SURAT

કેદારનાથના માર્ગ ઉપર માઈનસ 2 ડિગ્રી ઠંડીમાં સુરતના યાત્રાળુઓએ બે રાત બસમાં વિતાવવી પડી

સુરત (Surat) : કોરોના (Corona) મહામારીને કારણે વિતેલા ત્રણ ચાર વર્ષથી બંધ રહેલી ચારધામની યાત્રા આ વર્ષે શરૂ તો થઇ હતી પરંતુ તેમાં પણ વિઘ્ન આવ્યું છે. અહીં ભારે બરફવર્ષા (Snow Fall) થતા સુરતના 2000 મળીને દક્ષિણ ગુજરાતના આશરે 5000 શ્રદ્ધાળુ (Tourist) ફસાયા છે. કેદારનાથ જવા માટે આ તિર્થયાત્રીઓ છેલ્લા બે દિવસથી અટવાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં હોટલનું બુકિંગ હોવા છતાં યાત્રાળુઓ બસમાં જ ફસાઇ ગયા છે.

  • બરફવર્ષાના કારણે દક્ષિણ ગુજરાતના 5000 શ્રદ્ધાળું ફસાયાં
  • ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર બુક કરાવનારા પણ અટવાયા

ગંગોત્રી, યમનોત્રી તેમજ કેદારનાથ, બદ્રીનાથ ચાર ધામની યાત્રા ત્રણ-ચાર વર્ષથી બંધ હતી. આ વર્ષે યાત્રા શરૂ થતાં જ સુરત સહિત સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જવા માટે નીકળ્યાં હતાં. જોકે વિતેલા બે દિવસથી સતત બરફ વર્ષા અને ભેખડો ધસી પડવાને કારણે રસ્તાઓ બ્લોક થતા ગંગોત્રીમાં જ યાત્રાળુઓ ફસાયેલા રહ્યાં હતાં. માઇનસ બે ડિગ્રી તાપમાનમાં યાત્રાળુઓએ બસમાં રાતવાસો કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી યાત્રા મોડી પડી રહી છે. ગ્રુપમાં નિકળેલા લોકોની બસો પણ આગળ પાછળ રહી જતા તેમની રાહ જોવામાં તેમજ યાત્રાએથી થોડા થોડા શ્રધ્ધાળુઓ પરત ન ફરે ત્યાં સુધી બસોને રસ્તા ઉપર થોભાવી દેવામાં આવી રહી હોવાનું સુરતથી ગયેલા યાત્રાળુઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલોમાં પણ બુકિંગ ફુલ થઇ ગયું હોવા ઉપરાંત હોટલ સંચાલકો દ્વારા એક રૂમમાં 4 લોકોની કેપેસિટી સામે 6 લોકોને રહેવાની ફરજ પાડી હતી. આ ઉપરાંત કેદારનાથ જવા માટે હેલિકોપ્ટર બુકિંગ કરાવનારા લોકો પણ અટવાયા હતા. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ટેકઓફ થઇ શક્યા ન હતા. નવું બુકિંગ કરાવનારાઓને પણ બુકિંગ મળી શક્યું ન હતું.

કેદારનાથ પહોંચવામાં બે દિવસ મોડુ થયું : ગોવિંદભાઇ વેલારી (યાત્રાળુ)
સુરતથી ચાર ધામની યાત્રાએ ગયેલા ગોવિંદભાઇ વેલારીએ જણાવ્યું હતું કે, ગંગોત્રી પહોંચતા સુધી વાતાવરણ સારૂ રહ્યું હતું. બરફ વર્ષા બંધ રહેવાને કારણે કોઇ મુશ્કેલી પડી ન હતી. પરંતુ ગંગોત્રીથી આગળ જતા છેલ્લા બે દિવસથી સતત બરફ પડી રહ્યો છે. જેને કારણે 2 દિવસ સુધી રસ્તા વચ્ચે જ બસમાં ક્યાં તો જે હોટલમાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરવો પડ્યો હતો.

બરફ પડવાને કારણે રસ્તા બ્લોક, કેદારનાથના દર્શનમાં વિલંબ : કૈવન ભગવાકર ( ટુર સંચાલક)
સુરતનાં ટુર સંચાલક કૈવન ભગવાકરે જણાવ્યું હતું કે, ભેખડો પડવાને કારણે તેમજ સતત બરફ વર્ષાને કારણે ધુમ્મસ છવાયું વાતાવરણ કેદારનાથના માર્ગ ઉપર થઇ ગયું છે. રસ્તાઓ બ્લોક થવાને કારણે બસોની લાંબી કતારો લાગી રહી છે. ગંગોત્રી અને યમનોત્રીના દર્શન બાદ કેદારનાથના દર્શન માટે યાત્રાળુઓને બે દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. યાત્રા મોડી પડવાનું કારણ બે ત્રણ વર્ષથી યાત્રા બંધ હતી તેમજ ખરાબ વાતાવરણ છે.

Most Popular

To Top