SURAT

NEET 2023: નીલ લાથીયાએ સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 30મો ક્રમ મેળવ્યો

સુરત: દેશની મેડિકલ (Medical), ડેન્ટલ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષાનું પરિણામ (Result) બુધવારે જાહેર થયું હતું. NEET UG પરીક્ષા આ વર્ષે 7મી મે 2023ના રોજ યોજવામાં આવી હતી. પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી 4 જૂન, 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર 6 જૂન સુધી વાંધો ઉઠાવવાનો વિકલ્પ હતો. આન્સર કી વાંધાઓના આધારે જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફરીએક વાર સુરતનો દબદબો રહ્યો છે.

પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના ખોખરીયા યુગ રમેશભાઈ ૭૦૫ માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં EWS કેટેગેરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. યુગે સમગ્ર ભારતમાં 8મો ક્રમ તથા ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી સુરતનું નામ રોશન કર્યું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યુગ ખોખરીયા પ્રેરણારૂપ બન્યો છે. આ નીલ નીતેશભાઈ લાઠીયાએ ૭૧૦ માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 30મો ક્રમ મેળવી સુરતનું નામ રોશન કર્યું હતું. જ્યારે ટોપ 50માં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ આવ્યાં છે. દેવ ભાટીયા 715 માર્કસ સાથે 18માં ક્રમે જ્યારે તન્ના બાદલ 710 માર્કસ સાથે 47માં ક્રમે છે.

ગુજરાતમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અંદાજે 1.85 લાખ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જણાવી દઈએ કે નીટની 3 કલાક 20 મિનિટની પરીક્ષા 720 માર્કની હોય છે જેમાં 200 પ્રશ્નોમાંથી 180 પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના હોય છે. સાચા સવાલના જવાબ માટે 4 માર્ક અને સવાલના ખોટા જવાબ પર માઇનસ 1 માર્ક કાપવામાં આવે છે. દેશભરના 497 શહેરો ઉપરાંત દેશ બહારના 14 શહેરોમાં NEET UG 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

NEET UG ના પરિણામ બાદ 1899 AIIMS, 249 JIPMER ની બેઠકો સિવાય 612 મેડિકલ કોલેજ તેમજ 315 ડેન્ટલ કોલેજોમાં 92 હજાર જેટલી MBBS તેમજ 27 હજાર જેટલી BDS, 52 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે.

Most Popular

To Top