Columns

કુલ્ફીના પડકારો

માણસ પોતાની પહોંચ બહારના પડકારો વિશેની ચિંતા કરવામાં ઘણી વાર એટલો ડૂબી જાય છે કે આંખ સામેના કાયમી પડકારો ભૂલી જાય છે. મસ્જિદ ખોદતાં શું નીકળ્યું? દેશના અર્થતંત્રનું શું થશે? અદાણીની સંપત્તિમાં કેટલા અબજ રૂપિયાનો વધારો થયો? આવી ચિંતા કરનારને તમે પૂછો કે ખાવા માટે હાથમાં લીધેલી કુલ્ફી ઓગળી ન જાય અને તેનાં ટપકાં ન પડે તે માટે તમે કશું વિચાર્યું છે? તો જવાબમાં તે એવી રીતે તાકી રહેશે કે જાણે પૂછનારે તેમની કલ્પિત શાનમાં પંક્ચર પાડ્યું હોય.

વિચારવંત માણસને સવાલ એ થવો જોઈએ કે કુલ્ફી ટપકવાની શરૂ થઈ જાય તે પહેલાં જે કુલ્ફીને ન્યાય આપી શકતો નથી તે બીજું કયું કામ ઢંગથી પૂરું કરશે? આવી ત્રિરાશિથી ઘણાને વાંધો પડશે. તેમને લાગશે કે લાકડે માંકડું બેસાડ્યું છે પણ હવે લાકડે માંકડું રાષ્ટ્રીય વાસ્તવિકતા હોય તો તેને નાગરિક ચેતના જેવા વિષયોમાં પણ કેમ ન લાગુ પાડવી? શક્ય છે કે કુલ્ફી વ્યવસ્થિત રીતે ખાવાની બાબતને નાગરિક ચેતના સાથે સાંકળવાથી ઘણાની લાગણી દુભાય પણ અત્યારે તો કુલ્ફી ખાવા માત્રથી લાગણી દુભાય એવા ઉત્સાહીઓ મોજૂદ છે. તેમને એટલું જ કહેવાનું કે કુલ્ફી ભારતમાં મુસલમાનોએ પ્રચલિત કરી હતી.

કુલ્ફીની મઝા એ હોય છે કે તે બરફગોળાની જેમ ચૂસીને, આઇસક્રીમની જેમ મમળાવીને અને ફળની જેમ બટકું ભરીને એમ ત્રણ રીતના વિવેકપૂર્ણ સંયોજનથી ખાવી પડે. એ ન ફાવે તે અણઘડ ગણાઈ જાય. ‘આવડો મોટો થયો ને હજુ કુલ્ફી ખાતાં નથી આવડતું. જુઓને, ચૂસચૂસ જ કરે છે, બટકાં ભરભર કરે છે, મોઢામાં તો રાખતો જ નથી. સીધી ગળી જાય છે’ – એવી વિવિધ ટીકાઓ ખાનારના ભાગે આવે અને જો ખાનાર શરમવાળો હોય તો કુલ્ફીની જેમ ઓગળી જાય.

છેલ્લા ઘણા સમયથી કેન્ડી કે કુલ્ફી પ્લાસ્ટિકના રેપરમાં આવે છે. ઠંડાગાર રેપરને હાથમાં પકડતી વખતે કુલ્ફીને બદલે પડકાર ઝીલવાનું બીડું લીધું હોય એવો અહેસાસ ઘણાને થાય છે. કેમ કે, આ દુનિયામાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છે – જેમને કોઈ પણ રેપર સરસ રીતે ખોલતાં આવડે છે તે અને જે કોઈ પણ રેપર ખોલવામાં અટવાઈ જાય છે તે. કુલ્ફી ફ્રિજની અંદર હોય ત્યાં સુધી તે વેચનારનો પ્રોબ્લેમ હોય છે પણ એક વાર તેનું હસ્તાંતરણ થયા પછી વીતતી દરેક ક્ષણે કુલ્ફી તેના ખરીદનારની જવાબદારી બને છે. રેપર સાથે સારા સંબંધ ન ધરાવતા લોકો સૌથી પહેલાં રેપરમાં કુલ્ફીની ટોચ કઈ તરફ છે અને ચપટી સ્ટીક કઈ તરફ તે તપાસવાનો પ્રયત્ન કરે છે. તે કામમાં નજાકતની જરૂર હોય છે. સહેજ વધારે જોર અપાઈ જાય તો કુલ્ફીનો અગ્રભાગ નાજુક અવસ્થામાં સરકી જાય છે અને કેટલાક પુલોની જેમ કુલ્ફીનું અનાવરણ થતા પહેલાં જ તેની ભગ્નાવસ્થાનો આરંભ થઈ જાય છે.

કુલ્ફીના રેપરને ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે અનાવરણ માટે પેક થયેલાં ઘણાં પુસ્તકોની સરખામણીમાં કુલ્ફીનું આવરણ પ્રમાણમાં ઓછું અઘરું હોય છે. તેમાં બીજો માનસિક ફાયદો એ હોય છે કે કુલ્ફી ઉપરનું રેપર મંચ પર ઊભા રહીને દૂર કરવાનું હોતું નથી એટલે કંઈક અઘટિત બને તો થોડા લોકો સમક્ષ આબરૂ જવાની સંભાવના રહે છે. જો કે ક્યારેક 500 અજાણ્યા આગળ સીન થાય તેના કરતાં 5 જાણીતા સમક્ષ ધજાગરો થાય તેની બીક વધારે રહે છે. એટલે ચેતતા અને સદા સુખી રહેતા લોકો એકલી કુલ્ફીને પાણિમાં ગ્રહણ કરતા નથી. સાથે ડીશ કે રકાબીનો આગ્રહ તે રાખે છે.

રેપર તો કોઈ પરોપકારી સહખાયક (ગાનાર ગાયક તેમ ખાનાર ‘ખાયક’) ખોલી આપે. ત્યાર પછી પણ ‘કહીં દાગ ન લગ જાયે’ એવી રીતે કુલ્ફી પૂરી કરવાની જવાબદારી ખાનાર પર આવી પડે છે. તે ઘડીભર કુલ્ફી સામે જોઈને વ્યૂહરચના વિચારે છે. પછી તેને યાદ આવે છે કે વિચારવામાં થોડી વધુ વાર થશે તો વ્યૂહરચના અમલમાં મૂકતાં પહેલાં કુલ્ફી ઓગળી જશે એટલે તે ઉપરથી અને બાજુ પરથી મોટા બટકા ભરવાનું શરૂ કરે છે. પરંતુ ઠંડી કુલ્ફીને બટકા ભરીને ખતમ કરવાનું સહેલું નથી. એ પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે વિરામ લેવો પડે. તે દરમિયાન કુલ્ફીનું ઉપરનું ચોકલેટી આવરણ અથવા તેનો નીચેનો ભાગ ઓગળતાં રહે છે.

થોડા સમય પછી પીગળું – પીગળું કરતી કુલ્ફીમાંથી પહેલું ટપકું પડે ત્યારે ખાનારને વિચાર આવે છે, ‘’અરેરે, ગ્લોબલ વોર્મિંગની અસર એન્ટાર્કટિકાના બરફથી લઈને મારા ચોકોબાર સુધી પહોંચી ગઈ?’ પછી તેને સમજાય છે કે ગ્લોબલ વોર્મિંગ પર તેનો કાબૂ ભલે ન હોય. કુલ્ફીનું વોર્મિંગ અટકાવવાનું તેના માથે છે. તે મરણિયા પ્રયાસો આદરીને ઓગળતી કુલ્ફી ચૂસીને, કઠણ કુલ્ફીને બટકાં ભરીને, સ્વાદ માણવાને બદલે સુખરૂપ કુલ્ફી પતાવવાના પ્રયાસ આદરે છે. આખરે આમતેમ થોડાં ટપકાં પાડીને ભલું હોય તો શર્ટને છાંટણાં કરીને ખાનારના હાથ બગાડીને કુલ્ફી પૂરી થાય છે. ત્યારે ખાનાર મનોમન પ્રતિજ્ઞા લે છે કે હવે ફરી કુલ્ફીને હાથ નહીં અડાડું. પણ બીજી વાર કુલ્ફી સામે આવતાં, મેનકાવિશ્વામિત્ર ન્યાયે તે ચળી જાય છે અને ભારતની ભવ્ય પૌરાણિક પરંપરામાં પોતાનું નામ ઉમેરીને ધન્યતા અનુભવે છે.

Most Popular

To Top