Dakshin Gujarat

તક્ષશિલા અગ્નિકાંડના 2 વર્ષ છતાં જિલ્લામાં એક પણ ફાયર સ્ટેશન બનાવાયું નથી

દેલાડ: તક્ષશિલા (taksshila) આર્કેડની આગ હોનારત (fire disaster) ચોતરફથી પસ્તાળ પડ્યા બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી (fire safety) વિનાની સ્કૂલો, ટ્યુશન ક્લાસિસ, ધરાવતા કોમ્પ્લેક્સો, હોસ્પિટલો સામે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે ત્યારે આખા ગામને શિખામણ આપવા નિકળેલી રાજ્ય સરકારના ઘરમાં જ દીવા તળે અંધારું છે. સુરત જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો (Industrial area)માં ફાયર સ્ટેશન સાકાર કરવા માટેની લાંબા સમયની માંગ પડતર રહી છે જે પૂરી કરવામાં આવી નથી.

રાજ્ય સરકારના તાબા હેઠળની સુરત જિલ્લા પંચાયતે જિલ્લામાં હજુ સુધી ફાયર સ્ટેશન બનાવાયું નથી કે એના માટે બજેટમાં જમીન ફાળવવાની જોગવાઈ પણ કરી શક્યું નથી એક કડવી વાસ્તવિકતા છે. તત્કાલીન વિપક્ષના સદસ્ય દર્શન નાયકે સને 2017માં 30મી માર્ચના રોજ યોજવામાં આવેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે જિલ્લા પંચાયત દ્વારા ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા માટે બજેટમાં કોઇ જોગવાઇ કરવામાં આવી છે કે કેમ? કે પછી ફાયર સ્ટેશન માટે જિલ્લામાં કોઈ જગ્યાની પસંદગી કરવામાં આવી છે કે કેમ? અથવા તો ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા માટે સરકારમાં કોઈ પ્રપોઝલ મોકલવામાં આવી છે? જેની સામે જિલ્લા પંચાયતના શાસકોએ તમામ સવાલોનો જવાબ નકારમાં આપ્યો હતો ત્યારે હવે નવા વરાયેલા શાસકો જિલ્લાના નાગરિકોની લાંબા સમયની પડતર માંગ સત્વરે રાજકીય મત મતાંતરો ભૂલી ઉકેલ આવે તે જરૂરી છે.

જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.
ઔદ્યોગિક નગરી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં માંડવી, કરજ, પલસાણા, કડોદરા, દેલાડ, સિવાણ, ઓલપાડ, સાયણ, કિમ, માસમાં.સહિતના વિસ્તારોમાં ઉદ્યોગ ગૃહો ધમધમી રહ્યા છે જ્યારે જ્યારે ઉદ્યોગ ગૃહો માં અકસ્માતે આગ ની ઘટના બનતી હોય છે ત્યારે સુરત મનપાના ફાયર વિભાગ ઉપર મદાર રાખવો પડે છે તેઓ દૂર દૂરના સ્થળે આગ બુઝાવવા પહોંચે તે પહેલા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટું નુકસાન પહોંચાડતી હોય છે.

Most Popular

To Top