Editorial

મંકીપોક્સની મહામારી પ્રત્યે ભારત સરકાર સ્હેજેય ગાફેલ નહીં રહે

આખા વિશ્વને ધમરોળી નાખી લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ શાંત પડી નથી ત્યાં વિશ્વમાં ફરી એક વધુ મહામારીએ આકાર લેવા માંડ્યો છે. મંકીપોક્સ તરીકે જાણીતી આ બીમારીમાં વિશ્વમાં 39 દેશમાં 1600 કરતાં પણ વધુ કેસ અને 1500 જેટલા શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. જે રીતે મંકીપોક્સના કેસ વધી જ રહ્યા છે તે જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગંભીરતાથી પગલા લેવાની શરૂઆત કરી દીધી છે.  કોરોના ચીનથી શરૂ થયો હોવાનું મનાય છે તેવી જ રીતે મંકીપોક્સની શરૂઆત બ્રિટનમાંથી થઈ હતી. સૌથી પહેલા બ્રિટનમાં આ રોગની ઓળખ થઈ હતી.

અત્યાર સુધીમાં બ્રિટનમાં 104 જેટલા મંકીપોક્સના દર્દીઓની ઓળખ થઈ ચૂકી છે અને હવે મંકીપોક્સ મોટાપાયે આફ્રિકાના દેશોમાં ફેલાઈ રહ્યો છે. મંકીપોક્સ પણ કોરોના જેવો જ રોગ છે. જે વ્યક્તિના એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. ખાસ કરીને સમલૈંગિક લોકોમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. મંકીપોક્સ સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 39 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. આ દેશ પૈકી 7 દેશ એવા છે કે જેમાં મંકીપોક્સના કેસ ઘણા સમયથી જોવા મળે છે. આ વખતે મંકીપોક્સના વધુ પડતા કેસ બ્રિટનમાં દેખાયા પરંતુ ત્યારબાદ આ 7 સિવાય મંકીપોક્સના કેસ અન્ય 32 દેશમાં પણ ફેલાયા. અત્યાર સુધીમાં મંકીપોક્સને કારણે 72 લોકોના મોત થઈ ચૂક્યા છે.

તેમાં પણ આ તમામ મોત એ 7 દેશમાં જ થયા છે કે જે દેશમાં મંકીપોક્સના કેસ પહેલેથી જ દેખાતા હતા. નવા જે દેશમાં મંકીપોક્સ ફેલાયો તે દેશમાં હજુ સુધી મંકીપોક્સને કારણે કોઈનું પણ મોત થયું નથી. એકમાત્ર બ્રાઝિલમાં મંકીપોક્સને કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું છે. જેની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. જે રીતે કોરોનાની મહામારીને વેક્સિન દ્વારા કાબુમાં કરવામાં આવી તેવી જ રીતે હવે મંકીપોક્સ માટે પણ વેક્સિન બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.મંકીપોક્સનો વધતો વાવર જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઈમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી હતી.

ખુદ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જ કહી રહ્યા છે કે જે રીતે મંકીપોક્સના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એ વાત પર પણ વિચાર કરી રહી છે કે મંકીપોક્સને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવી કે કેમ? મંકીપોક્સ માટેની વેક્સિન લગભગ તૈયાર પણ થઈ ચૂકી છે અને આ વેક્સિન હવે ફ્રીમાં આપવામાં આવશે. આ માટે યુરોપિયન યુનિયન દ્વારા જૂનના અંત સુધીમાં આ વેક્સિનની ડિલીવરી થાય તે માટે પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એકલા યુરોપિયન યુનિયનમાં જ મંકીપોક્સના એકલા 900 કેસ જોવા મળ્યા છે.

ભારત માટે એ રાહતના સમાચાર છે કે હજુ સુધી ભારતમાં મંકીપોક્સના એકપણ કેસ નોંધાયા નથી. જ્યાં વિશ્વમાં માત્ર એક જ મહિનામાં મંકીપોક્સના કેસની સંખ્યા 1600 પર પહોંચી ગઈ હતી ત્યાં ભારત હજુ સુધી બાકાત રહ્યું છે. પરંતુ ભારતે પણ આ મુદ્દે ગાફેલ રહેવા જેવું નથી. ભારતે હાલમાં મંકીપોક્સથી બચવા માટે વેક્સિન આપવા માટેની તૈયારીઓ કરી લીધી છે પરંતુ સતર્કતા રાખવામાં આવશે તો ભારત મંકીપોક્સની મહામારીથી દૂર રહી શકશે. ભારતે આ માટે તાકીદના ધોરણે મંકીપોક્સ જે દેશમાં ફેલાયેલા છે તે દેશથી આવતા નાગરિકોની તપાસની સાથે સાથે તેઓ દેશમાં મહામારી ફેલાવે નહીં તે મુદ્દે ધ્યાન આપે તે જરૂરી છે. આ ઉપરાંત જેટલા આગોતરા પગલા લેવાની જરૂરીયાત લાગે તે તમામ લેવા જોઈએ.

જે રીતે એક જ મહિનામાં મંકીપોક્સએ 39 દેશને સકંજામાં લઈ લીધા તેવી જ રીતે ભારતને પણ મંકીપોક્સ પોતાના સકંજામાં લઈ લે તેવી સંભાવના રહેલી છે. ભારત સરકારે કેટલાક પગલાઓ લીધા જ છે પરંતુ તે ઉપરાંત મંકીપોક્સના લક્ષણોથી માંડીને કેવી રીતે તેનાથી બચી શકાય તે માટે પણ લોકોને જાગૃત કરવા જરૂરી છે. જો સરકાર નહીં જાગે તો કોરોનાની જેમ મંકીપોક્સ પણ ભારતમાં લોકો માટે જીવલેણ બને તેવી સંભાવના રહેલી છે.

Most Popular

To Top