Madhya Gujarat

બોરસદના વાલવોડમાં આધેડની હત્યામાં આજીવન કેદની સજા

આણંદ : બોરસદ તાલુકાના વાલવોડ ગામે બે વર્ષ પહેલા સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં હુમલાખોર શખસે કોદાળીની મુદલથી મારમારી આધેડની હત્યા કરી નાંખી હતી. આ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી હુમલાખોર શખસની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. બોરસદના વાલવોડ ગામે રહેતાં રમેશભાઈ ઠાકોરના મોટાભાઈ ભાઈલાલભાઈ ધુળાભાઈ ઠાકોર (ઉ.વ.50) 10મી એપ્રિલ, 2021ના રોજ ખેતરમાં હતાં.  જ્યાં જાંબુડાના ઝાડમાંથી રૂ.500 મળ્યાં હતાં. જે નાણાં આપવા તે ત્યાંથી નીકળ્યાં હતાં. દરમિયાનમાં ગામમાં તેમને પ્રવિણ રાયસીંગ સોલંકી (રહે.મેલડી માતાનું ફળીયું, વાલવોડ) સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે રમેશભાઈને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

આ સમયે ઘવાયેલા ભાઈલાલભાઈને તાત્કાલિક ભાદરણ પોલીસ મથકે લઇ ગયાં હતાં. બાદમાં તેમને ઘરે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં મોડી સાંજે તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે રમેશભાઈ ઠાકોરની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે પ્રવિણ ઉર્ફે પલીયો રાયસીંગ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધી બીજા દિવસે ધરપકડ કરી હતી. આ મામલો કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સોમવારના રોજ ન્યાયધિશે પ્રવિણ સોલંકીને હત્યાનો આરોપી ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. એક હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા ફરમાવી હતી. આ કેસમાં સરકારી વકિલ એન.પી. મહિડાએ તરફથી 15 સાહેદો તપાસવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 33 દસ્તાવેજી પુરાવા રજુ કરી દલીલો કરી હતી.

રે કરૂણતાં… સારવાર માટે પૈસા ન હોવાથી ઘરે લઇ ગયાં હતાં

વાલવોડ ગામે બે વરસ પહેલા ભાઈલાલભાઈને ગામના પ્રવિણ સોલંકી સાથે ઝઘડો થતાં તેમને કોદાળીની મુદળ મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદી તેમના ભાઈ રમેશભાઈ સીધા પોલીસ મથકે લઇ ગયાં હતાં. જ્યાંથી તેમને સરકારી દવાખાનાની યાદી પણ લખી આપવામાં આવી હતી. પરંતુ નાણાના અભાવે તેમને દવાખાને લઇ જવાના બદલે સીધા ઘરે જ લઇ ગયાં હતાં. જ્યાં મોડી સાંજે તેમનું મોત નિપજ્યું હતું.

મારમારતાં નજીકના બે વ્યક્તિએ જોયું હતું

ભાઇલાલ પર પ્રવિણે હુમલો કર્યો તે સમયે આસપાસમાં કોઇ હાજર નહતું. પરંતુ મોડી સાંજે રમેશભાઈને જાણ થઇ હતી કે પ્રવિણને અગાઉ ભાઈલાલભાઈ સાથે બોલાચાલી થઇ હતી. જેની રીસ રાખી હુમલો કર્યો હતો. આ હુમલો કરતાં જશીબહેન ઠાકોર અને ભીખીબહેન ઠાકોરે જોયાં હોવાનું જણાવ્યું હતું. જોકે, આ ઘટના પહેલા રમેશભાઈને ભાઇલાલભાઈએ પણ સમગ્ર બાબતે વાત કરી હતી.

Most Popular

To Top