SURAT

સુરતમાંથી 2.17 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

સુરત: કોસાડ આવાસમાં અમરોલી પોલીસ દ્વારા એચ-૨ના શોપિંગ સેન્ટરની દુકાન નં.૨૯ તથા પાર્કિંગમાં પડેલી ઇકો કારમાં રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન કુલ રૂ.૨,૧૭,૬૦,૦૦૦ની કિંમતનું ૨.૧૭૬ કિ.ગ્રા. MD ડ્રગ્ઝ કબજે કરવામાં આવ્યું હતું. સાથે રૂ.૨,૬૮,૦૦૦ રોકડા, મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૨૫,૦૦૦ તથા ઇકો ફોર વ્હીલ કાર કિં.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૨૨,૫૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ માલ તે મુબારક અબ્બાસ બાદિયાનો હોવાની બાતમી અમરોલી પોલીસને મળી હતી. અમરોલી પોલીસ દ્વારા આ આરોપીને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જેનો ગુનાહિત ઇતિહાસ-અમરોલી પો.સ્ટે. પાર્ટ-એ. ૩૨૪, ૩૨૩, ૧૧૪ અન્વયે નોંધાયેલો છે. અમરોલી પોલીસ દ્વારા મુંબઇ ખાતે રહેતા શર્મા પાસેથી માલ લેવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. મુખ્ય આરોપી મુબારક અબ્બાસ બાદિયાનો ભાઇ મુસ્તાક એનડીપીએસમાં હાલમાં જેલમાં છે. તે જેલમાં જતાં આખું નેટવર્ક તેના નાનાભાઇ દ્વારા સંભાળી લેવામાં આવ્યું હતું. આ ઘટનાથી પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ અને તેની ટીમને ઇનામ જાહેર કરાયું છે.

એમડી શહેર પોલીસ માટે માથાનો દુખાવો બન્યો
મુંબઈના નાલા સોપારામાં ઘર ઘર હાલમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. એમડી ડ્રગ્સ પ્રમાણમાં બનાવવાનું સરળ હોવાને કારણે નાલા સોપારામાંથી હાલમાં સુરતમાં માલ સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત હાલમાં ગુજરાતમાં દબાણ વધતાં એમડીમાં કમાણી વધારે છે. તેથી સંખ્યાબંધ લોકો કમાવવામાં લાખો રૂપિયા મળી રહ્યા હોવાને કારણે એમડીની ખેપ મારી રહ્યા છે. રાતોરાત કરોડપતિ થવાની લ્હાયમાં સુરતમાં પેડલરો દ્વારા એમડી ડ્રગ્સ ઠાલવવામાં આવી રહ્યું છે.

મહિનાના સાત કિલો એમડીની જરૂરિયાત સામે બે કિલો માલ આવી રહ્યો હોવાની વાત
સુરતમાં હાલમાં પાંચથી સાત કિલો એમડીની ડિમાન્ડ છે. ટોચનાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તેઓ દ્વારા દબાણ વધારવામાં આવતાં હાલમાં એમડીનો ભાવ આસમાને છે. હાલમાં સુરતમાં દોઢથી બે કિલો માલ ઘુસાડવામાં આવતો હોવાની શંકા છે. અલબત્ત માલેતુજારો પરિવારો માટે હાલમાં અનિવાર્ય થઇ ગયેલું એમડી ડ્રગ્સ મેળવવા માટે મોં માંગી રકમ આપતા હોવાને કારણે પેડલરો પણ આંધળું રિસ્ક લઇ રહ્યા હોવાની વિગત જાણવા મળી છે.

કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી સોહેલ ગેંગ કોના ઇશારે સેફ
કોસાડ આવાસમાં સોહેલ નામનો ઇસમ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની વાત છે. તેની ક્લબ દારૂ તથા એમડીનું વેચાણ કરતી હોવાની પોલીસને ખબર હોવા છતાં તેની ઉપર દરોડા કરવામાં આવી રહ્યા નથી. ભૂતકાળમાં એવું કહેવાય છે કે, કોસાડ આવાસમાં દરોડા કરવા ગયેલી પોલીસ પર સોહેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેથી પોલીસ તેનાથી ડરતી હોવાની વાત છે.

Most Popular

To Top