SURAT

ચાલો જેલમાં ભજિયા ખાવા, સુરતીઓ માટે ડુમસ બાદ વધુ એક વીકએન્ડ ડેસ્ટીનેશન ડેવલપ કરાયું

સ્વાદના શોખીન સુરતી (Surtie)ઓ દર રવિવારે (weekend) ડુમસ (dumas) અને ઉભરાટ (ubharat)ના દરિયા કિનારે ભજિયા (bhajiya) ખાવાં ઉમટી પડતા હોય છે. હવે સુરતીઓ માટે વધુ એક વીકએન્ડ ડેસ્ટીનેશન ડેવલપ કરાયું છે. સુરત-નવસારી (surat- navsari) રોડ પર આવેલી લાજપોર જેલમાં રૂપિયા 80 લાખના ખર્ચે ભજિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. અહીં કેદીઓએ પોતાના હાથે બનાવેલા સ્વાદિષ્ટ ભજિયાંનો આસ્વાદ સુરતીઓ મસ્તીથી માણી શકશે. એટલું જ નહીં ભજિયાની સાથે 17 પ્રકારની બેકરી પ્રોડક્ટ પણ અહીં મળશે. આ ભજિયા હાઉસનું ઉદ્દઘાટન 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.

સુરતીઓને આકર્ષવા માટે આમ તો છેલ્લા 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસ ચલાવવામાં આવી રહ્યું હતું . પહેલાં ઉધના દરવાજા રિંગ રોડ ઉપર આવેલી જૂની સબજેલમાં આ ભજીયા હાઉસ ચાલતું હતું, જે છેલ્લા કેટલાંક વર્ષથી લાજપોર શિફ્ટ થઈ ગઈ છે. સુરતથી નવસારી, વલસાડ કે મુંબઈ જતા લોકોને આકર્ષી શકાય આ ઉપરાંત તેની સાથે તેમને આરામદાયક બેસવાની જગ્યા પણ મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખી ને આ 80 લાખના ખર્ચે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવ્યું છે.

આ ભજીયા હાઉસની ખાસિયત એ છે કે અહીં જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ભજીયા હાઉસનું સંચાલન પણ તેમના જ હસ્તે થશે .અહીં ભજિયા ઉપરાંત જુદા જુદા પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે. જે સંપૂર્ણ હાઈજિનિક છે. અહીં આવતા લોકોને તો નવો ટેસ્ટ મળશે જ, પરંતુ કેદીઓને હાથે અહીં વાનગીઓ વેચાણમાં મુકવાના આ કન્સેપ્ટને કારણે કેદીઓને પણ પગભર થવાનો મોકો મળશે.

સુરતમાં એમ પણ લારી કલચર અને નાસ્તાની લારીઓ અને ઢાબાનું ચલણ ખુબ વધારે છે. સુરતમાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલ પર કેદીઓના હાથે બનતા ભજીયા સુરતીઓએ ભરપેટ ખાધા છે પણ હવે લાજપોરમાં પણ કેદીઓને પગભર થવાનો મોકો આ ભજીયા હાઉસ થકી મળ્યો છે. અહીં જૂનું જે હાઉસ હતું, ત્યાં બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હતી પણ હવે આ નવા ભજીયા હાઉસમાં બેસવાની યોગ્ય વ્યવસ્થાની સાથે અહીંથી અવરજવર કરતા લોકોને ભજીયા ખાવાની મજા માણવાનો મોકો પણ મળશે.

Most Popular

To Top