Gujarat

દીકરીના પ્રેમલગ્નમાં સાક્ષી તરીકે માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા પાટીદાર સમાજની માંગ

અમદાવાદ: અમદાવાદના (Ahmadabad) જાસપુર ખાતે પાટીદારોની (Patidar) મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળી હતી. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પોટીદારોના મુખ્ય પ્રમુખો સમાજના કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તેઓ બિન અનામત આયોગ અને નિગમમાં સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ તેમજ પીએસઆની ભરતીમાં થયેલા અન્યાય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તથા સમાજની યુવતીઓના મરજી મુજબનાં લગ્નોમાં માતાપિતાની સંમતિ વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવી છે.

પાટીદાર સમાજના અગ્રણી ફરી એકવાર ભેગા થઈને અનામત અને બિન અનામત મુદ્દે ચર્ચા કરી હતી. આજે અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજના પ્રમુખો અને સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજ તથા બિનઅનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સમગ્ર ગુજરાતના કડવા અને લેઉઆ પાટીદાર સમાજના 18 પ્રમુખ હાજર રહ્યા હતા. પરંતુ આ પાટીદાર પ્રમુખ મિટિંગમાં ખોડલધામ પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ ગેરહાજર રહ્યા હતા. આ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. જે નિયમ પ્રમાણે કરવાનું હતું તે નિયમ પ્રમાણે નથી થયું.

આ ઉપરાંત બેઠકમાં આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચાયા નથી અને તે કેસો પરત લેવાય તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ આંદોલન દરમિયાન શહીદોના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે. બિન અનામત વર્ગ માટે જાહેર થયેલી યોજનાઓમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમમાં કરેલ જોગવાઈઓ સમકક્ષ કરવી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ સિવાય સામજની દીકરીઓ પણ પોતાની રીત લગ્ને કરે છે ત્યારે માતા પિતાની સાક્ષી તરીકે સહી પણ ફરજિયાત બનાવવામાં આવે તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. માત્ર પાટાદાર સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજમાં પણ જ્યારે દીકરી પોતાની રીતે લગ્ને કરે છે ત્યારે માત્ર બે સાક્ષીને લઈને સહી કરાવી લે છે જે અંગે સમાજમાં રોષ છે. તેથી પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકે ફરિજયાત સહી લેવામાં આવે, જેથી આવનારા સમયમાં માતા પિતા કે દિકરા દીકરીઓને પરેશાન થવાનો વારો ન આવે, આ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં પાટીદાર સરકાર હોવા છતાં પાટીદાર સમાજના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા પાટીદાર સમાજ નારજ હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top