Columns

હસવામાંથી ખસવું

એવું જ ઓય તો જુઓ મારો હાથ ને કે’વો જોયે કે ગેઇ રાતના મારી હાથે હું થેયલું?’ રૂપા જમણો હાથ ધરીને પૂછી રહી હતી. હું જ્યોતિષી નથી જ. ગઈ રાતે હવાલદાર શિંદેના કહેવાથી રૂપાના ઘરે જાસૂસી કરવા ગયેલો પણ ભૂલમાં ડાહ્યાભાઈ નામના મારા ચાના એક ગ્રાહકના ઘરે પહોંચી ગયો. ત્યાં સંતાઈને મેં જોયું કે એક ચોર આવેલો જેને ડાહ્યાભાઈએ પોતાની કવિતાઓ જબરદસ્તી સંભળાવી. સંયોગથી એ ચોર મારા બાંકડે ચા પીવા આવ્યો ત્યારે શિંદેએ મને જ્યોતિષ આવડે છે, એવી ડીંગ મારીને એ ચોર સાથે રાતે જે બનેલું એ મારી પાસે એ રીતે કહેવડાવ્યું જાણે હું કોઈ ત્રિકાળ જ્ઞાની હોઉં!

આટલે સુધી તો ઠીક પણ આ રમતમાં બાજુમાં વડાપાઉંનો સ્ટોલ ચલાવતી રૂપા આવીને બધું સાંભળી રહી હતી એ મને અને શિંદેને ખ્યાલ ન આવ્યો. રૂપા તો મારું જ્યોતિષ જ્ઞાન જોઈ સ્તબ્ધ થઇ ગઈ. થોડા અવિશ્વાસ અને થોડી ઉત્સુકતા સાથે એ પોતાનો હાથ દેખાડતી પૂછવા માંડી : ‘…જુઓ મારો હાથ ને કે’વો જોયે કે ગેઇ રાતના મારી હાથે હું થેયલું?’

હવે? દેખીતું છે કે મારે કહેવું પડશે કે મને કંઈ એવી વિદ્યા નથી આવડતી. રૂપાના તૂટેલો દાંત દેખાડતું સ્મિત અને જિજ્ઞાસાથી મોટી થયેલી આંખો – બન્ને જોતા હું જવાબ આપું એ પહેલા અચાનક બે માણસો આવી કહેવા માંડ્યા : ‘50 સ્પેશ્યલ ચાય ચાહિયે – બીના સક્કર, કડક. મિલેગા?’ મેં જવાબ આપ્યો. ‘મિલેગા મિલેગા જરૂર મિલેગા…’ ‘ફટાફટ બના કે યે 5 થર્મોસ મેં ભર દો.’ કહેતા એ લોકોએ થર્મોસ આપ્યા. થર્મોસ લેતાં મેં રૂપા સામે જોયું. એ તરત બોલી ‘કામ પે’લ્લા પછી ટાયમ પાસ. પચા ચાય તો હમણેકની બની જાહે પછી કે’જો પણ કે’જો – તાં લગણ ઉં હો વડાં તરી આવું.’ કહી રૂપા વડાં તળવા ગઈ.

એ જોઈ શિંદેએ ‘બરં ઝાલં, ચહાચ્યા હે મોઠા ઓર્ડર ને વાચવલ રે બાબા…’ કહેતા નિરાંતનો શ્વાસ લીધો. 50 ચા બનાવવા મોટા તપેલામાં પાણી રેડતા મેં શિંદેને કહ્યું, ‘કશલ વાચવલ! વો અભી 10-15 મિનિટ મેં આ જાયેગી ફિર સે હાથ દિખાને – બચ ગયા બોલ કર ખુશ ક્યોં હોતે હો?’ ‘ઉસકા ઈલાજ હૈ મેરે પાસ – રાત કો રૂપા કે ઘર ક્યા હુઆ યે તુમ નહીં જાનતા પર મૈં તો જાનતા હૈ ના! મૈં તો ઉધર ઈચ થા!’ શિંદેએ મલકાઈને કહ્યું.  મારી આંખમાં ચમક આવી. શિંદેએ મને કહ્યું કે હું રાતે રૂપાને ઘરે ન પહોંચ્યો એટલે એણે એકલાએ રૂપાના ઘર પર નજર રાખી હતી. એને શંકા હતી એ અનુસાર રાતે કોઈ પુરુષ તો રૂપાને મળવા ન આવ્યો પણ કોઈ સ્ત્રી આવી હતી અને આગળ જે કંઈ બન્યું એ એણે મને ધીમા અવાજમાં કહી દીધું.

મને આત્મવિશ્વાસ આવી ગયો – ‘આવવા દો હવે રૂપાને એનો હાથ દેખાડવા!’ થોડી વારમાં મેં 50 ચાનો ઓર્ડર પૂરો કર્યો અને થાક ખાવા બાંકડા પર બેઠો એટલામાં રૂપા શિંદે અને મારા માટે ગરમ ગરમ વડા લઇ આવી અને શિંદેને કહ્યું, ‘વડા ખાઓ તુમ દોનો. ગરમ ગરમ. પણ જો રાત કો મારી હાથે જે બી હુઆ થા એકદમ બેઠ્ઠા ની કે’યા તો વડા કા પૈસા દેના પડેગા.’ બેઠ્ઠા – એટલે કે જેમનું તેમ. પણ મરાઠીભાષી શિંદે બિચારો સુરતી કેમનું સમજે! ‘બૈઠા હી તો હૈ મૈં ઇધર!’ જેવો જવાબ આપતા એણે વડાને બટકું મારતા કહ્યું, ‘તુમ ક્યા યે રાજુ કો ઐસા વૈસા રોડ છાપ જ્યોત્શી સમઝતા હૈ? અરે મૈ તો કિતના બોલતા હૈ કે યે ચાય કા ઝંઝટ છોડ કર હાથ દેખના શુરુ કર – આરામ સે બૈઠે બૈઠે પૈસા કમાને કા!’

રૂપાએ મારી સામે અવિશ્વાસથી જોયું. મેં ચોક્કસ અર્થ વગરનું સ્મિત કરતાં કહ્યું, ‘એવું કંઈ નથી. આ તો ઠીક મારા ભૈ… થોડું ઘણું આવડે બાકી આપણે કંઈ એવા વિદ્યાના જાણકાર નથી.’ ‘થોડું આવડતું છે કે ઘણું તે તો અમણે પારખા થેઈ જહે – તમે ચિંતા હાના હારુ કરે!’ રૂપા બોલી. દેખીતું હતું કે રૂપાને મારા જ્યોતિષ જ્ઞાન પર રત્તીભરનો ભરોસો નહોતો અને શું કામ હોય! હું પણ કયાં જ્યોતિષ હતો? શિંદે અને રૂપાને ચાની પ્યાલી આપી મેં રૂપાના હાથને ઝીણવટથી જોવાનો અભિનય કર્યો અને ચહેરા પર આશ્ચર્ય આણી કહ્યું, ‘જબરું કહેવાય!’

ચમકી જઈને રૂપા હું આગળ બોલું એની રાહ જોઈ રહી પણ મેં તો મીંઢા જ્ઞાની પુરુષની જેમ ચહેરો ગંભીર રાખી રૂપાના હાથને નીરખવાનું ચાલુ રાખ્યું ત્યારે અકળાઈને રૂપા બોલી, ‘એ હું વરી મનમાં ને મનમાં ખુશ થીયા કરે હાથ જોઇને! અમને હો તો કંઈ કે’ય તો હમજ પડે!’ મેં મોં ઊંચું કરી રૂપાની સામે જોયું. રૂપા અત્યંત આતુરતાથી જોઈ રહી. મેં ભાવહીન સ્વરમાં કહ્યું, ‘એક વાત ધ્યાનમાં રાખવી. કોઈને પણ આમ પોતાનો હાથ ધરી ન દેવો, ક્યારેય.’

‘ઓ ભાઈ! મેં કંઈ હાથ ધઈરો નથી, દેખાડતી છે – કેવુંક જોસ જોતાં આવડે તે જાણવા હારુ!’ ઘવાઈને રૂપા બોલી. ‘હા. હું પણ એ જ અર્થમાં કહું છું. તમારો હાથ તમારી અંગત ડાયરી જેવો હોય છે. જેમ તમારી અંગત ડાયરી કોઈના હાથમાં ન જવી જોઈએ તેમ હાથ પણ ન જવો જોઈએ. એમાં ઘણી બધી ખાનગી વિગત હોય છે. એમ.’ આ સાંભળી શિંદે મૂછમાં મલકાયો અને રૂપાનો પિત્તો ખસ્યો. ‘વાતમાં મો’ણ લાઈખા વગર બોલો હું વાઇચું મારા હાથમાં તે! ભાષણ હાના હારુ ઠોકવા લાઈગા!’ ‘ઠીક. જો તમારી જીદ એવી જ હોય તો!’ મેં જાણે મને જોર પડતું હોય એમ કહ્યું.

‘હમજાઈ ગીયું. કંટોલા હો કંઈ વિદ્યા નથી તમારી પાહે. હાથ જોઇને કંઈ હમજાય તો બોલે ને માણહ!’ રૂપાએ પોતાનો હાથ પાછો ખેંચી લેતાં કહ્યું. ત્યારે મેં નાટ્યાત્મક ઢબે કહ્યું, ‘રાતના બાર વાગીને સત્તર મિનિટે તમને મળવા એક સ્ત્રી આવી હતી.’આ સાંભળી રૂપા અચકાઈને મને જોઈ રહી. શિંદે કૃત્રિમ આશ્ચર્ય સાથે બોલ્યો, ‘લઇ ભારી રાજુ મહારાજ! વેળ સુદ્ધાં સાંગતો!’ અને રૂપાને કહેવા લાગ્યો ‘યે આદમી તુમકો સ્પેશ્યલ ટ્રીટમેન્ટ દે રહા હૈ – એસા ટાઈમ કે સાથ કિસી કો આજતક નહીં બતાયા કી કબ ક્યા હુઆ થા પર તુમકો તો ઇસને કિતના બજ કર કિતના મિનિટ હુઆ થા વો ભી બોલ દિયા!’

રૂપાની હાલત કફોડી હતી. એને સમજાતું નહોતું કે શું બોલવું. આખરે એણે કહ્યું, ‘નઈ રે નઈ, બાર વાગે કોણ હગી મલવા નવરી ઓય? ને ઉં હો તો હુઈ ગેલી અગિયાર વાગતામાં જ! ગપ્પુ નો મારો.’‘તમને ઊંઘમાં ચાલવાની આદત છે?’ મેં રૂપાને પૂછ્યું. ‘ના.’ રૂપા બોલી. ‘તો એનો અર્થ એ કે બાર વાગીને સત્તર મિનિટે તમે દરવાજો ખોલીને જ્યારે એ સ્ત્રીને ઘરમાં આવકાર આપ્યો ત્યારે તમે ઊંઘમાં નહોતા, હોશમાં હતા.’ રૂપા બોલી, ‘તમારી હાથ જોવામાં કંઈ ભૂલ થાય છે. હું રાતે કોઈને મળી જ નથી.’

‘હા બને કે મારી ભૂલ થઇ શકે પણ મને ચોખ્ખું દેખાય છે કે એ સ્ત્રી તમને ખાસ કામે મળી હતી.’ રૂપા નર્વસ થઇ ગઈ. શિંદે આખી વાતને માણી રહ્યો હતો. એણે ભોળા થઇ મને પૂછ્યું, ‘ખાસ કામ? બોલે તો?’ મેં રૂપા સામે જોયું. એ ડઘાઈ ગઈ હતી. મેં એને પૂછ્યું, ‘બોલી દઉં?’ ‘હું બોલવાનું પૂછે!’ રૂપાએ ઢીલા અવાજમાં પૂછ્યું. મેં અર્થ વગરનું સ્મિત કર્યું. શિંદે ઉત્સાહમાં રૂપાને કહેવા માંડ્યો, ‘રાજુ મહારાજ પૂછતા હૈ કી વો બાઈ કિસ વાસ્તે મિલી થી વો બતા દે ક્યા?’ ‘પણ શિંદેભાઈ, મેરકુ કોઈ મળ્યા જ નહીં હૈ.’ આત્મવિશ્વાસ વગરના સ્વરમાં રૂપા બોલી. ‘એવું બને કે રાતે ઊંઘ આવી પછી તમે ભૂલી ગયા હોવ કે એ સ્ત્રી તમને એક ખાખી રંગનું પેકેટ આપીને પાછી ચાલી ગઈ હતી.’

મેં સહજતાથી કહ્યું અને આજુબાજુ જોયું તો અનેક ગ્રાહક મારી સામે આશ્ચર્યથી તાકી રહ્યા હતા. મેં જાણે કશું બન્યું ન હોય એમ ચાની તપેલી ચૂલે ચડાવતા કહ્યું, ‘ચલો બહોત ટાઈમ પાસ હો ગયા. ચાય કિસ કો ચાહિયે?’ શિંદેએ રૂપાને કહ્યું, ‘અબ ભરોસા હુઆ ઇસકે જ્યોતિષ વિદ્યા કા?’ રૂપા માંડ માંડ બોલી, ‘મેરે કુ કુછ સમજ નહીં આયા, યે કુછ ભી બોલતા હૈ…’ અને ઝડપથી પોતાના સ્ટોલ તરફ ચાલી ગઈ. એના ગયા બાદ સ્મિત કરતા દબાતા અવાજમાં શિંદેએ કહ્યું, ‘આજ રૂપા કી નીંદ હરામ હો જાયેગી.’

આમ તો આ એક નિર્દોષ ગમ્મત હતી પણ… પણ હસવામાંથી ખસવું થઇ જતું હોય છે! ચાના પૈસા ચૂકવતા એક ટાઈ પહેરેલા નવયુવાને મને કહ્યું, ‘તમે તો જબરા જાણકાર જ્યોતિષી છો. આ મારું કાર્ડ. કાલે મારી સાથે આવવાનું છે તમારે.’ કાર્ડ લેતાં મેં કહ્યું, ‘સોરી, ધંધો છોડીને હું -’ ‘માત્ર બે કલાક માટે આવો. આખા દિવસના ધંધાનું વળતર તમને એડવાન્સમાં આપીને લઇ જઈશ.’ અને મારા જવાબની રાહ જોયા વિના એ ચાલ્યો ગયો. હું અને શિંદે એકબીજા સામે જોતા રહી ગયા.

Most Popular

To Top