Charchapatra

કુદરતનો કરિશ્મા ખૂબ જ અલૌકિક છે

સમાજમાં વ્યથા-કથા કોઇ અન્ય એ ભોગવવાની નથી. આપણે જ ભોગવવાની છે. સાંપ્રત કાળમાં અનેક ઉપલબ્ધિઓ આપણી સામે હાજર છે. યંત્ર યુગનો જમાનો છે. અવનવી શોધ સંશોધન થઇ ચૂકી છે.સુખ સમૃધ્ધિની સામે હાયવોયમાં વળી ઓર વધારો થયો છે. મનુષ્ય કહેવાય છે સામાજિક પ્રાણી. અરસ પરસના સંગ વિના કયાંય રહી શકતા નથી. સૌ કોઇ ઝડપી જમાનામાં જાણે તનાવ અશાંતિમાં જિંદગી જીવે છે. જન્મ્યા ત્યારથી આપણે સુખની શોધમાં વૃધ્ધાવસ્થાના આરે પહોંચી જઇએ ત્યાં સુધી પરમ સુખની અનુભૂતિ કરી શકતા નથી. આપણને મળેલ તસ સંજોગ અને ઐશ્વર્યની હદમાં રહીને જ આપણે આપણી રીતે રહેવું જોઇએ. કુદરતે કર્માનુસાર આપેલ જે સ્થિતિ સંજોગ એ સ્વીકારીને ચાલવાની જરૂર છે. પરંતુ આપણે સહુ અસંતોષની આગમાં બળ્યા કરીએ છીએ.

સાચો રસ્તો અને ઉપાય મળતા નથી. આપણી વ્યથાની વાત એ બીજાને મન રસની કથા છે, અન્ય લોકોને તો નીંદા-કુથલી અને સાચી ખોટી પંચાયતમાં રસ છે. કવિ ઉમાશંકરની બે કાવ્ય પંકિત યાદ કરવા જેવી છે. ‘જેજે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો તેજ સમાધિ યોગ.’ સામેથી આવેલી તકનો લાભ લેવાની જરૂર છે. અન્યોને મળલ ભૌતિક સુખ સમૃધ્ધિ એમના નસીબ યોગે હશે, કયાં તો સખત પરિશ્રમનાં ફળરૂપે મળેલ હશે પરંતુ એમની જાહોજલાલી જોઇને આપણે નારાજ થવાની જરૂર નથી. આપણા નસીબે અને મહેનતે મળ્યું હશે તેજ સાચું છે. બાકી બહારો કે સપને જેવી વાત છે. કહેવત છે ને કોઇના બંગલા જોઇને આપણે આપણી ઝૂપડી તોડવાની જરૂર નથી. કુદરતનો કરિશ્મા ખૂબ જ અલૌકિક છે.
ધરમપુર- રાયસીંગ ડી. વળવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top