Columns

માણસો સદાય અસંતોષમાં જ જીવતા રહે છે

માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે છે. આ માનવીય સમજને કારણે માણસને સંતોષ થતો જ નથી. જે છે તે તેને સદા ઓછું જ પડે છે તેથી જે નથી તેની દોડમાં સારું જીવન પૂરું થઇ જાય છે. આ કારણે તેને પ્રભુએ જે આપ્યું છે તેનો સંતોષ તેને થયો જ નથી. આવા માણસો સદાય અસંતોષમાં જ જીવતા રહે છે. મને આ ઘટે; મારી પાસે આ નથી એવું તેને સતાવ્યા કરે છે તેથી આવી માનસિકતાથી જીવતો માણસ રોગનું ગોડાઉન બની જાય છે તે છતાં તેની માનસિક દોડાદોડ તેને સદા માટે દુ:ખમાં જ રાખે છે.

આવા લોકો આપણી વચ્ચે જ સમાજમાં જીવતા હોય છે. જયારે મનુષ્યનું ચંચળ મન ‘મારી પાસે આ નથી કે તે નથી’ની દોડમાં રહે છે ત્યારે તેની પાસે ઇશ્વરે જે કંઇ આપ્યું છે તેની તે ગણના કરતો જ નથી અને દુ:ખમાં જીવન પૂરું કરે છે. તમામ જીવિતોમાં ઇશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી છે; સમાજરચનાની કલ્પના આપી છે તે છતાં મોટેભાગનાં લોકો તેની પાસે જે છે તેની તો ગણના કરતા જ નથી અને જે નથી તેને માટે દુ:ખી થયા કરે છે.

મનુષ્યની ઇચ્છાઓ, અપેક્ષાઓ એ બધાંનો પાર જ નથી. તેથી ‘અપાર ઇચ્છાઓ’ પૂરી થવાની જ નથી એ સમજ શિક્ષિતમાં પણ હજુ વિકસિત થઇ નથી. આવી ભાતભાતની ઇચ્છા રાખનારા ભાગ્યે જ સાચા સુખનો અનુભવ કરી શકે છે. એક સુભાષિતમાં સમ્યક્‌ કહ્યું છે કે, ‘કાલો ન યાતો વયમેવ યાતા: કૃષ્ણાન જીર્ણા ભયમેવ જીર્ણા:’ મનુષ્યમનમાં રહેલી ઇચ્છાઓ, તૃષ્ણાઓ જૂની થતી નથી પરંતુ તૃષ્ણા જેમાં રહેલી છે તે મનુષ્ય જીર્ણ થઇ જાય છે. આમ ને આમ જીવન પૂરું થઇ જાય છે. પ્રભુએ જે આપ્યું છે તેના તરફ ધ્યાન ગયું જ નથી અને જે નથી આપ્યું તેને માટે દુ:ખ વ્યકત કરતો માણસ દેહ છોડી દે છે.

Most Popular

To Top