Business

કેટરીનાની જગ્યાએ તેની બહેન ઇસાબેલે ચાલી જશે?

કેટરીના કૈફ પરણી ગઇ એટલે શું તેની બહેન ઇસાબેલે કૈફની કારકિર્દી ઉડાન ભરશે? ફિલ્મજગતમાં આવા પ્રકારની અપેક્ષા ઊભી થતી હોય છે પણ એક બહેનને મળેલી સફળતા બીજીને ય મળશે એવી કોઇ ગેરંટી નથી હોતી. ડિમ્પલ કાપડિયા પરણી ગયેલી તો તેની બહેન સિમ્પલને ચલાવવા  પ્રયત્ન થયેલા પણ તે સિમ્પલી નિષ્ફળ ગયેલી. કાજેાલની બહેન તનિષા મુખરજી પણ સકસેસ માટે ફાંફા મારે છે. અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સિસ્ટર છે પણ બંને માપસરની જ સફળ છે. મલાઇકાની બ્યુટી અને મેરેજ અને લવસ્ટોરી વધારે ચર્ચામાં રહ્યાં છે. પ્રિયંકા ચોપરા સફળ ગઇ પણ પરિણીતી ચોપરા હજુ પ્રયત્નોમાં છે. કેટરીના કૈફ અને ઇસાબેલે કૈફમાં પહેલો મોટો ફરક સૌંદર્યનો છે.  કેટરીના શરૂમાં સફળ રહી હતી તે તેના સૌંદર્યને કારણે જ અને પછી તેણે ડાન્સમાં પોતાની કાબેલિયત સિધ્ધ કરી. એકટીંગમાં તો તે બસ ચાલે એટલી જ હતી એટલે તેને કયારેય પ્રિયંકા, કંગના, તાપસીની જેમ મુખ્ય ભૂમિકા નથી મળી.

તે મોટા સ્ટાર્સ સાથે જ ચાલી ગઇ અને સલમાને તેને પોતાના પડખે રાખી હતી તેનો ય ફાયદો હતો. ઇસાબેલે કેટરીના જેવી બ્યુટી ધરાવતી નથી. કેટરીનાની બહેન છે તો કોઇ મોટા સ્ટાર સાથે તેની કારકિર્દી શરૂ થઇ શકી હોત પણ તેની આવી રહેલી ફિલ્મ આયુષ શર્મા સાથેની ‘કવાથા’ છે. સ્વાભાવિક રીતે આ ફિલ્મ સલમાનને કારણે મળી છે ને હવે સલમાન – કેટરીના વચ્ચે સંબંધ નથી તો ઇસાબેલેની ફિલ્મ આગળ વધશે? આ પહેલાં સુરજ પંચોલી સાથે ‘ટાઇમ ટુ ડાન્સ’ માં પણ તે દેખાવાની હતી. આ ઉપરાંત પુલકિત સમ્રાટ સાથે ‘સુસ્વાગતમ ખુશામદીદ’ ફિલ્મ પણ તેને મળી છે. આ ત્રણ ફિલ્મમાં ઇસાબેલેની કારકિર્દી બનાવી શકશે? ઇસાબેલેને કરણ જોહર કે રોહિત શેટ્ટી કે આદિત્ય ચોપરાની ફિલ્મ મળી હોત તો વધારે સારી શકયતા ઊભી થઇ હોત. તેને કેટરીના કે વિકી કૌશલ ફિલ્મો અપાવી શકે એમ નથી કારણ કે એ બંને એવા નથી કે નિર્માતાઓને એવો આગ્રહ કરે. આ બધું છતાં ઇસાબેલેની પહેલી ફિલ્મ રજૂ થાય પછી જ તેની બ્યુટી અને ટેલેન્ટ વિશે કહી શકાશે.

Most Popular

To Top