Dakshin Gujarat

ગરમીમાં ખુલ્લા પગે ફરતા ભિક્ષુકો અને શ્રમિકોને જોઈ નવસારીના યુવકને કરુણા જાગી

નવસારી : નવસારીમાં (Navsari) દઝાડતી ગરમીમાં (Heat) વરાળ નીકળતા રસ્તાઓ (Road) પર ભિક્ષુકો (Beggars) અને શ્રમિકોને (Workers) ખુલ્લા પગે ફરતા જોઈ નવસારીના એક યુવાનની કરુણા જાગી છે. તે યુવાને તેના મિત્રોની મદદથી પગરખાં ખરીદી કરી જરૂરિયાતમંદોને પગરખાં પહેરાવી મદદ કરી હતી.

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળામાં અસહ્ય ગરમી અને બફારો રહેતો હોય છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે. ઉનાળાની ગરમીને લીધે ઘરમાં રહેતી ગૃહિણીઓ અને બાળકો પણ કંટાળી જતા હોય છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઘરમાં એસ.સી. અને કુલર લગાવતા હોય છે. જેના કારણે ઈલેક્ટ્રોનિક દુકાનોની લ્હાણી થઈ જતી હોય છે.

બીજી તરફ ઘરની બહાર નીકળતા લોકો પણ માથે ટોપી અને મોઢા પર રૂમાલ અથવા દુપટ્ટો બાંધી નીકળતા હોય છે. જેથી ગરમી ઓછી લાગે. પરંતુ નવસારી શહેરમાં નિરાધાર ભિક્ષુકો અને શ્રમિકો પણ ઘણા રહે છે. તેઓ પાસે શરીરે પહેરવાના સારા કપડા નથી તેમજ પગમાં ચપ્પલ પણ નથી. નાના ભૂલકાઓ પણ પગમાં ચપ્પલ વિના વરાળ નીકળતા રસ્તાઓ પર ચાલી રહ્યા હોય છે. મજબુરીના કારણે ભિક્ષુકો, શ્રમિકો સહીત જરૂરિયાતમંદો ગરમીમાં આકરા તાપમાં ચપ્પલ વિના ચાલવા મજબુર બન્યા છે.

જોકે નવસારી શહેરમાં સેવાભાવી વ્યક્તિઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ ઘણી છે. મજબુરીના કારણે કપરી પરિસ્થિતિમાં જીવતા લોકોને સેવાભાવી વ્યક્તિઓ મદદ કરવા માટે આગળ આવતા હોય છે. ત્યારે નવસારીના સેવાભાવી એક યુવાને ગરમીમાં વરાળ નીકળતી જમીન પર ચપ્પલ વિના ચાલતા લોકોની મદદ કરવા આગળ આવ્યા છે. ઋત્વિક નામના યુવાને ભિક્ષુકો અને શ્રમિકોની મદદ કરવા માટે તેના મિત્રો પાસે મદદ માંગી હતી. તેણે મિત્રો થકી મદદ મેળવી ચપ્પલો ખરીદી હતી. જે ચપ્પલો ઋત્વિકે શહેરમાં ચપ્પલ વિના ફરતા નાના ભૂલકાઓ, ભિક્ષુકો અને શ્રમિકોને આપી મદદ કરી રહ્યા છે. આગળ પણ જરૂરીયાતમંદોને મદદ કરવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top