SURAT

નર્મદ યુનિવર્સિટીના પ્રાધ્યાપકને મધ્યપ્રદેશ ખાતે વર્ષ 2020નો હિન્દી સાહિત્ય સેવી પુરસ્કાર એનાયત

સુરત:બુધવાર: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા વર્ષ 2020નો ‘અહિન્દી ભાષી હિન્દી સાહિત્ય સેવી પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા ડો.ભરત ઠાકોરે સાહિત્ય ક્ષેત્રે કવિતા, નિબંધ, ચરિત્ર લેખન, વાર્તા અને અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સર્જન કર્યું છે, સાથોસાથ તેમના 14 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સાહિત્ય’, ‘ભારતીય શિક્ષણની રૂપરેખા’, ‘એકાત્મ માનવદર્શન’, ‘શબ્દ અને અર્થ’, ‘હિન્દુ પરંપરાનો સંદર્ભ’ જેવાં પુસ્તકો અનુવાદ કરેલ છે. ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તામાં ‘ભૂકંપ અને ભૂકંપ, અધિત સૂચિ, ‘વાચનકળા અને વ્યક્તિત્વ વિકાસ’, ‘ભારતીય ભાષા જ્યોતિ’ જેવા ગ્રંથનું સંપાદન કર્યું છે. હાલ તેઓ ગુજરાતીના અધ્યાપક તરીકે પણ કાર્યરત છે. તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

16 વર્ષથી વધુ શૈક્ષણિક અનુભવ ધરાવતાં ડો.ઠાકોરે યોગવિદ્યા અને પાંડુલિપિ હસ્તપ્રતના ક્ષેત્રમાં પણ કાર્ય કર્યું છે. વર્ષ ૨૦૧૪માં નવચેતના મંડળ-ગુજરાત દ્વારા ‘વિદ્યાવાચસ્પતિ સન્માન’, 2012 માં ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા ‘ભાષા, વ્યાકરણ, સંશોધન પુરસ્કાર’,2009 માં દિલ્હી સાહિત્ય અકાદમી ‘નવ લેખક યાત્રા અનુદાન’, વર્ષ 2017માં રાષ્ટ્રીય કક્ષાની ટૂંકી વાર્તાસ્પર્ધામાં ત્રીજું સ્થાન જેવા અનેક સન્માન અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ 90 જેટલા સેમિનાર, વર્કશોપ અને પરિષદોમાં ભાગ લઈ ચૂક્યા છે. એમ.ફિલ. પી.એચ.ડી.ના માર્ગદર્શક તરીકે તેમજ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની સમિતિના સદસ્ય તરીકે પણ સેવા આપી રહ્યાં છે. ઉપરાંત ચાર ભાષામાં દર બે મહિને “સાહિત્ય મંથન” ઈ જર્નલના મુખ્ય સંપાદક તરીકે કાર્યરત છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top