SURAT

સુરતની બે બહેનો બે મિત્રો સાથે થઇ ગુમ: મક્કાઈ વેચાણના નાણાંથી નીકળી પડી યુપી ફરવા

સુરત : મક્કાઈ વેચીને તેમાંથી આવેલા નાણાં લઈને મગદલ્લા ખાતે રહેતી બે માસિયાઈ સગીર બહેનો (sisters) તેમજ બે સગીર મિત્રો (friends) ઘરેથી કહ્યા વિના જ વતન ઉત્તરપ્રદેશ (UP)ના બનારસ ખાતે ફરવા માટે જતા રહ્યા હતા. પાંચ કલાક સુધી પરિવારે (family) શોધખોળ કર્યા બાદ પોલીસ (police) ને જાણ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત પોલીસની સાથે આંતરરાજ્ય પોલીસ પણ શોધવામાં કામે લાગી હતી. જોકે, બાદમાં એક બાળકનો મોબાઈલ (mobile) ફોન ચાલુ થતાં તેનો સંપર્ક થતાં તમામ બાળકોને પોલીસે ટ્રેનમાં જ આંતરી લઈને શોધી કાઢ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, મગદલ્લાના બંદર ખાતે આવેલા રણછોડ નગરમાંથી ચારે કિશોર-કિશોરી બે-ત્રણ જોડી કપડા લઇને ચાલ્યા ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે આ બાળકો ગુમ થયા હતા અને પોલીસને આ બાબતે રાત્રે આઠ વાગ્યે જાણ કરવામાં આવી હતી. આ બાળકો આ રીતે અગાઉ સુરતમાં ફરવા જતા હોવાને કારણે વાલીઓએ ગંભીરતાથી આ બાબતને લીધી ન હતી. રાત્રિના આઠ સુધી બાળકોની કોઇ ભાળ નહી મળતા વાલીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસે અપહરણની શંકાને આધારે તપાસ શરૂ કરી હતી. તેમાં બાળકો ટ્રેનમાં હોવાનુ માલૂમ પડતા નંદુરબાર અને ભૂસાવળ પોલીસની મદદથી બાળકોને શોધી કઢાયા હતા. ડુમસ પોલીસની સતર્કતાને કારણે બે કલાકમાંજ કેસ સોલ્વ થઇ ગયો હતો. બાળકો ભૂસાવળ ઉતરીને આગળથી આવતી પ્રયાગરાજ ટ્રેનમાં ચઢવાના હતા પરંતુ બાળકો ચઢે તે પહેલાજ ભૂસાવળ પોલીસે બાળકોને આંતરીને સુરત પોલીસને સોંપી લીધા હતા.

કેવી રીતે પોલીસે ચારેયને શોધી કાઢ્યા

પોલીસને જાણ કરવામાં આવતાં રાત્રિના સમયે જ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. ચારેય પૈકી એક યુવક પાસે મોબાઇલ હતો. ડુમસ પોલીસે આ યુવકનો મોબાઇલ નંબર ટ્રેસમાં મુકી દીધો હતો. દરમિયાન રાત્રિના સમયે સગીરે મોબાઇલ એક્ટીવ કર્યો હતો, જેની જાણ ડુમસ પોલીસને થઇ હતી. આ મોબાઇલ નંદુરબાર રોડ ઉપર ભુસાવલ એક્સપ્રેસ ટ્રેનમાં એક્ટિવ થયો હોવાની માહિતી પણ પોલીસને મળી હતી. જેના આધારે ડુમસ પોલીસના પીઆઇ અંકિત સૌમેયાએ નંદુરબાર પોલીસના ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. બાદમાં ટ્રેન ચાલી જતા ભૂસાવળ ક્રાઇમ બ્રાન્ચનો પીઆઇ સોમૈયાએ સંપર્ક કર્યો હતો.

ભુસાવલ ટ્રેન પહોંચી ત્યારે જ રેલવે પોલીસની ટીમ ટ્રેનમાં ચઢી ગઇ હતી અને ચારેય બાળકોને શોધી કાઢ્યા હતા. સુરત પોલીસ ભૂસાવળ ખાતેથી બાળકોનો કબ્જો લેવા પહોંચી ગઇ હતી.

Most Popular

To Top