Sports

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજે ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ભાલા ફેંક સ્પર્ધામાં આજે ભારતીય ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ આજે અલગ ઇતિહાસ રચીને આ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો ગોલ્ડ જીતાડ્યો હતો. નીરજે બીજા પ્રયાસમાં 88.17 મીટરનો થ્રો કરીને આ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાની અર્શદ નદીમે87.82 મીટરના થ્રો સાથે સિલ્વર અને ચેક પ્રજાસત્તાકના જેકબ વેડાલ્ચે 86.67 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

સ્પર્ધામાં નીરજ ચોપરાનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. જ્યારે કટ્ટર હરીફ પાકિસ્તાનના અર્શદ નદીમે 74.80 મીટરનો થ્રો કર્યો હતો. જો કે પહેલા રાઉન્ડના અંતે ફિનલેન્ડનો ઓલિવર હેલાન્ડર 83.38ના થ્રો સાથે ટોપ પર રહ્યો હતો. જ્યારે ભારતના કિશોર જેનાએ 75.70 અને ડીપી મનુએ 78.44નો થ્રો કર્યો હતો. બીજા રાઉન્ડમાં નીરજ ચોપરાએ 88.17 મીટરનો થ્રો કરીને બધાને પાછળ છોડ્યા હતા. પાકિસ્તાની નદીમે 82.81, હેલાન્ડરે 81.44 અને કિશોર જેનાએ 82.82નો થ્રો કર્યો હતો.

ત્રીજા રાઉન્ડમાં નીરજે 86.32, નદીમે 87.82 અને ડીપી મનુએ 83.72નો થ્રો કર્યો હતો. ચાર પ્રયાસના અંતે નીરજ ટોચના સ્થાને, જ્યારે નદીમ બીજા સ્થાને અને જુલિયન વેબર ત્રીજા સ્થાને હતો. જો કે પાંચમા પ્રયાસમાં ચેક પ્રજાસત્તાકના યાકૂબ વેડ્લેચે 86.67ના થ્રો સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો હતો. પાકિસ્તાની નદીમનો પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો. જ્યારે નીરજે પાંચમા પ્રયાસમાં 87.73ના થ્રો સાથે પહેલું સ્થાન જાળવી રાખ્યું હતું.

વર્લ્ડ એથ્લેટિક્સ ભાલા ફેંક સ્પર્ધા
ક્રમ-એથ્લેટ-દેશ-થ્રો
1-નીરજ ચોપરા -ભારત -88.17
2-અર્શદ નદીમ -પાકિસ્તાન -87.82
3-જેકબ વેડાલ્ચ -ચેક પ્રજાસત્તાક -86.67
4-જુલિયન વેબર -જર્મની -85.79
5-કિશોર જેના -ભારત- 84.77
6-ડીપી મનુ -ભારત -83.72

Most Popular

To Top