Comments

મિશન 2022 : ભાજપે પછાડ્યો છે કેસરિયો ધોકો, કોંગ્રેસ- આપને કોઝ-વે પરથી મારવાને સીધો ધક્કો

આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની બીજી લહેરની કારમી વિભીષિકાઓને હવે ગુજરાત રાબેતા મુજબ ભૂલી ગયું છે. આપણા રાજકારણીઓ સજ્જડ રીતે માનતા આવ્યા છે કે પ્રજાની યાદશક્તિ ઘણી ટૂંકી હોય છે. કોરોનાના મામલે પણ આજકાલ આવું જ જણાઇ રહ્યું છે. ત્રીજી લહેર કે પેલા એકાએક ફૂટી નીકળેલા ડેલ્ટા વેરિયન્ટ વગેરેની મેડિકલ ફિલ્ડવાળા ગમે એટલી બીક દેખાડતા હશે, પણ અસ્સલ સુરતી મિજાજ સાથે આજનો ગરવો ગુજરાતી બધ્ધે બધ્ધું ભૂલીને પોતાનો રાબેતો પકડી રહ્યો છે. રાજ્યનું જનજીવન પૂર્વવત્ થઇ ચૂક્યું છે. આજકાલ કોરોનાનો ભય લોકોના મનમાં પહેલાં જેવો રહ્યો નથી. થેન્ક્સ ટુ સો કોલ પબ્લિક અવેરનેસ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ ઓનેસ્ટ એફોર્ટ્સ ફોર વેક્સિનેશન. રાજ્યની સાડા છ કરોડ પૈકીની 70 ટકા વસ્તી આજે કોરોના રસીના કમ સે કમ એક એક ડોઝથી તો તરબતર થઇ ચૂકી છે. લોકોએ હોળી ભલે ન ઉજવી, પણ રથયાત્રા અને સાતેમ-આઠેમ હલકભેર ઉજવી.

ડુમસ-સાપુતારા-દમણ-તિથલ-શિરડી-સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં પ્રવાસન સ્થળો અને તમામ મંદિરોમાં શ્રાવણિયા ભીડ ઉમટી. લોકોએ વિના સંકોચે રજાઓ માણી. તંત્રે તમામ વખતે સોફ્ટ વલણ દેખાડીને લોકોને માણવા દીધું, કારણ કે સરકાર અને સત્તાધારી પાર્ટીની નજર 2021 નહીં, 2022 પર સ્થિર થયેલી છે. ગુજરાત ભાજપના યશસ્વી પ્રમુખ સી.આર. પાટીલને મહાભારતના પેલા અર્જુનના લક્ષ્યાંક રૂપ પક્ષીની આંખની માફક 2022 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી દેખાઇ રહી છે. ગુજરાત સરકાર પણ ઇલેક્શન મોડ પર આવી ગયેલી જણાય છે. એટલે જ મિશન 2020 નું લાખેણું લક્ષ્યાંક લઇને ભાજપમાં સહુ કોઇ મચી પડેલા જણાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિશ્રામાં યોજાયેલી ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં આ દિશામાં મોટું વિચારદોહન થયું.

જેના આધારે પાર્ટી હવે પછીના સમયમાં પોતાની ક્ષમતા મુજબનાં અનેકવિધ આયોજનો ઘડી કાઢશે ને તેનો અપેક્ષિત અમલ પણ શરૂ કરાવી દેશે. યાદ રહે, ભાજપનું મિશન 2022 નું લક્ષ્યાંક એટલે 2021 ની શરૂઆતમાં યોજાયેલી પંચાયતો-પાલિકાઓ-મહાપાલિકાઓની ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સહિયારું લક્ષ્યાંક હાઇકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદી સાહેબે આપી દીધેલું છે. મોદીને નીચું નિશાન ગમતું નથી. એ આ બંનેય નેતાઓ હવે તો સુપેરે જાણે છે અને ગુજરાત ભાજપમાં પણ એ માટેની કેસરિયા સમજણ પણ સજ્જડ રીતે પ્રવર્તે છે. એટલે અત્યારે સૌ કોઇ સઘળા આપસી મતભેદોને રેવા મૈયામાં વહાવી દઇને મિશન 2020 ને માથે ચડાવીને મંડી પડેલા છે. ભાજપને આ બધું સહજ સુપ્રાપ્ય એટલા માટે બની રહેશે એવું લાગે છે કે રાજ્યમાંની એની બંનેય હરીફ કહેવાતી પાર્ટીઓ- જૂની કોંગ્રેસ અને નવી આમઆદમી પાર્ટી કરતાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે.

ભાજપના નવા એજન્ડા અને કાર્યક્રમોનો નિખાર હવે પછીના દિવસોમાં ધીરે ધીરે આવવા લાગશે, પરંતુ એનો કેસરિયો ઉછાળ તો આવી જ ગયેલો છે. તેનો બૂંગિયો નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પીટી દીધો છે. એમણે તાજેતરમાં અદ્દલ મેહાણવી અંદાજમાં ઉઘાડે છોગ અને કોઇ જાતનો છોછ રાખ્યા વિના કહી દીધું છે કે દેશમાં જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે, ત્યાં સુધી દેશમાં કાયદાનું શાસન રહેશે, દેશમાં બંધારણ અને બિનસાંપ્રદાયિકતા રહેશે, પરંતુ જ્યારે હિન્દુઓ લઘુમતીમાં હશે ત્યારે આ બધી વસ્તુઓ ખતમ થઈ જશે. નીતિનભાઇનો સીધો ઇશારો અફઘાનિસ્તાનની તાલિબાની ઘટનાઓના સંદર્ભે હતો.

એમણે વધુમાં એવું પણ કહેલું કે હિન્દુઓ તેમની વિચારધારામાં ઉદાર છે અને આ જ કારણ છે કે દેશમાં લોકશાહી ખીલી રહી છે. હકીકતમાં એમણે ભાજપ અને હિન્દુત્વની કડીને મજબૂત ભીડી દીધી છે.(ઉલ્લેખનીય છે કે નીતિનભાઇના વતનનું નામ કડી છે) એમણે અત્યંત ગણતરી અને લક્ષ્યાંકપૂર્વક ઉપરોક્ત કેસરિયા ઉચ્ચારો કર્યા છે, જેને ગણતરીના સમયમાં પ્રદેશભાજપ પ્રમુખે પણ અનુમોદના આપતાં ખીલો મજબૂત રીતે ખોડાયો છે. જન્માષ્ટમીની રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નીકળતી શોભાયાત્રાઓને ગાઇડલાઇન પાલનના વાઘા હેઠળ ધરાર મંજૂરી આપીને ભાજપે હિન્દુઓનાં માનબિન્દુ જીતી લીધાં છે. ગુડ ગવર્નન્સ, ભ્રષ્ટાચારનાબૂદી, વિકાસ, ગ્રોથ, ટેક્સ કલેક્શન, ગાઇડલાઇન પાલન, ઇવન વેક્સિનેશન વગેરે બધું તો તંત્રની બાય પ્રોડક્ટ છે.

અસલી ઉપજ તો હિન્દુત્વ (જ) છે. હિન્દુત્વની દાંડી પર વિકાસ કે સમૃદ્ધિનું કમળ કેવી રીતનું ખીલવવું એ જ તો મિશન 2020 નો ઇન્ટર્નલ એજન્ડા છે. અફઘાનિસ્તાનની તાલિબાની ઘટનાઓ આમાં ઘી હોમી રહી છે. હિન્દુત્વની ધાર તાલિબાની કરતૂતોની ખબરોથી વધુ ચકચકતી થઇ રહી છે. એટલે જ મમતા બેનરજીની પાર્ટીમાં ભળી ગયેલા પેલા યશવંત સિંહા અને કોંગ્રેસના મણિશંકર ઐયર સહિતના કંઇકને પેટમાં ચૂંક આવવા લાગી છે અને ગભરાટના માર્યા તેઓ એવું બબડવા લાગ્યા છે કે અફઘાનિસ્તાનની ઘટનાઓ ચૂંટણી મુદ્દો ન બનવી જોઇએ. પરંતુ એમનું કંઇ ચાલે એમ લાગતું નથી. લોકો તો 100 રૂપિયે લિટર પેટ્રોલ પુરાવીને પણ કમળનાં જ બટન દબાવે છે. ગુજરાતનો સવાલ છે, ત્યાં સુધી સીઆર પાટીલ અને વિજય રૂપાણી આ વાત સુપેરે સમજે છે. એટલે જ ખીલો ખોડાઇ ગયો છે.
સુકુમાર નાણાવટી
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top