Entertainment

કે.આસીફ સિવાય કોની તાકાત કે ‘મુગલ-એ-આઝમ’ બનાવી શકે!

ફિલ્મોદ્યોગવાળા કોઈની જન્મશતાબ્દી ઉજવતા નથી, બાકી ઉજવવી હોય તો કે.આસીફની તેઓ ઉજવી શકે. 14 જૂન 1922માં જન્મેલા કે.આસિફ એક જ ફિલ્મ બનાવી નહોતી પણ એક જ ફિલ્મના કારણે ભારતીય સિનેમાના ઈતિહાસમાં તેઓ અવ્વલ સ્થાને ઊભા છે. તેમણે ‘મુગલ-એ-આઝમ’ એ રીતે બનાવી કે દૃશ્યો સ્વયં ભાષા બની ગયા અને તે કારણે કોઈને તેની ઉર્દુ વિશે પ્રશ્ન ન થયો. કે.આસીફ સાહસિક હતા કે ડર્યા વિના તેમણે ખાલિસ ઉર્દુમાં જ આખી ફિલ્મ લખાવી અને જબરદસ્ત સફળ પણ બનાવી. પ્રેક્ષકોને ‘શોલે’ના બધા દૃશ્યો, ડાયલોગ અને નાના-મોટા અભિનેતા-અભિનેત્રી યાદ છે પણ તેવું સૌ પ્રથમ ‘મુગલ-એ-આઝમ’ બાબતે બન્યું હતું.

એ ફિલ્મના ડાયલોગ આજે પણ હિન્દી ફિલ્મના મનોરંજનના કાર્યક્રમનો હિસ્સો બને છે. પૃથ્વીરાજ કપૂર તેમની અન્ય ફિલ્મોના કારણે લોકોને બહુ યાદ નથી પણ અકબરની ભૂમિકા આજે પણ એવો માપદંડ છે કે બીજા કોઈની હિંમત નથી થતી કે અકબરનું પાત્ર ભજવે. ભજવે છે તો યાદગાર બનતા નથી. આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ઋત્વિક રોશન અકબર બન્યો પણ શું તેની તુલના ‘મુગલ-એ-આઝમ’ના અકબર પૃથ્વીરાજ કપૂર સાથે કરવાની હિંમત કરી શકો? શું કોઈ બીજી અનારકલી (મધુબાલા), સલીમ (દિલીપકુમાર) શક્ય છે? દુર્ગાખોટેએ મહારાણી જોધાબાઈની કે અજિતે દુર્જનસીંઘ ક્યા બહાર તરીકે નિગાર સુલતાનાએ જે ભૂમિકા ભજવી તેના વિકલ્પો વિચારી શકો? ફિલ્મ જ્યારે બધી રીતે પૂર્ણ, પર્ફેક્ટ બની હોય ત્યારે બધુ જ ચસોચસ બેઠું હોય છે. તમે કશું પણ હટાવી ન શકો.

આ ફિલ્મ માટે અનેક લોકોએ અનેકવાર કે.આસિફને બિરદાવ્યા છે. તેના સેટની તેના દૃશ્યોની ચર્ચા લોકોએ અનેકવાર કરી છે. ‘મુગલ-એ-આઝમ’ રજૂ થયા પછી તેના સેટનું પ્રદર્શન મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયેલું. શું આવું કોઈ અન્ય ફિલ્મ બાબતે બન્યું છે? એ ફિલ્મનાં પટકથાં-સંવાદનું પુસ્તક બહાર પડેલું એવું કેટલી ફિલ્મો વિશે બન્યું? ઉત્તર પ્રદેશના ઈટવાહમાં જન્મેલા કે.આસિફે દેશ યા વિદેશની કોઈ ફિલ્મ સ્કૂલમાંથી તાલીમ લીધી નહોતી. તેમની સામે ‘મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મ અગાઉ બની હોય તેનું ઉદાહરણ નહોતું.

હોલીવુડની ‘બેનહુર’ જરૂર હતી પણ તેની નકલ ભારતમાં બનાવવા માટે અઢળક નાણા, ટેકનિશયન્સ જોઈએ તે ક્યાંથી મેળવવા? બીજું કે ‘મુગલ-એ-આઝમ’ કોઈની નકલરૂપે બની તેવી હતી જ નહી. અને કે.આસીફ એવી નકલમાં માને એવા ય નહોતા. તમે વિચારો કે મધુબાલાના શરીર પર સલીમ પીછું ફેરવતો હોય એવા દૃશ્યના પાશ્વસંગીત માટે તેમણે તાનસેનની શાસ્ત્રીય રાગમાલા વિચારી અને તે ગાવા બડે ગુલામ અલી ખાને વિચાર્યા અને તે માટે તે જમાને 25,000રૂા. રોકડા ચૂકવ્યાં. અરે, એટલામાં તો ત્યારે કોઈ ધારે તો આખી ફિલ્મ બનાવી નાંખે. કે.આસીફને આદર કરનારા આજે પણ કહી શકે કે તેમનો જન્મ ‘મુગલ-એ-આઝમ’ બનાવવા જ થયો હતો. અને આ ફિલ્મ બનવામાં એટલા વર્ષ લાગેલા કે તેમાં એક તપસ્વીનું ધૈર્ય જ જોઈએ. તેમણે કલાકારો પણ બદલવા પડેલા.

શરૂમાં બાદશાહ અકબરની ભૂમિકા ચન્દ્રમોહન, સલીમની ભૂમિકા સત્રુ અને અનારકલીની ભૂમિકા માટે નરગીસ નક્કી થયેલા પણ 1949માં ચન્દ્રમોહનનું મૃત્યુ થતાં વળી નવા વિચાર શરૂ થયાં. 1950માં દિલીપકુમાર-મધુબાલા નક્કી થયા અને અકબર તરીકે પૃથ્વીરાજ કપૂર-1556 થી 1605 સુધીના મુગલ સલ્તનતના બાદશાહ અકબરનો સમય કરીમ આસિફના મનમાં એ રીતે ઉથલપાથલ મચાવતો હતો કે તે જાણે તેમને જિંદગી બની ગયો. 1922માં ઈમ્તિયાઝ અલી આજે તેની પર નાટક લખેલું અને અર્દેશર ઈરાનીએ ‘અનારકલી’ નામે મૂંગી ફિલ્મ અને પછી 1935માં બોલતી ફિલ્મ પણ બનાવેલી પણ તે શું ત્યારબાદની બીના રોય- પ્રદીપકુમારવાળી ‘અનારકલી’ પણ ‘મુગલ-એ-આઝમ’ સામે કાંઈ નથી.

કે.આસીફ સલીમ-અનારકલીની પ્રેમકથાની સમાંતરે બાદશાહ પિતા અને તેના શાહેબજાદા પુત્ર વચ્ચેનો સંઘર્ષ પણ કેન્દ્રમાં રાખ્યો તેથી આ ફિલ્મનું આંતરિક સત્ય પણ ભવ્ય બની ગયું. તેમણે પટકથા-સંવાદ માટે પણ ચચ્ચાર લેખકો રોકયા કમાલ, અમરોહી, અહેસાન રીઝવી, વજાહત મિર્ઝા અને અમાન. એટલે પટકથા, ગીત-સંગીત, સેટથી માંડી દરેક પાસા માટે તેમણે જીવ રેડયો છે. અને પૈસાનું સંકટ તો વારંવાર આવ્યું છે. શરૂમાં સિરાજ અલીએ આ ફિલ્મ માટે પૈસા રોકેલા પણ અને 1949 સુધીમં ઘણું શૂટિંગ થઈ ચૂકેલું ત્યારે એ સિરાજ અલી પાકિસ્તાન ચાલી ગયેલા. કે.આસિફે વિચાર્યું કે નવો ફાયનાન્સર મળે ત્યાં સુધી બીજી ફિલ્મ બનાવું અને દિલીપકુમાર-નર્ગિસને લઈ ‘હલચલ’ બનાવી જેનું દિગ્દર્શક એસ.કે.ઓઝાને સોંપેલુ. હજુ તેઓ ફાયનાન્સર શોધે ત્યાં ‘અનારકલી’ બનવી શરૂ થઈ.

હવે કોણ પૈસા રોકે? પણ શાપુરજી પાલનજી કે જે તે વખતે રિયલ એસ્ટેટમાં મોટી કંપની ધરાવતા હતા તે તૈયાર થયા. જોકે શાપુરજી પાલનજી માટે ય તેમણે કસોટી ઊભી કરેલી. માત્ર શીશમહલનો સેટ કે.આસીફે એવો કલ્પેલો કે જેમાં 10 લાખનો ખર્ચ થાય. (એ સેટ બનતાં ય બે વર્ષ લાગેલા) ‘મુગલ-એ-આઝમ’ તે સમયની સૌથી મોંઘી ફિલ્મ હતી અને આજે બનાવો તો 100-200 કરોડ અમથા લાગી જાય. કે.આસીફને તમે તપસ્વી કહો કે પાગલ કહો, તેમનામાં બંને તત્વો હતા. તમે વિચારો કે તે જમાને પિતા-પુત્ર વચ્ચેના યુદ્ધદૃશ્ય માટે તેમણે ત્યારના સંરક્ષણ મંત્રી વી.કે.કૃષ્ણ મેનને પત્ર લખી જયપુર રેજિમેન્ટના 8000 સૈનિક, 2000 ઉંટ, હાથી અને 4000 ઘોડા માંગેલા.

આજે વીએચએફ વડે જે હોય નહીં તે દેખાડવું શક્ય છે. ત્યારે નહોતું. ત્યારની નહેરુ સરકારના કૃષ્ણમેનન પણ જબરા કે કે.આસીફની માંગણી પૂરી કરેલી. કે.આસીફે એક પણ દૃશ્ય બાબતે કચાશ નહોતી રાખી. પૃથ્વીરાજ કપૂર સાથે શરૂમાં દૃશ્યો ફિલ્માવતા હતા તો લાગ્યું કે બાદશાહ અકબરની ચાલમાં ખુમારી હોય, દૃઢતા હોય ને છાતી તાણીને જ ચાલતા હોય. પૃથ્વીરાજજીએ કહ્યું મને દશ દિવસ આપો અને તેમણે તે રાતથી જ ચાલવાના રિહર્સલ શરૂ કર્યાં. માટુંગાના ઘરેથી રાતે બાર વાગે નીકળે ને દાદરના હિંદમાતા થિયેટર સુધી ચાલે.

દિવસે તો આવા રિહર્સલ શક્ય જ ન હતા. એજ રીતે ડાયલોગમાં કેવો અવાજ રહેશે તેના પણ રિહર્સલ કરેલા. કે.આસીફનું પર્ફેક્શન નવી બાબતમાં હતું એટલે અકબર-સલીમ-અનારકલીના ઘરેણા હૈદ્રાબાદના સોનીઓ પાસે બનાવાયેલા જેમાં અસલી મોતી, સોના, હીરા જડેલાં હતા. દિલીપકુમારની કાયમી ટેવ પોતાની આસપાસ વાર્તા ધૂમે તેવી હતી પણ કે.આસીફે તેમને રોકડું પરખાવી દીધેલું. ‘દેખો યુસુફ, મેં મુગલ-એ-આઝમ બના રહા હું, સલીમ-એ-આઝમ નહીં, ફિલ્મ દરમ્યાન દિલીપ-મધુબાલા વચ્ચે પ્રણયભંગ થયેલો.

એકબીજા સાથે બિલકુલ બોલે નહીં હવે તેની પાસે ઉત્કટ પ્રેમદૃશ્યો કરાવવા કઈ રીતે? પણ કે.આસીફની તાકાતને દિલીપ-મધુબાલાના પ્રોફેશનાલીઝમથી તે શક્ય બન્યા. કે.આસીફ અથક સર્જક હતા. શકીલ બદાયુની પાસે ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ના 18 અંતરા લખાવેલા. ગીતોની કોરિયોગ્રાપી માટે ત્યારે ગ્રેટ લચ્છુ મહારાજને બોલાવાયેલા. આજે એ યાદ કરીએ કે સલીમના જન્મ માટે દુઆ માંગવા અકબર જાય છે એ દૃશ્ય પૃથ્વીરાજજીએ તપેલા રણની રેતીમાં ઉધાડાપગે કરેલું તો આંખો છલકાઈ આવશે.

કે. આસિફ તો જે રિટેક કરાવવાના હોય તે કરાવે જ પણ પૃથ્વીરાજજી પણ અભિનેતા તરીકે યોદ્ધા હતા. આ ફિલ્મનાં નિર્માણ વિશે આખું પુસ્તક લખી શકાય. આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં લાગેલી ત્યારે પ્રેક્ષકો ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસને રાત લાઈનમાં ઊભા રહેતા. ઘરેથી ટિફીન મંગાવી લાઈનમાં જ ખાય લેતા. એ ફિલ્મ બનાવવામાં પણ ઈતિહાસ છે જે કે.આસિફનો રચેલો છે. એવો ઈતિહાસ દોહરાવવો શક્ય નથી. આજે સંજય લીલા ભણસાલી છે, એસ.એસ. રાજમૌલી, મણી રત્નમ છે અને તેઓ પણ ‘મુગલ-એ-આઝમ’ને સર્જી ન શકે. એ કામ કે.આસીફનું હતું. છે અને રહેશે.

Most Popular

To Top