SURAT

બિલ્ડર પાસે ફસાયેલાં નાણાં કઢાવવાની જવાબદારી જેને આપી એ જ રુપિયા ઓહિયા કરી ગયો

સુરત: પાંડેસરા, બમરોલી રોડ પર આવેલા “પાયોનિયર ડ્રીમ” રેસિડેન્સી પ્રોજેક્ટમાં (Project) ફ્લેટ નં.એફ-૨૦૩ના બુકિંગના (Booking) ભરેલા રૂ.૧૨ લાખ બિલ્ડર પાસે કઢાવવા માટે પોતાના જાણીતાને કહેવાનું મહિલાને ભારે પડી ગયું હતું. પોતાના નજીકના ઓળખીતા એવા પારિવારીક મિત્રએ બિલ્ડર પાસેથી 11 લાખ જેટલી રકમ કઢાવી લીધી હતી. ત્યારબાદ આ નાણાં યોગીતાબેન શૈલેષભાઇ ચૌધરી (રહે.,જહાંગીરપુરા, કેનાલ રોડ)ને આપવાને બદલે પોતે જ ઓહિયા કરી ગયો હતો.

મૂળ વ્યારાનાં યોગીતાબેન ચૌધરીએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓએ બમરોલી રોડ પર આવેલા પાયોનિયર ડ્રીમ રેસિડન્સીના પ્રોજેક્ટમાં રોકાણ કર્યુ હતું. આ રોકાણનાં નાણાં તેમને આરોપી સુરેશ ઉર્ફે સૂર્યો મોતીભાઇ તોગાભાઇ સાટિયા (ભરવાડ)એ બિલ્ડર હસમુખભાઇ પાસેથી કઢાવી આપવાનું વચન આપ્યું હતું. તેથી તેઓ સુરેશ જાણીતી વ્યક્તિ હોવાને કારણે તેની વાતમાં આવી ગયાં હતાં. દરમિયાન સુરેશે આ નાણાં કઢાવી લીધા બાદ તેમને પરત આપ્યાં ન હતાં. ઉપરાંત તેઓ નાણાં માંગવા જતાં જાતિવિષયક ગાળો ભાંડી હતી. તેમની પરસેવાની મૂડી અંગત કામ માટે સુરેશે વાપરી નાંખી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

દમણ અને દેવકાની હોટલના નામની વેબસાઇટ બનાવી ગ્રાહકો સાથે ઠગાઇ
દમણ : દમણના દેવકાની એક હોટલની બોગસ વેબસાઈટ બનાવી ગ્રાહક પાસે રૂમ બુક કરાવી ઓનલાઈન પેમેન્ટ કરાવી છેતરપિંડી કરાઈ હોવાના એક આરોપીની દમણ પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2 નવેમ્બર-22 ના રોજ કડૈયા પોલીસ મથકે એક ફરિયાદી તન્મય અશોકકુમાર મુનેતે આવી પોતાની ફરિયાદ પોલીસને આપી હતી કે, એક જતિન નામના વ્યક્તિએ ગોલ્ડ બીચ રિસોર્ટ ની બોગસ વેબસાઈટ થકી તેમની પાસે રૂમ બુક કરાવ્યો હતો. અને ત્યાર બાદ રૂમ બુકિંગ નું પેમેન્ટ ઓનલાઈન કરાવ્યું હતું.

જે બાદ હોટલમાં ઈન્ક્વાયરી કરતાં આ પ્રમાણેનું કોઈ બુકિંગ ન થયું હોવાનું જણાવ્યું હતું. અને તેની સાથે કોઈએ છેતરપિંડી કરી હોય આ પ્રમાણેની ફરિયાદ મળતા પોલીસે આ મામલે આઈ.પી.સી. ની કલમ 419, 420 અને 34 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી આખરે આ કામના આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ ગુનામાં પલવલ હરિયાણા માં રહેતો 29 વર્ષિય શકીલ તૈયબ ખાનની 9 ડિસેમ્બરનાં રોજ હરિયાણાથી સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ ના આધારે કડૈયા કોસ્ટલ પોલીસ મથકે લાવી આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે પકડાયેલા આરોપીના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે અગાઉ પણ પોલીસે આ જ પ્રમાણેની બોગસ હોટલ બુકિંગની વેબસાઈટ થકી ગ્રાહકોની સાથે છેતરપિંડી કરનારા 4 આરોપીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top