Columns

જોડી કમાલ કી શ્રધ્ધા શાહની ટેપર્સ ડાન્સ સ્કૂલે ભરબપોરે પ્રેક્ષકોને કુલ કુલ કર્યા

નૃત્ય કરવું, નાચવું, માણસની મૂળભૂત પ્રકૃતિનો હિસ્સો છે. દેશ અને દુનિયામાં સેંકડો નૃત્ય પ્રકાર છે. સમયના સંગાથે નૃત્યના પ્રકારો અને નૃત્ય કરનારા બદલાયા. સાવ નવા નવા રૂપો પ્રગટ થતા રહ્યાં. ભારતમાં વર્ષોથી શાસ્ત્રીય નૃત્યની તાલીમની પરંપરા છે પણ તે સિવાયના નૃત્ય પ્રકારોની તાલીમ જૂજ અપાતી. મુંબઇમાં વેસ્ટર્ન ડાન્સ શીખવાતા થયા અને TV પર ડાન્સ પ્રોગ્રામો શો શરૂ થયા. પછી તો મોટા શહેરોમાં અનેક ડાન્સ કલાસો શરૂ થયા. યુવા પેઢીને આ ડાન્સ વિશેષ આકર્ષતા હોવાથી એનો વ્યાપ વધ્યો.

સુરતમાં પણ શ્રધ્ધા શાહની આવી જ ટેપર્સ ડાન્સ સ્કૂલ છેલ્લાં 19 વર્ષથી ચાલે છે અને એટલી જ લોકપ્રિય થઇ છે. દર વર્ષે જુદી જુદી થીમ પર નૃત્યોનો નોખો મહાકુંભ લઇને આવતી આ સ્કૂલ આ વર્ષે ‘જોડી કમાલ કી’ થીમ સાથે 150 જેટલા 4 વર્ષથી લઇને 70 વર્ષ સુધીના વેકેશન બેચમાં તૈયાર થયેલા કલાકારોએ સંજીવકુમાર ઓડિટોરિયમમાં 15મી મેના રવિવારે આગ ઝરતી બપોરને પ્રેક્ષકોની સતત વહેતી તાળીઓ સાથે કુલ કુલ અહેસાસ કરાવ્યો. RJ મિહિર પાઠક એન્કરની ધમાકેદાર એન્ટ્રીથી આ ગ્રાન્ડ ડાન્સ શોકેસ અને ફેશન શોનો પડદો ઉપડે છે. નાનાં બાળકો સ્ટેજ પર, મમ્મીઓ ફોયરમાં અને દરેક સ્ટેપ પર નાનામોટા કલાકારોએ ‘‘ઇશ્ક બીના કુછ ભી નહીં’, ‘સબકો ગલે લગાના’ સ્વાગત ગીતથી ફલેશ મોબે સૌને ખુશ કરી દીધા.

પ્રથમ કથ્થક ડાન્સ ભૈરવી આઠવલેના સંચાલનમાં તા થૈ તા થૈ થૈ સ્ટેપ સ્લો મોશનમાં પણ કોન્સનટ્રેશનથી રજૂ થયું. સંસ્કૃતિની વાત સાથે સંગીત પર લય, તાલ અને રાગને અદ્‌ભુત રીતે રજૂ કર્યો. હવે થીમ બેઝ જોડીઓની એક પછી એક જોડીઓએ રંગત જમાવી. રાધાકૃષ્ણ જોડી લેડીઝ બેચની 27થી 60ની ઉંમરની યુવતી અને મહિલાઓએ ‘વો ક્રિષ્ના હે’ રજૂ કર્યું. હસતી રાધાઓના હાવભાવ મોહિત કરી ગયા. ગોવિંદા અને કરીના કપૂરની જોડીમાં માત્ર 4 થી 6 વર્ષના 22 જેટલા બચ્ચાઓએ ‘મેં તો રસ્તે સે જા રહા થા’, 1980 થી 1990ના ગીત પર પ્રેક્ષકોને મસ્તીએ ચડાવ્યા. એન્જલ અને ડેમોન બનીને આવેલ બાળકોનો ડરામણો મેકઅપ તો પરીઓની નજાકતતા, સંગીત અને પ્રકાશની સંગાથે ડરનો અહેસાસ કરાવ્યો.

રાજારાણીની જોડીના ડ્રેસીસ અને હથિયારોએ બહાદુરી દર્શાવતા ગીત પર રજવાડી ઠાઠ બતાવ્યો. મહિલાઓના બેચે 1960થી 1980ના સમયગાળાને તાદૃશ કર્યો. ‘ઇન આંખો કી મસ્તી’ રેટ્રોએ સૌને ડોલાવ્યા. મેઘધનુષી અને કુદરતી રંગોની મહેફિલ નાના બાળકોએ સજાવી. જેની લાઇટ અને સાઉન્ડને જયોતીન્દ્ર અરબસ્તાની અને નિકુંજ મમરાવાળાનો સાથ મળ્યો. સૂટ અને સાડીના ફેશન શોમાં બાળકો ખૂબ મેચ્યોર લાગ્યા. શાહરૂખ-કાજોલ સ્પેશ્યલમાં રોમેન્ટીક જોડીના જાણીતા ગીતો ‘તુઝે દેખા તો યે જાના સનમ’ બ્લેક એન્ડ વ્હાઇટ કોસ્ચ્યુમમાં પરફેકટ એકશનથી પ્રેક્ષકો આફરીન પોકારી ઊઠયા. રણબીર-દીપિકાની જોડીમાં શ્રધ્ધા શાહ રાજ અને એની ટીમે જબરજસ્ત કોન્ફિડન્સ લેવલ બતાવ્યું. DID સુપરમોમ સ્પર્ધાની ઝલક બતાવી. ગ્રેસ રીધમ, અંગમરોડ, રીસ્કી કમ્પોઝીશન જોઇને પ્રેક્ષકો ખુશ થઇ ગયા. અક્ષય-કેટરીના, સલમાન-કેટરીનામાં 4થી 9 વર્ષના ભૂલકાઓએ ‘ટીપ ટીપ બરસતા પાની’ ગીત પર પ્રેક્ષકોને ડોલાવ્યા.

શ્રધ્ધા અને વરૂણ સાથે લોકપ્રિય ગીતોમાં પીન્ક બ્લેક પરિવેશમાં ગ્રેસફુલ ડાન્સ રજૂ થયો. જેમાં સાથી કલાકારોએ પણ બોલિવુડના સ્ક્રીન ડાન્સને ટક્કર મારે એવું પરફોર્મ કર્યું. વચ્ચે એક નાનકડા સ્ટેજ ફંકશનમાં મહાનુભાવો અને અતિથિઓનું મોમેન્ટોથી સન્માન ખૂબ જ સલુકાઇથી અને ઉમળકાથી શ્રધ્ધાએ કર્યું. પોતાની આ પેશન યાત્રા દરમિયાન કરેલો સંઘર્ષ અને ફેમિલી તરફથી મળેલ સંપૂર્ણ સહકારની વાત કરતા ઇમોશનલ બની ગઇ. વિશાલ શેખર સ્પેશ્યલની રજૂઆતમાં 34 જેટલા બોયઝ ગેંગે ઓડિયન્સમાંથી પ્રવેશ કરી ‘છમક છલ્લો’, ‘એક મેં એક તું’ જેવા રિમિક્સને ચિચિયારીઓથી પ્રેક્ષકોએ વધાવ્યો. સ્કૂલની ટ્રેનર્સ ટીમે આશા ભોંસલે અને હેલનને ‘પિયા તું અબ તો આ જા’ અને ‘ઓ હસીના ઝુલ્ફોવાલી’ ગીતોથી સ્ટેજ પર જીવંત કર્યા. ઋતિક-કરીનાની સ્પેશ્યલ રજૂઆત 10થી 20 વર્ષનાં બાળકોએ સાઈકલ સાથે એન્ટ્રી સુપરહીટ ગીતો સાથે ચુસ્ત કંપોઝીશનો મનમોહક રહ્યા. બધા જ કલાકારો વિવિધ પ્લેટફોર્મ પરથી ઓડીટોરિયમમાં શિસ્તબધ્ધ નાચતાં-કૂદતાં આવી પૂર્ણાહુતિને યાદગાર બનાવી ગયા.

માત્ર 3 વર્ષની ઉંમરથી સ્ટેજ પર પાપા પગલી માંડી 8 વર્ષની ઉંમરે તો ભરતનાટ્‌યમમાં અંગ સંસ્કાર પામનાર શ્રધ્ધા શાહ રાજ, વેસ્ટર્ન, સાલસા, હીપ હોપ, બેલે, જીમ્નાસ્ટીક, સ્વિમિંગ, કરાટેમાં કેળવાયેલી છે. રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માન મેળવી, હવે તો ઇન્ટરનેશનલ લેવલે પણ પરફોર્મ કરી ચૂકી છે. ઝી ટીવીની DID સુપરમોમ જેવી નેશનલ લેવલની ડાન્સ સ્પર્ધામાં વિજેતા બનેલ શ્રધ્ધા આગળ વધીને આઇસ ડાન્સ, એરિયલ ડાન્સ, થેરાપીક ડાન્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, પ્રિ વેડીંગ કોરિયોગ્રાફીમાં પણ પ્રાવીણ્ય મેળવી ચૂકી છે. 10 વર્ષથી તો ‘હેલ્થ, હાર્મની અને હેપ્પીનેસ’ના ધ્યેય સાથે અનેક ક્ષેત્રે કામ કરી રહી છે. આ ડાન્સ શોમાં એની કુનેહ, સર્જનશીલતા, કલ્પનાશકિત, કોસ્ચ્યુમ સિલેકશન, ગીતોની પસંદગીની ગુણવત્તા – બધું જ ઠેર ઠેર નજરે પડે છે.

પરફેકશનના આગ્રહને કારણે શ્રધ્ધા આ ઇમ્પેકટ મૂકી શકે છે. એટલે સ્વાભાવિક છે કે એના હાથ નીચે તાલીમ પામેલ દરેક કલાકારો મંચને યૌવનસહજ ચેષ્ટાઓથી છલકાવી દે! સુરતમાં શાસ્ત્રીય નૃત્ય પ્રકારોની તાલીમની સમાંતરે નવી પેઢી જે અપેક્ષે છે, તેવા આધુનિક નૃત્યપ્રકારોની તાલીમ પણ લોકપ્રિય બની છે. આ કાર્યક્રમ નૃત્યની આધુનિક છટા, જોશ અને કોરિયોગ્રાફીને કારણે ખાસ બની ગયો હતો.
– પ્રવીણ સરાધીઆ

Most Popular

To Top