National

હનુમાનચાલીસા વિવાદ: ઉદ્ઘવ ઠાકરેનો હૂંકાર- દાદાગીરી તોડતા અમને બાળાસાહેબે શીખવાડ્યું છે

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ચાલી રહેલા હનુમાનચાલીસાના (Hanuman Chalisa) વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આજ સુધી ચાલી આવેલ હનુમાન ચાલીસા અંગેના વિવાદમાં ચુપ રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ આખરે પોતાની ચૂપ્પી તોડી છે. તેઓએ આ મામલા અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે શિવસેનાને કોઈએ હિંદુત્વનો પાઠ શીખવવો જોઈએ નહીં. તેઓએ કહ્યું હતું કે અમને ઘંટ વગાડનાર હિંદુ નથી જોઈતો, અમે પોતે ગદાધારી હિંદુ છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો કોઈ માતોશ્રી ઉપર આવવા માંગતા હોય તો ભલે આવે પણ કોઈની ખોટી દાદાગીરી ચલાવવામાં આવશે નહિ. દાદાગીરીનો તોડ કઈ રીતે લાવવો તે અમને બાળાસાહેબે શીખવાડયું છે.

  • અમને હિંદુત્વના પાઠ ન શીખવાડો, અમને ઘંટ વગાડનાર હિંદુ નથી જોઈતો, અમે પોતે ગદાધારી હિંદુ છીએ- ઉદ્ધવ ઠાકરે
  • મહારાષ્ટ્ર સરકારે આજરોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી
  • રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે

ઉદ્ઘવ ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઈના લોકો જે કર ચૂકવે છે તેનાથી વિકાસના કામો થાય છે. આ જ કરથી અમે પણ વધુ વિકાસ માટેના કાર્યો કરીએ છે. વધુમાં તેઓએ કહ્યું કે, ‘હું ટૂંક જ સમયમાં એક રેલી કાઢીશ. ત્યારે બધી જ વાત જણાવીશ. આ નકલી હિંદુત્વવાદીઓ આવ્યા છે અને તેમની વચ્ચે હરીફાઈ ચાલી રહી છે કે તેમનો શર્ટ મારા કરતાં વઘુ ભગવો કેવી રીતે છે? કેટલાક લોકોનું વગર કામે વિવાદ કરવાનું કામ છે. તેમણે કહ્યું કે ઘણા દિવસોથી લોકો કહી રહ્યા છે કે મેં હિન્દુત્વ છોડી દીધું છે. આ હિન્દુત્વ છે.. કોઈ ધોતી જેને મેં બાંધીને છોડી દીધી. જેઓ આપણને હિંદુત્વ શીખવી રહ્યા છે તેમણે ધ્યાન આપવું જોઈએ કે તેમણે હિંદુત્વ માટે શું કર્યું છે?

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર ચાલી રહેલા હનુમાન ચાલીસાના વિવાદ અંગે મહારાષ્ટ્ર સરકારે આજરોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં રાજકીય પાર્ટીમાં ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ હાજર રહી હતી. આ બેઠક પૂર્ણ થતાં મહારાષ્ટ્ર સરકારના આદિત્ય ઠાકરેએ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વિવાદ મંદિર કે મસ્જિદનો નથી. આ મામલો લાઉડસ્પીકરનો છે. કોઈ એક પક્ષ માટે અલગ નિયમો બનાવી શકાય નહિ. રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

Most Popular

To Top