Surat Main

સુરતની મેટ્રો રેલનું ખાતમુહૂર્ત માટેનું સ્થળ કરાયુ નક્કી

સુરત માટે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી મેટ્રો રેલના ખાતમુહૂર્તની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી તા18મીએ વડાપ્રધાન મોદી દ્વારા મેટ્રો રેલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે આ ખાતમુહૂર્ત ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સ પાસે કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. અગાઉ ખાતમુહૂર્ત માટે તંત્ર દ્વારા ભીમરાડ, અલથાણ કે કાદરશાની નાળની વિચારણા કરવામાં આવી રહી હતી પરંતુ આખરે પસંદગી ડ્રીમસિટીમાં ઉતારવામાં આવી છે. ડ્રીમ સિટી મેટ્રો રેલ માટે હાલ પુરતું છેલ્લું સ્ટેશન હશે. જ્યારે તેના પછી મેટ્રો રેલને ડેપોમાં લઈ જવામાં આવશે.

આગામી તા.18મી જાન્યુ.ના રોજ ખાતમુહૂર્ત સાથે જ કાદરશાની નાળથી ખજોદ ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝનું કામ પણ શરૂ થઇ જશે. હજુ ગત અઠવાડિયે જ સરથાણાથી ડ્રીમ સિટી સુધીના પ્રથમ ફેઇઝના બે પેકેજ એટલે કે 12 કિલોમીટર એલિવેટેડ અને 7 કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર મંજૂર કરી દેવાયાં હતાં. સુરત માટે અતિ મહત્ત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે છેલ્લા અડધા દાયકાથી રાહ જોવાઇ રહી હતી. પ્રથમ ફેઇઝમાં 12 કિલોમીટર એલિવેટેડ રૂટનાં 10 સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ 7 કિલોમીટર રૂટનાં છ સ્ટેશન નિર્માણ પામશે. 18 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ સાથે જ આ પ્રોજેક્ટ કાગળોમાંથી બહારની નીકળીને વાસ્તવિકતાની ભૂમિ પર પગરણ માંડશે.

કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ડીપીઆર મુજબ સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 12114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ ૪૦.૩૫ કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. 10 દિવસ પહેલાં મેટ્રો રેલના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સિટી (21.61 કિમી, 20 સ્ટેશન) પૈકી પેકેજ : 1 કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11 કિ.મી. એલિવેટેડ રૂટ માટેનાં ટેન્ડરો ખોલી દેવાયા બાદ તેના આઠ દિવસ બાદ આ જ રૂટ પૈકી કાપોદ્રાથી ચોકબજાર સુધીના અંડર ગ્રાઉન્ડ 6.47 કિ.મી.નાં ટેન્ડર પણ ખોલી દેવાયાં હતાં.

કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ માટે જોઇન્ટ વેન્ચર સદભાવ ઇજનેરી અને એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શનના 779.73 કરોડનું ટેન્ડર તેમજ આજ રૂટના પેકેજ : 2માં 3.46 કિ.મી અને પેકેજ : 3માં 3.56 કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ બનશે. મેટ્રો રેલનું કામ ઝડપથી થાય તેમજ જુદા જુદા છેડેથી એકસાથે કામ શરૂ થઇ શકે તે માટે આ રૂટને બે ભાગમાં વહેંચીને ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં હતાં. જેમાં પેકેજ :2 માટે ગુલમર્ક અને સૈમ ઇન્ડિયા બિલ્ટ વેલ-1073. 31 કરોડ અને પેકેજ : 3 માટે જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ 941.80 કરોડનાં ટેન્ડર મંજૂર કરાયાં છે.

ખાતમુહૂર્ત માટે ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સની નજીકમાં જગ્યાની સફાઈ શરૂ કરી દેવામાં આવી

આગામી તા.18મીના રોજ ખાતમુહૂર્ત માટે તંત્ર દ્વારા ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સની જગ્યા નક્કી કરવામાં આવ્યા બાદ આ જગ્યાની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. જે ટ્રેક પરથી મેટ્રો રેલ પસાર થવાની છે તે ટ્રેકના ડ્રીમ સિટી ખાતેના રૂટ પર જ ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેથી ખાતમુહૂર્તનો હેતુ સાર્થક ઠરે.

ડ્રીમ સિટીથી કાદરશાની નાળ વચ્ચે 10 સ્ટેશન આવશે

  • કાદરશાની નાળ- મજૂરાગેટ (ભેંસાણ-સરોલી લાઇન-2નાં જંક્શન સાથે )- રૂપાલી કેનાલ, ભટાર- અલથાણ ટેનામેન્ટ- અલથાણ ગામ- વી.આઇ.પી. રોડ- મહિલા આઇ.ટી.આઇ.- ભીમરાડ- કન્વેન્શન સેન્ટર- ડ્રીમ સિટી
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top