રોજગારીનો પ્રશ્ન નહીંવત
ગામમાં ખેતીનો સારો એવો વિકાસ થયો હોવાથી ગામના અનુસૂચિત જનજાતિ સમાજના લોકો મોટા ભાગે ખેતમજૂરી તરફ વરેલા છે. જો કે, નવી પેઢી બારડોલી GIDC ગામને અડીને જ તેન ગામની સીમમાં આવેલી હોવાથી અહીંનાં વિવિધ એકમોમાં કામ માટે જાય છે. આ ઉપરાંત સુરત રોડ પર જોળવા, બગુમરા, તાતીથૈયા, કડોદરા જેવા વિસ્તારમાં વિકાસ પામેલી ઔદ્યોગિક વસાહતોમાં પણ ગામના યુવાઓ રોજગારી માટે જતા હોવાથી ગામમાં રોજગારીનો પ્રશ્ન ઓછો જોવા મળી રહ્યો છે.

હાઈવે પર કટ નહીં હોવાથી વારંવાર ગ્રામજનોને પડતી મુશ્કેલી
નાંદીડા ગામની સીમમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.53 પર ગામમાં પ્રવેશ માટે કોઈ કટ આપવામાં નહીં આવતાં ગ્રામજનોને હાઇવે પર જવું મુશ્કેલ થઈ ગયું છે. મીંઢોળા નદીના પુલ પાસે ગ્રામજનોએ કટ બનાવ્યો હતો. પરંતુ ત્યાં વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. આજુબાજુનાં ગામોને સર્વિસ રોડ અને કટ પણ આપવામાં આવ્યા છે. ત્યારે નાંદીડા ગામને પણ હાઇવે પર સર્વિસ રોડ અને કટ આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

ગામની ચઢતીપડતીનો સાક્ષી 150થી વધુ વર્ષ જૂનો વડ
ગામના પાદરે આવેલું વડનું વૃક્ષ 150 વર્ષથી વધુ સમયથી અડીખમ ઊભું હોવાનું ગામના વડીલોએ જણાવ્યું હતું. ઘટાદાર બનેલું આ વૃક્ષ ગામના લોકોને ગરમીમાં છાંયડો આપવાનું કામ કરે છે. ગામના વડીલની જેમ અડીખમ ઊભેલા આ વૃક્ષની નીચે બેસીને ગામના વિકાસની ચર્ચા થાય છે. ગામની અનેક ચઢતીપડતીનો સાક્ષી રહેલો આ વડ ગ્રામજનોની લાગણી જોડાયેલી છે.

ગામમાંથી એસ.ટી. બસ તો પસાર થાય છે, પરંતુ બસ સ્ટેન્ડનો અભાવ
ગામમાંથી પસાર થતા બારડોલી-પલસાણા રોડ પર એસ.ટી. બસોની અવરજવર રહે છે. જે બસોને કારણે ગ્રામજનોને આવવા-જવામાં થોડા અંશે રાહત રહે છે. જો કે, આ રૂટ પર બસોની ફ્રિક્વન્સી ખૂબ જ ઓછી હોવાથી ગ્રામજનોને સમય પર બસ મળી શકતી નથી. એટલું જ નહીં ગામના પાદરે બસ સ્ટેન્ડની પણ સુવિધા ન હોવાથી બસની રાહ જોઈને ઊભેલા પેસેન્જરોએ તમામ ઋતુઓમાં મુશ્કેલી વેઠવી પડે છે. ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં ભર વરસાદમાં બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે. ગામના પાદર પાસે જગ્યા પણ આવેલી છે, તો વહીવટી તંત્ર દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી એક સારું બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Most Popular

To Top