Latest News

More Posts

સુરતઃ સરકારી નોકરી કરતાં હોવા છતાં મંજૂરી લીધા વાર 23 વખત વિદેશ પ્રવાસ કરી ચૂકેલા સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના આચાર્યને હવે ઘરે બેસવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની અમરોલીની શાળા ક્રમાંક 285ના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વેપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. દુબઈમાં વેપાર કરતાં હોવાથી તેઓ વારંવાર દુબઈ જતા હતા. વર્ષ 2023 માં તેઓ 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે.

અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ પર ઉતર્યા છે. કોઈપણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે. દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતી પૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે રીતની ફરિયાદ મળી છે. તેમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે.શાળાના રજીસ્ટર થી લઈ ઓનલાઇન રજીસ્ટર ની હાજરી સુધીની તપાસ શરૂ કરી છે.

ધારાસભ્યના ભત્રીજાને 3.50 કરોડ ઉધાર આપ્યા હતા
સુરતના શિક્ષકની ઓળખાણ મારફતે પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને ઉછીના 3.50 કરોડ આપ્યા હતાં. જોકે, પૂર્વ ધારાસભ્ય ધનજીપટેલના ભત્રીદા ચંદ્રેશ મકાસણાએ પૈસા પરત ન આપતા સુરતના શિક્ષકને મણીનગર બોલાવવામાં આવ્યો. શિક્ષકને પૈસા પરત ન મળતાં વિવિધ જગ્યાએ ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. હાલ, પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

શું હતો સમગ્ર બનાવ?
સુરતમાં રહેતા સંજય પટેલ અમરોલીની શાળામાં આચાર્ય તરીકે ફરજ બનાવે છે. આશરે આઠેક માસ પહેલાં નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં જીગ્નેશ બલદાણીયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજો છે. જેનું મૂળ વતન સુરેન્દ્રનગર છે.

જીગ્નેશની સંજય પટેલ અને ચંદ્રેશ મકાસણા સાથે મિત્રતા બંધાઈ ગઈ. ત્યારબાદ એકબીજા સાથે નાણાંકીય લેવડદેવડ પણ ચાલતી હતી. આ દરમિયાન ચંદ્રેશે ઉછીના નાણાંની માગ કરતાં શિક્ષક સંજય પટેલે જીગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે 3.50 કરોડની સગવડ કરાવી આંગડિયા મારફતે દુબઈ મોકલી આપ્યાં.

શિક્ષકને ગોંધી રાખી માર્યો ઢોરમાર
ત્યારબાદ જીગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે નાણાની માગણી કરી, છતાં આજદીન સુધી રૂપિયા પરત કરવામાં નથી આવ્યા. જેથી કરીને બંનેએ 19 નવેમ્બરે શિક્ષક સંજય પટેલને ફોન કરી કહ્યું કે, જીગ્નેશનો ફોન આવ્યો હતો અને ધંધા માટે મણિનગર ખાતે આવેલી કુલદીપની ઓફિસે બોલાવ્યા છે.

ફોન આવ્યાના એક દિવસ બાદ શિક્ષકે મણિનગર ખાતે આવેલી કુલદીપની ઓફિસમાં પહોંચ્યો. જ્યાં જીગ્નેશ અને કુલદીપે શિક્ષકને ઢોર માર માર્યો અને બળજબરી પૂર્વક તેના બે ફોન, પર્સ અને કાર પડાવી ઓફિસમાં ગોંધી રાખ્યા. ત્યારબાગદ કુલદીપે પોતાના ડ્રાઇવર અને રૉકી નામના શખસ સાથે મળી શિક્ષકને તેની જ કારમાં બળજબરી પૂર્વક બેસાડી સુરેન્દ્રનગર વલઈ જવા નીકળ્યાં. તે દરમિયાન રસ્તા વચ્ચે ઉછીના નાણાં લેનાર જીગ્નેશ સાથે વાતચીત થતાં ફરી પોતાની ઓફિસે પહોંચ્યા હતાં.

અપહરણની શિક્ષકે નોંધાવી ફરિયાદ
ત્યારબાદ મોડી રાત સુધી કુલદીપે શિક્ષકને પોતાની ઓફિસમાં ગોંધી રાખ્યો અને કહ્યું કે, ‘તારા મિત્રના પૈસા તારે જ આપવાના છે.’ આવું કહીને તેને માનસિક પરેશાન કરવામાં આવ્યો. ત્યારબાદ કુલદીપ, જીગ્નેશ અને અન્ય બે શખસોએ સાથે મળી શિક્ષકને કારમાં બેસાડી જાણુ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં લઈ ગયાં.

ત્યાં ફરી શિક્ષકને ગોંધી રાખ્યો અને ત્યાં તેમના માણસોએ હૉકી અને ગડદાપાટુથી શિક્ષકને ઢોર માર માર્યો. જોકે, શિક્ષક ટોઈલેટ જવાના બહાને ત્યાંથી છટકી કઠવાડા ખાતે પહોંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કસૂરવારને છોડવામાં આવશે નહીઃ શિક્ષણ મંત્રી
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર ૨ શિક્ષકોની વિગતો મળી છે.પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે. જે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર કરે છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય પર છેડા કરનારા શિક્ષકોને માફ નહિ કરી શકાય. આ શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તો એ પણ પરત લેવાની સૂચના આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

To Top