Business

પતિના સ્વર્ગવાસ પછી વિધવા સ્ત્રીએ કુપ્રથાનો સામનો નહીં કરવો પડે: મહારાષ્ટ્ર સરકારે કરી આ પહેલ

મહારાષ્ટ્ર: જીવનના દકેર તબક્કે સ્ત્રી (Women) કોઈને કોઈ રીતે બલિદાન આપતી રહે છે. સમાજમાં મોટાભાગે સ્ત્રીઓ કુપ્રથાનો ભોગ બનતી રહી છે. અત્યાર સુધી કાંઈ કેટલીયે કુપ્રથાઓને બંધ કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે. પરંતુ તેમ છતાં ક્યાંકને કયાંક તો આવી પ્રથાઓ ચાલતી જ રહે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના (Maharastra) એક ગામમાં ઘટયો હતો. પરંતુ મહારાષ્ટ્ર સરકારે આ માટે હકારાત્મક પગલું ભર્યું છે. રૂઢિગત પરંપરાઓ તેમજ કુ્પ્રથાઓમાંથી સ્ત્રીને બહાર લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે એક મહત્વનું પગલું લીધું છે. તેઓએ જાહેર કર્યું છે કે જે સ્ત્રીના પતિનો સ્વર્ગવાસ બાદ તેણે બંગડી તોડવી, સિંદૂર ન લગાવવું તેમજ મંગળસૂત્ર ઉતારી દેવું જેવી પ્રથાઓનો અમલ હવેથી કરવાનો રહેશે નહિ.

મહારાષ્ટ્ર રાજ્યના ગ્રામીણ વિકાસમંત્રી હસન મુશ્રીફે દરેક ગ્રામપંચાયતને હેરવાડ ગ્રામપંચાયતનું અનુકરણ કરી એક આદર્શ સ્થાપિત કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વિધવાઓ માટેની આ રૂઢિ તેમજ કુપ્રથાને રોકવા માટે મહારાષ્ટ્ર હંમેશાં અગ્રેસર રહે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હેરવાડ ગ્રામપંચાયતે પતિના નિધન પછી પત્નીનું સિંદૂર કાઢી નાંખવા, બંગળી તોડી નાંખવા તેમજ મંગળસૂત્ર હંમેશ માટે ઉતારી નાંખવા જેવી કુપ્રથાને રોકવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં આવેલ કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગ્રામપંચાયતે 4 મેના રોજ વિધવાઓની આ કુપ્રથાને અટકાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેનો સર્વસંમતિથી દરેક ગ્રામપંચાયતે સ્વીકાર્યો છે. હેરવાડ ગામના લોકો દ્વારા લેવાયેલા આ પગલાથી આખા રાજ્યમાં તેઓ ચર્ચાયા હતાં. આ પછી ગામના લોકોએ નિર્ણય લીધો હતો કે જો કોઈ પણ સ્ત્રીના પતિનો સ્વર્ગવાસ થાય તો તેના અંતિમસંસ્કાર પછી મહિલાઓની બંગડી તોડવાની, માથા પરથી સિંદૂર કાઢવાની તેમજ મંગળસૂત્ર ઉતારવા જેવી કુપ્રથાને નહીં નિભાવી સ્ત્રીને સમાજમાં અપમાનિત કરવામાં આવશે નહીં.

આ માટે રાજ્ય સરકાર તરફથી એક સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું છે. સર્ક્યુલરમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યની દરેક ગ્રામપંચાયતને વિધવાપ્રથાનો અંત લાવવા એક પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે. આ માટે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીઓને ગ્રામપંચાયતને આ અંગે પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. CEOને તેમની હદ હેઠળ આવતા વિસ્તારોમાં વિધવાપ્રથાનો અંત લાવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે જણાવવામાં આવ્યું છે. જો કે CEO આ કાર્ય માટે જિલ્લા પરિષદના દરેક ગ્રામપંચાયતના મુખ્ય અધિકારીઓની મદદ લઈ શકે છે.

Most Popular

To Top