Columns

હિંમત હારી ગયા તો બધું ગયું જ સમજો

એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ જહેમત ઉઠાવી, રાજમાતા કાબેલ હતા. તેમણે પોતાના પતિ પાસેથી ઘણી જાણકારી અને કાબેલિયત મેળવી હતી એટલે એ પણ રાજકારણના રંગે રંગાઇ ચૂકયાં હતાં. પુત્રને એ રીતે તાલીમ અને શિક્ષણ આપી સક્ષમ બનાવ્યો. યુવરાજ તૈયાર થઇ ગયો એટલે રાજમાતાએ એને રાજસત્તાનું સુકાન સોંપ્યું. યુવરાજ માતાની કેળવણીથી સરસ રીતે રાજ કારભાર કરી રહ્યો હતો.

પ્રજાજનો પણ તેનાથી ખુશ હતા. એવામાં એક વિધર્મી રાજાએ એના રાજય પર હુમલો કર્યો. યુવરાજ અને તેનું સૈન્ય આ અંગે  સભાન ન હતું એટલે અચાનક થયેલા હુમલાથી સામનો કરવાની કોઇ પૂર્વ તૈયારી ન હતી. છતાંય એનો સામનો કર્યો પરંતુ એક દિવસની લડાઇમાં ભારે ઘમાસાણ મચી ગયું. જેમાં યુવરાજનું સૈન્ય માર ખાઇ ગયું, અને ભારે હાનિ થઇ. રાત પડી, યુવરાજ હતાશ થઇ ગયો હતો, એણે પોતાની વૃધ્ધ માતાને આ યુદ્ધની વાત કરી  એણે માતાને કહ્યું; ‘આજે યુદ્ધમાં ઘણા સૈનિકો મરી ગયા છે, ભારે નુકસાન થયું છે, આવતીકાલે શું થશે ખબર નથી. આપણી કોઇ તૈયારી ન હોવાથી આપણે આ હુમલાખોરો સામે ટકી શકીએ તેમ નથી. તમે કંઇ માર્ગદર્શન કરો.’

માતા તેની હતાશા જોઇ દુ:ખી થયાં. સાથે પોતાની કેળવણી પર ગુસ્સો પણ આવ્યો. છતાં શાંત રહી જવાબ આપ્યો; ‘બેટા આવતીકાલે જે થવાનું હોય તે થાય, બધું જ ખતમ થઇ જાય કે આખું રાજ હારી જવાય પણ તેની ચિંતામાં તું જે હતાશા અનુભવે છે, એનાથી મને વધુ દુ:ખ થાય છે.  મારા ધાવણમાં આવી હતાશાનો ગુણ મેં તને કયારેય પાયો નથી. આજની સ્થિતિ જોઇ તું જે રીતે ડરી ગયો અને હિંમત હારી ગયો, તે વાતનું મને ઘણું દુ:ખ છે. કાલે ગમે તે થાય, યુદ્ધનો સામનો તો કરવાનો જ છે.’

આ વાત સાંભળી યુવરાજમાં ચેતના સળવળી ઊઠી. એણે મકકમ નિર્ધાર કર્યો, કાલે યુદ્ધમાં પૂરા જોરથી સામનો કરીશું. સવારે એણે સૈનિકોને પણ એ માટે પ્રેરણા આપી તૈયાર કર્યા અને યુદ્ધ બરાબર ચાલ્યું. સાંજ પડતાં સામેના સૈનિકો પીછેહઠ કરવા લાગ્યા, યુવરાજના સૈન્યે ભારોભાર સામનો કરી, શત્રુઓને હરાવ્યા. સૈન્યનો સેનાપતિ હતાશ થાય એ કેમ ચાલે? જીવનમાં પણ આવાં અનેક યુદ્ધોનો સામનો કરવો પડે છે. જો હિંમત હારી જાવ, તો યુદ્ધ જ લડી નહીં શકો. હિંમત હારી ગયા તો બધું જ હારી ગયા સમજજો. એટલે તો કહ્યું છે કે, હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત જ દરેક પરિસ્થિતિમાં જીત મેળવવા કામ લાગે છે.

Most Popular

To Top