Dakshin Gujarat

લગ્નમાં નાચવા બાબતે અદાવત રાખી લીમોદરાના યુવાન પર ચપ્પુ હુમલો

હથોડા: લગ્નમાં (Marriage) નાચવા (Dance) બાબતે થયેલા ઝઘડાની રીસ રાખીને લીમોદરા ગામના (Village) યુવાન પર મોડી રાત્રે ચાકુ અને લાકડી વડે ત્રણ શખ્સોએ હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી હતી.

  • લગ્નમાં નાચવાની બબાલની અદાવત રાખી લીમોદરાના યુવાન પર ચપ્પુ અને લાકડીથી હુમલો
  • નરેન્દ્રભાઈ વસાવાને લોહીલુહાણ હાલતમાં તડકેશ્વર બાદ સુરતની હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની વિગત એવી છે કે, પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના લીમોદરા ગામે રહેતો નરેન્દ્ર નટવર વસાવા દસેક દિવસ પહેલાં કામરેજના આખાખોલ ગામે લગ્નમાં ગયો હતો. અને લગ્નમાં નાચવા બાબતે આખાખોલ ગામના પ્રવીણભાઈ, મિતેશભાઇ અને આકાશભાઈ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી ગત રાત્રે લીબોદરા ગામના નરેન્દ્ર નટવર વસાવા અને તેના મિત્ર શૈલેષ અને સંજય વસાવા લીમોદરા ગામની ભાગોળે આવેલી નહેર પાસે કુદરતી હાજતે ગયા હતા.

ત્યારે રાત્રિના 11 વાગ્યાના સમયે મોટરસાઇકલ પર પ્રવીણભાઈ મિતેશભાઇ અને આકાશભાઈ આવી પહોંચ્યા હતા. અને સૌપ્રથમ શૈલેષને ધક્કો મારી જમીન પર પાડી દઈ નરેન્દ્ર નટવર વસાવા ઉપર ચાકુ અને લાકડાના ફટકા લઈને તૂટી પડ્યા હતા. આ હુમલામાં નરેન્દ્રભાઈ નટવરભાઈ વસાવાને માથા તથા કાન તેમજ ડાબા હાથે ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સૌપ્રથમ તડકેશ્વરની શીફા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પાલોદ પોલીસે હુમલો કરનારા ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top