National

પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલ વચ્ચે સરકારનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું…

નવી દિલ્હી: હાલમાં દેશમાં લોકો વચ્ચે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે અને એ છે કે ભારત(India)માં પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel) ખૂટી ગયું છે? કારણ કે છેલ્લા ઘણા દિવસોથી દેશના પેટ્રોલ પંપો(Petrol Pump) પર પેટ્રોલની અછત(Shortage)ના અહેવાલો મળી રહયા છે. જો કે આ અછત ના ફેલાઈ રહેલા સમાચાર વચ્ચે સરકાર(Government) અને ઓઇલ કંપની(Oil Company)નું નિવેદન સામે આવ્યું છે. સરકાર અને ઓઇલ કંપનીઓએ કહ્યું- ગભરાશો નહીં, સપ્લાય સામાન્ય છે

સરકારે જણાવ્યું, અનેક રાજ્યોમાં પેટ્રોલ – ડીઝલની માંગ વધી
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. જે માં કહેવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન માગમાં ઉછાળાને પહોંચી વળવા માટેના પ્રયાસ કાર્યરત છે. જ્યારે માગમાં વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિ જણાવાયું છે. ઓઈલ કંપનીઓએ ડેપો અને ટર્મિનલ પર સ્ટોક વધારીને આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે. મંત્રાલયે એ પણ માન્યું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમનું ટ્વીટ
હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ આ મામલે ટ્વીટ કરીને લોકોને ગભરાવું નહીં એવી અપીલ કરી છે. કંપનીએ કહ્યું, ‘HPCL દેશની છે, સતત વધતી જતી ઇંધણની માગને પૂરી કરવા અને સમગ્ર પુરવઠાની ચેનમાં પ્રોડક્ટની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બજારમાં જ્યાં પણ અમારી પાસે ઇંધણ સ્ટેશનો છે ત્યાં અમે ઓટો ઇંધણના અવિરત પુરવઠા માટે પ્રતિબદ્ધ છીએ.

તમામ ફ્યુઅલ સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે: ઈન્ડિયન ઓઈલ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ડિરેક્ટર (માર્કેટિંગ) વી. સતીશ કુમારે ટ્વીટ કર્યું, “પ્રિય ગ્રાહક, અમારા રિટેલ આઉટલેટ્સ પર ઉત્પાદનની ઉપલબ્ધતા એકદમ સામાન્ય છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે ગભરાશો નહીં.’ ભારત પેટ્રોલિયમે એમ પણ કહ્યું હતું કે અમે દરેકને ખાતરી આપીએ છીએ કે અમારા નેટવર્ક પરનાં તમામ ફ્યુઅલ સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે, તેથી ગભરાવાની જરૂર નથી.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણનાં સપ્લાયમાં ઘટાડો કર્યો
એક તરફ દેશના રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એક તરફ પેટ્રોલિયમ ડીલરો દાવો કરે છે કે BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણનાં સપ્લાયમાં ઘટાડો કરી દીધો છે અને માંગના માત્ર ચોથા ભાગનું જ ઓઈલ પૂરું પાડી રહ્યા છે, જ્યારે સરકાર અને તેલ કંપનીઓ દાવો કરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.

Most Popular

To Top