Columns

પરમ સૌભાગ્યશાળી

ગુરુજીએ શિષ્યોને આશીર્વાદ આપતા કહ્યું, ‘મારા તમને આશિષ છે કે તમે બધા પરમ સૌભાગ્યશાળી બનો….જીવનમાં સુખી …સફળ…સંપન્ન ..ભાગ્યશાળી તો ઘણા વ્યક્તિઓ હોય છે પણ પરમ સૌભાગ્યશાળી બનવા માટે અનેક પુણ્યોનો સંચય જરૂરી છે…ગુરુના આશિષ …અને પ્રભુકૃપા મળે તો જ પરમ સૌભાગ્યશાળી બની શકાય.મારા આશિષ છે કે તમે બધા પરમ સૌભાગ્યશાળી બનો.’ એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, સુખી …સફળ…સંપન્ન ..ભાગ્યશાળી અને પરમ સૌભાગ્યશાળી વચ્ચે શું તફાવત હોય છે તે અમને સમજાવો.’

ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘પરમ સૌભાગ્યશાળી વ્યક્તિ પાસે સુખી …સફળ…સંપન્ન ..ભાગ્યશાળી વ્યક્તિ પાસે જે હોય તે બધું તો હોય જ છે પણ સાથે વિશેષમાં કંઇક સાથે હોય છે.પરમ સૌભાગ્યશાળી વ્યક્તિ પાસે સ્વાદિષ્ટ ભોજન સાથે ભૂખ પણ હોય છે અને ભોજન પચાવવા જરૂરી પાચન શક્તિ પણ ….તેની પાસે નરમ ગાદલું અને રેશમી રજાઈ હોય છે અને સાથે આંખોમાં ઊંઘ પણ અને શાંતિથી સુઈ શકાય તે માટે જરૂરી નિરાંત પણ …તેની પાસે સંપત્તી હોય છે અને સાથે તે માણવા માટે જરૂરી સ્વાસ્થ્ય પણ અને તેના સદુપયોગ માટે જરૂરી વિચારો અને ઉદાર ભાવના પણ …તેની પાસે ધન છે સાથે ધર્મપાલન પણ છે ….પરમ સૌભાગ્યશાળી વ્યક્તિ સુંદર રૂપ અને અતિસુંદર ચરિત્ર પણ ધરાવે છે.

તેનામાં અનેક વિશિષ્ટતા હોય છે સાથે સાથે શિષ્ટતા અને શાલીનતા પણ હોય છે.પરમ સૌભાગ્યશાળી વ્યક્તિ પાસે બુધ્ધિ હોય છે પણ સાથે યોગ્ય વિવેક પણ હોય છે.પરિવાર નો સાથ જ નહિ પણ પ્રેમ પણ પ્રાપ્ત હોય છે.તેનામાં શક્તિ અને સામર્થ્ય હોય છે પણ સાથે દયા પણ હોય છે અને માફ કરવાની તાકાત પણ …જેની પાસે પદ હોય છે સાથે પ્રતિષ્ઠા પણ હોય છે.શિષ્યો જે વ્યક્તિ પાસે આ બધુ એકબીજાની સાથે જોડાયેલું હોય ત્યારે તે સૌભાગ્યશાળી બને છે.અને જીવનમાં અપાર ખુશી મેળવે છે અને એથી વિશેષ ખુશી અન્યોને આપે છે.’ ગુરુજીએ આગળ કહ્યું, ‘પરમ સૌભાગ્યશાળી વ્યક્તિ પ્રાપ્ત સદભાગ્યને ત્યારેજ દીપાવી શકે છે જયારે તેનામાં જ્ઞાન વધતા વિવેક વધે …ધન વધતા ધર્મ વધે …પરિવાર સાથે પ્રેમ વધે …પદ વધતા નમ્રતા વધે અને આ બધું પ્રાપ્ત હોવાનું અભિમાન ક્યારેય ન વધે તો તે સદા પરમ સૌભાગ્યશાળી જ રહે છે.મારી આ વાત યાદ રાખજો અને મારા આશિષ છે કે તમે બધા પરમ સૌભાગ્યશાળી બનો.’શિષ્યો ગુરુજી પાસેથી સુંદર આશિષ મેળવી ધન્ય થયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top