Charchapatra

જે પ્રકૃતિ જીવન આપે છે તેને જ મારી નાંખશો?

જ્ઞાનવિજ્ઞાનમાં ખૂબ આગળ વધેલા માનવ પૂર્વ કાલીદાસ જેવી મૂર્ખતા આચરી રહ્યો છે, જે રીતે જે ડાળ પર બેસીને એ જ ડાળ કાલીદાસ કાપી રહ્યો હતો. પ્રકૃતિ સાથે છેડછાડ અને પ્રદૂષણોની વૃદ્ધિ મૂર્ખતા દર્શાવે છે અને અસહ્ય પરિણામો આપે છે. ચંદ્ર અને મંગળને આંબી જનાર માનવ પૃથ્વી પર મૂર્ખતાજન્ય આપત્તિઓ સર્જે છે. વિકાસને નામે વિનાશ નોતરે છે. હવા-જળનાં પ્રદૂષણોથી જાતજાતના રોગો પ્રસરે છે. અનાજ, ફળ અને ખાદ્ય વાનગીઓમાં કેમિકલયુક્ત હાનિકારક પદાર્થો શરીરમાં દાખલ કરે છે.

વૃક્ષો અને જંગલોનો સફાયો કરે છે. પહાડી પ્રદેશોમાં અનેક સુરંગો, ડેમ, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને અમર્યાદ બાંધકામો હોનારતો સર્જે છે. આધ્યાત્મિક કેન્દ્રો, ધર્મધામો, યાત્રા સ્થળો ઈષ્ટ યાચકોને અનિષ્ટ યાતના આપે છે. વિકાસ માત્ર ધનકેન્દ્રી નહીં, પણ દીર્ઘદૃષ્ટિ અને સૂઝબૂઝવાળો જ સુખી કરે. ગંદુ રાજકારણ, ભ્રષ્ટાચાર, આંધળી ગતિ તબાહી જ લાવે છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ, વિસ્તારવાદ ઘર્ષણ પેદા કરે છે, હિંસા ફેલાવે છે, નફરતી ઝનૂન પ્રસરાવે છે અને યુદ્ધો પણ થાય છે. યાદ રહે કે હવે તો અણુશસ્ત્રો, અણુબોમ્બ જેવાં વિનાશકારી સાધનો પણ અનેક દેશો ધરાવે છે.

સૌ પ્રથમ તો પ્રદૂષણ નિયંત્રણ જરૂરી છે. તેને અગ્રતા આપવી જોઈએ, તેના નિયંત્રણ વિના આમંત્રણ મળે છે આપત્તિઓને. આવી વિપત્તિ માનવમૂર્ખતાને લીધે જ ભોગવવી પડે છે. ગ્લોબલ વોર્મીંગને જોતાં જ સમજાય છે કે તાપમાનની વિષમતા તથા વર્ષાની અનિયમિતતાનાં કારણો પણ તેમાં જ રહેલાં છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભારે ગરમી કે વધુ પડતી શીત લહેર માનવમૂર્ખતા દ્વારા જ ઉદ્ભવે છે. માનવે પૃથ્વીને વિનાશકારી બનાવીને અન્ય ગ્રહો પર વસવાટ કરવા જવાનું નથી. મહાસત્તાઓની હોડ પણ થંભી જઈ કલ્યાણકારી બનવી જોઈએ. એકવીસમી સદી ચાહે છે મૂર્ખતાનો ત્યાગ અને સમજદારીપૂર્વકની આગેકૂચ. જો આ સત્ય સમજીને આચરણ થાય તો વિશ્વમાં સાચી પ્રગતિ થાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top