Columns

પાપ કર્મથી ખસતા રહીએ અને પુણ્ય કર્મમાં જોડાતા રહીએ

મોટા ભાગના લોકોના જીવન ચીલાચાલુ જ હોય છે. સવારે વહેલા – મોડા ઊઠવું, નિત્યક્રમથી પરવારવું, વર્તમાનપત્રો પર નજર કરવી અને નોકરી-ધંધે ચાલ્યા જવું. સાંજે આવીને બજારનું કામ હોય તો પતાવવું. મિત્રો, પાડોશીઓને મળવું અને TV સામે ગોઠવાઇ જવું. આમ દિવસ પૂરો થઇ જાય. આવા લોકોને મનુષ્યજીવનની મહત્તાની તો કલ્પના જ ન આવે. મનુષ્યજીવન તો પશુપક્ષીઓના જીવનથી બહેતર છે, પરંતુ એ રીતે મોટાભાગના લોકો જીવન જીવતા નથી. એનું મૂળ કારણ છે જીવનવિષયક ઊંચા ખ્યાલો જ નથી. આવા લોકો પાસે કદાચ ખૂબ પૈસો આવી જાય, સત્તા આવી જાય તો પણ તેઓ ચીલાચાલુ જીવન જ પસાર કરશે. ઇશ્વરે મને મનુષ્ય તરીકે આ પૃથ્વી પર મોકલ્યો છે, તો થોડું ઊંચેરું જીવન, થોડું ઉપકારક જીવન જીવી જાઉં તેવી તો કલ્પના જ આવતી નથી. આર્થિક રીતે સંપન્ન લોકો પણ પોતાની આસપાસ વસતા ગરીબ સમાજ માટે બહુધા સ્વેચ્છાથી સહાયભૂત થતા નથી. ગત જન્મમાં પાપ કરેલા હશે, તેથી આ સ્થિતિમાં તેઓ જીવન જીવી રહ્યા છે. એવી ફિલોસોફી લગાવી આ વર્ગની લગભગ ઉપેક્ષા જ કરતા હોય છે.

આ માટે જરૂર પડે છે પુણ્ય જે વહેંચવાની. પ્રભુએ મારા સારાં કર્મોથી મને આ સારી સ્થિતિ આપી છે તો લાવ હું મારા પુણ્યને વહેંચું. જેઓ સારી સ્થિતિમાં પુણ્યની વહેંચણી કરે છે, તેઓ મનથી તો સુખ અનુભવે જ છે. સાથે સાથે બીજા જન્મમાં પણ તેઓ પુણ્યને પ્રતાપે સુખી જીવન જીવતા હોય છે. જે કંઇ કરવાનું છે, તે અહીં જ કરવાનું છે અને તે આજે જ કરવાનું છે કારણ કે કાલ કોણે દીઠી? ઇશ્વરે મને બુદ્ધિ આપી છે કે પૈસો આપ્યો છે એમ વિચારી જે કંઇ આપી શકાય તે સમાજમાં વહેંચતા જવું, વેરતા જવું. જેઓ વહેંચી જાણે છે, વેરી જાણે છે તેઓ મનથી તો ટાઢક અનુભવે છે કારણ કે તેનાથી પુણ્યનું કામ થયું છે. તેથી પાપ કર્મથી ખસતા રહીએ અને પુણ્ય કર્મમાં જોડાતા રહીએ.

Most Popular

To Top