Gujarat

બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળતાં લોકોને ટાર્ગેટ બનાવતી નાયડુ ગેંગ ઝડપાઈ


RAJKOT : બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા લોકોને નિશાન બનાવતી નાયડુ ગેંગને (NAYDU GANG) રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ (RURAL CRIME BRANCH) ની ટીમે ઝડપી પાડી હતી. આંતરરાજ્ય તસ્કર ગેંગ નાયડુ ગેંગના 4 સાગરિતોને દબોચી લઇ શાપર સહિત સૌરાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજયોમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. ઓકટોબર માસમાં શાપરમાં ચોરી થયા બાદ આરોપી ફરાર હતા. તેમણે ફરી રાજકોટ આવી રેકી કરવાનું શરૂ કર્યુ હતું. શાપર વિસ્તારમાં પણ આરોપીઓ ચોરી કરવાના ઇરાદે જ આવ્યા હતાં ને પકડાઈ ગયા હતા.


તા.29/10/2020ના રોજ શાપરના કારખાનેદાર રાકેશ દામજીભાઈ કમાણી (રહે. રાજકોટ) વીપી આંગડીયા પેઢીમાંથી રૂા. પ લાખ ઉપાડી શાપર ખાતે પહોંચ્યા હતા ત્યારે પોતાની બાઈકમાં રૂપિયા ભરેલો થેલો રાખ્યો હતો. જેને કેલાક શખ્સો લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ તસ્કરોને ઝડપી લેવા સૂચના આપતા ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલ અને તેમની ટીમે તપાસ શરૂ હતી. આ દરમિયાન બાતમીના આધારે 4 શખ્સોને દબોચી લેવાયા હતા. આરોપીઓ નાયડુ ગેંગના સાગરિતો હોવાનું ખુલ્યુ છે. આ ગેંગે જામનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ સહિતના ગુજરાતના મોટા શહેરો અને રાજય બહાર જયપુર અને ભોપાલમાં પણ પોતાની ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે.


આરોપીઓએ અગાઉ સોનાના બિસ્કીટની ચોરી કરી હતી.

એસપી બલરામ મીણાના જણાવ્યા મુજબ આ ગેંગ માત્ર રોકડ રકમને જ ટાર્ગેટ કરતા અને ચોરી કરતા, માત્ર એક ગુનામાં જ આરોપીઓએ સોનાના બિસ્કીટની ચોરી કરી છે. આરોપીઓ આંગડીયાપેઢી કે બેંકમાંથી રૂપિયા ઉઘાડીને નિકળતા લોકોનો પીછો કરતા અને નજર ચુકવી ચોરી કરતા હતાં.


ઓઇલ (OIL) ઢોળી, કાચ તોડી, ખંજવાળનો પાવડર છાંટી આરોપીઓ ચોરી કરતા
નાયડુ ગેંગના સાગરિતો ગુનાને અંજામ આપતા ત્યારે પોતાની ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા પ્રથમ આરોપીઓ બેંક-આંગણિયા પેઢી બહાર રેકી કરી એ જાણતા કે કોણ રૂપિયા લઇને જઇ રહ્યું છે. બાદમાં એ વ્યકિતનો પીછો કરતા અને મોકો મળ્યે ઓઇલ ઢોળી, કારનો કાચ તોડી અથવા ચલણી નોટો ફેંકી તે વ્યકિતની નજર ચુકવી રૂપિયા ભરેલી બેગ લઇ ફરાર થઇ જતા હતા આ રીતે અનેક ચોરીને અંજામ આપ્યાની શકયતા છે.


બાઇક ઓએલએકસ પરથી વેચાતુ લીધું હતું: 3.26 લાખનો મુદામાલ કબ્જે
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ એએલએકસ એપ્લીકેશન પરથી વાહન વેચાતું લેતા હતા. મૂળ માલિકને ખોટા ડોકયુમેન્ટ આપતા હતા. આ વિગત ત્યારે સામે આવી જયારે પોલીસે શાપરની ચોરી બાદ સીસીટીવી ચેક કરતા બાઇકના નંબર જીજે 01 પીઇ 2376ના મૂળ માલિકની પુછપરછ કરી હતી. પોલીસે બાઇક રૂા.2.80 લાખની રોકડ, 1 મોબાઇલ ફોન, એક ડોંગ ગાડીના કાચ તોડવાનું અને ખીસ્સા કાપવાનું ગ્લાસ કટ્ટર, ખંજવાળ માટેનું ભુસુ, પાવડર, ડેબીટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતનો રૂા.3.26 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.


ઝડપાયેલા આરોપીઓ
નાયડુ ગેંગના બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર (ઉ.વ. 28), હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ (ઉ.વ.28), ગોપી લક્ષ્મણા નાયડુ (ઉ.વ. 25), અને એક સગીરને ઝડપી લેવાયા છે. આ તમામ આરોપીઓ રાજકોટના ગોકુલ પાર્ક આજીડેમ રોડ, માંડાડુંગર વિસ્તારમાં મુન્નાભાઇ ભરવાડના મકાનમાં ભાડે રહેતા હતા. મૂળ આ આરોપીઓ તામિલનાડુના શિમોગા જિલ્લાના ભદ્રાવતીના વતની છે. જેમાંથી આરોપી હરીશ સામે જુદા-જુદા રાજયમાં 6 ગુના નોંધાયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top