એક દિવસ બધા અલકમલકની વાતો કરતા બેઠા હતા, વરસતો વરસાદ હતો અને ગરમાગરમ ભજીયા અને ચાની મિજબાની ચાલી રહી હતી. નીલા દાદી એકદમ ખુશ હતા કારણ કે બધા કેટલા દિવસે તેમની આજુબાજુ બેઠા હતા. એક સ્વજને કહ્યું, ‘નીલા દાદી, તમે તો જીવનમાં અત્યારે લીલીવાડી માણી રહ્યા છો આ જીવનનો તમારો ૮૮ વર્ષનો અનુભવ છે. તો તમારા અનુભવ પરથી અમને કહો કે આ જીવન શું છે??’
નીલા દાદી બોલ્યા, ‘ભાઈ મને એટલી ખબર પડી છે કે આ જીવન એક વર્તુળ છે. જેમ આ પૃથ્વી ગોળ છે તે એક વૈજ્ઞાનીકે શોધ્યું છે તેમ મારી શોધ છે કે આ જીવન પણ ગોળ છે અને તે પણ પૃથ્વીની જેમ સતત ઘૂમતું રહે છે.’ બધાને નીલા દાદીની વાતમાં રસ પડ્યો નાનકડી પૌત્રી બોલી, ‘દાદી ગોળ એટલે હું જે ભૂમિતિમાં દોરું છું તેવું ગોળ!!!’ બધા હસ્યા અને નીલા દાદીએ કહ્યું, ‘હા વર્તુળ એટલે તેવું જ તું દોરે છે તેવું ગોળ ગોળ અને આ વર્તુળ સતત ઘૂમતું રહે છે અને તેની અંદર સુખ, દુઃખ, ખુશી, આનંદ, શોક, સફળતા, નિષ્ફળતા બધું જ એક પછી એક ઘૂમતા રહે છે.’
પુત્રી બોલી, ‘મમ્મી બરાબર સમજાવને એટલે આ નવી પેઢી સમજી શકે.’ નીલા દાદી બોલ્યા, ‘આ જીવન પણ ગોળ છે અને તે પણ પૃથ્વીની જેમ સતત ઘૂમતું રહે છે.અને તેની અંદર સુખ, દુઃખ, ખુશી, આનંદ, શોક, સફળતા, નિષ્ફળતા પણ ઘૂમતા રહે છે અને એક પછી એક આપણને મળે છે.જો તમે અત્યારે કોઈ દુઃખ માંથી કે કોઈ અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ઈશ્વર પર વિશ્વાસ રાખજો આ ફરતું જીવન વર્તુળ તમને સુખ અને સારા સમયની ભેટ થોડા વખતમાં આપશે બસ આશા રાખવી, મહેનત ચાલુ રાખવી અને ખરાબ સમયમાં ડરીને તૂટી પડવું નહિ.એવી જ રીતે જો કોઈ કામમાં નિષ્ફળતા મળી છે તો હિંમત હારવી નહિ મહેનત ચાલુ રાખવી આગળ સફળતા મળશે જ અને ખાસ વાત અત્યરે સારો સમય ચાલી રહ્યો છે અને સુખના દિવસો છે તો અભિમાન કરવું નહિ, ઈશ્વરને ભૂલવા નહિ અને યાદ રાખવું કે આ જીવન એક વર્તુળ છે જે સતત ઘૂમતું રહે છે.’ નીલા દાદીએ સુંદર સમજ આપી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.