Gujarat

લક્ષ્મી મિત્તલે હજીરા પ્લાન્ટમાં વધુ 50 હજાર કરોડના રોકાણની તત્પરતા દાખવી

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં લક્ષ્મી મિત્તલે સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના એકસપાન્સન માટે 50 હજાર કરોડ નું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50 હજાર કરોડનું રોકાણ તેમનું ગ્રુપ કરવાની નેમ ધરાવે છે.

આવનારા દિવસોમાં સમગ્રતયા 1લાખ કરોડ નું રોકાણ તેઓ ગુજરાતમાં કરવા ઉત્સુક છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. સીએમ રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદ ની ખાતરી આપી હતી અને આ રોકાણ માટે તેમને આવકાર્યાં હતાં.

કોરોનાકાળમાં પણ મુખ્યમંત્રી રૂપાણીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ગતિ અટકવા દીધી નથી અને ઉદ્યોગોને સાથે રાખીને કોરોનાના કપરા કાળમાં પણ જે કામગીરી કરી છે તેને લક્ષ્મી મિત્તલે બિરદાવી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top