Dakshin Gujarat

નર્મદાના પાણી ઘૂસતાં જૂના બોરભાઠા બેટના લોકોએ નાવડીમાં આશરો લઈ જીવ બચાવ્યો

ભરૂચ: (Bharuch) નર્મદા નદીમાં ૧૮ લાખ ક્યુસેક પાણીના પૂર (Flood) વચ્ચે ભરૂચમાં નર્મદાના (Narmada) પાણી ઘૂસતાં નાવડીઓએ લોકોને આશરો આપી બચાવી લીધા હતા. અંકલેશ્વર તાલુકાના વધુ અસરગ્રસ્ત જૂના બોરભાઠા બેટના લોકોએ પૂરથી બચવા હોડીઓ (Boat) અને કાચાં મકાનોના છાપરે ચઢી દિવસ-રાત વિતાવ્યા હતા.

  • નર્મદાના પાણી ઘૂસતાં જૂના બોરભાઠા બેટના લોકોએ નાવડીમાં આશરો લઈ જીવ બચાવ્યો
  • કેટલાક ગ્રામજનોને નાવડીઓ પણ નહીં મળતાં પોતાના કાચા મકાનના છાપરે રાતવાસો કર્યો

ડેમમાંથી ૬૦ કલાક સુધી છોડાયેલા ૧૮ લાખ ક્યુસેક પાણીના ઘોડાપૂર પરત ફર્યા બાદ હવે તારાજીનો ચિતાર સાથે લોકો પોતાની દયનીય હાલત બહાર ઠાલવી રહ્યા છે. સોસાયટી સહિત ગામડાંની પરિસ્થિતિ ધીમે ધીમે બહાર આવી રહી છે.
નર્મદા જિલ્લાનાં કેટલાંક ગામો અને ખેતરોની સ્થિતિ તો હજી પણ સામે આવી નથી. અંકલેશ્વર શહેરની ૭૨થી વધુ સોસાયટીના લોકોએ જ્યાં રાત અને દિવસ આગાસી તેમજ બીજા માળે વિતાવ્યા હતા. ત્યાં જૂના બોરભાઠા બેટમાં લોકોએ હોડીઓમાં આશરો લીધો હતો. તો કેટલાક ગ્રામજનોને નાવડીઓ પણ નહીં મળતાં પોતાના કાચા મકાનના છાપરે રાતવાસો કરવાનો વારો આવ્યો હતો.

ભરૂચમાં પૂરથી નુકસાન થતાં અસરગ્રસ્તોની વળતરની માંગ, પૂર માનવસર્જિત હોવાનો અસરગ્રસ્તોનો આક્ષેપ
ભરૂચ: ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્તોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી વહીવટી તંત્ર પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો તથા પૂરમાં થયેલી નુકસાનીને લઈ કલેક્ટરને વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. રવિવારે રાતે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાતાં ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ફરી વળતાં તારાજીનાં દૃશ્યો સર્જાયાં હતાં. પૂરના પ્રકોપને પગલે લોકોને પાઇમાલ થવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાક ખેડૂતો, માછીમારો, આગેવાનોના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે કરાયેલા આવેદનમાં પૂર માનવસર્જીત હોવાનો આક્ષેપ કરાયો હતો. નર્મદા નદીમાં હાલમાં આવેલા પૂરે અગાઉનાં વર્ષોના પૂર કરતાં ખૂબ જ ભયાવહ, વિનાશકારી અને હૃદયદ્રાવક રહ્યું હોવાનો ઉલ્લેખ આવેદનમાં કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ફરી વળતાં ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ તેમજ વાગરા તાલુકામાં પૂરને પગલે વિનાશક દૃશ્યો જોવા મળ્યાં હતાં. અંકલેશ્વરના ધંતુરિયા બેટ ખાતે લોકોના ટ્રેક્ટર, પશુધન અને ઘરવખરી પૂરમાં તણાઇ જતાં લોકો પાયમાલ બન્યા છે. જેને પગલે લોકોને જીવન ગુજારવા ફાંફાં મારવાનો વારો આવ્યો છે. તેવામાં સરકાર દ્વારા વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top