Gujarat

નવરાત્રિમાં મોદી વિકાસના કામો માટે સુરત આવતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે: ભૂપેન્દ્ર પટેલ

સુરત : મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્રભાઈ પટેલે સુરતમાં (Surat) વડાપ્રધાનની (PM) જાહેરસભામાં સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નવરાત્રીનો તહેવાર હોવા છતાં પ્રધાનમંત્રીના આગમનથી સુરતમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ ગરીબોને નિઃશુલ્ક રાશન આપવાની યોજના વધુ સમય લંબાવવાના નિર્ણય બદલ મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમજ ડબલ એન્જિનની સરકારનો લાભ ગુજરાતને મળી રહ્યો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, વર્ષ-૨૦૨૩ સુધીમાં સુરતમાં જાહેર પરિવહન સેવામાં ૮૦% ઇ-બસ શરૂ થશે. હજીરા રો-રોપેક્સ ટર્મિનલ થકી કોમર્શિયલ હબ સુરતનું કૃષિ હબ સૌરાષ્ટ્ર સાથે ટુંકું જોડાણ થતા વેપારજગત અને કૃષિક્ષેત્રને ફાયદો થશે.

બાયો ડાયવસિર્ટી પાર્કના નિર્માણથી જળ પ્રદૂષણ અટકાવવાની સાથે સાથે ગ્રીન સિટીનો ઉદ્દેશ્ય પણ સાકાર થશે તેમ જણાવી તેમણે ક્લીન સિટી સુરતને ગ્રીન સિટી બનાવવાના લક્ષ્ય સાથે સરકાર સતત આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. સુરત હોલિસ્ટિક વિકાસ સાથે મોડેલ સિટી બની રહ્યું છે. સુરત જિલ્લાના ૧૮૩ ગામોને ૪ પાણી પુરવઠા યોજનાની ભેટ મળી છે. ગુજરાતમાં નલ સે જલ યોજનામાં ૯૮ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને ટૂંક સમયમાં સો ટકા પૂર્ણ કરવામાં આવશે. સુરતને નવી ઓળખ આપનાર ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટીએ વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ડ્રીમ પ્રોજેક્ટ છે. ખજોદ ખાતે આગળ વધી રહેલા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના કારણે સુરતના હીરા ઉદ્યોગની ચમકદમક પણ વધી રહી છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

Most Popular

To Top