Columns

પીધું ને પીવરાવ્યું એમાં પકડાયા….!

અપરાધી જો શાણો હોય તો અમુક ગુના લાંબો સમય સુધી ન ઉકેલાય. ક્યારેક ધાર્યું ન હોય તેમ અચાનક ગુનેગાર સપડાઈ પણ જાય તો કેટલાક ગુના વખતે અપરાધીની નાની સરખી એવી ચૂક જો ચબરાક પોલીસવાળાની નજરે ચઢી જાય તો પત્યું. તમે ઘણી વાર છાપાંમાં વાંચ્યું પણ હશે કે કોઈ સ્થળેથી અજાણી લાશ મળી. એના શરીર કે આસપાસ એવી કોઈ નિશાની ન મળી કે લાશ કોની છે એની ઓળખ મળે.અચાનક કેસ ઉકેલાય પણ જાય…માર્યા ગયેલાના શર્ટ કે પેન્ટ પરથી લોન્ડ્રીવાળાનું ચિહ્ન મળી આવે,જેના આધારે પોલીસ મરનારના ઘેરથી લઈને એને મારનાર સુધી પહોંચી જાય. અમુક વાર તો શબની બાજુમાં પડેલાં સિગારેટનાં ઠૂંઠાં કે એનું ખાલી પાકિટ સુદ્ધાં પોલીસને ગુનેગાર સુધી દોરી જાય.. ગયે પખવાડિયે ઉત્તર પ્રદેશના મૈરુત શહેરમાં એક વ્યક્તિનું શબ મળ્યું. સિટીની છેવાડે આવેલી કેરીની વાડીમાંથી એક લાશ મળી. એ શબની ઓળખ તો થઈ ગઈ. એ કોઈ ૪૫ વર્ષી ઈક્લાસ શફી નામનો ઈસમ હતો. કોઈએ પાછળથી એની ખોપરીમાં ગોળી મારીને હત્યા કરી હતી.

પોલીસ ટીમે એ વિસ્તારની તપાસ કરી. શબની આજુબાજુ ન કોઈ નિશાની મળી કે ન હત્યારાના કોઈ સુરાગ મળ્યા. બે- ત્રણ દિવસ બાદ, ઘટનાસ્થળે ફરી તલસ્પર્શી તપાસ આદરી તો થોડે દૂર જલદી નજરે ન ચઢે તેમ બિયરના બે ખાલી કેન મળ્યાં. ચબરાક પોલીસ ટીમે એ ખાલી ડબ્બા પરનાં ‘બારકોડ’ ચિહ્ન પરથી એ બિયરના કેન્સ જ્યાંથી ખરીદવામાં આવ્યા હતા એ વાઈન શૉપ શોધી કાઢી. એ દુકાને દારૂ ખરીદનારા ગ્રાહકોના CC TV ફૂટેજ ચેક કરવામાં આવ્યા . છેલ્લા 8-10 દિવસની આવી ક્લિપ્સમાંથી જાણવા મળ્યું કે એક યુવાન અહીંથી નિયમિત બિયરનાં કેન્સ ખરીદતો હતો. એની વર્તણૂક પોલીસને શંકાસ્પદ લાગી. થોડા દિવસ એની હિલચાલ નિહાળી પછી પોલીસે એને ઘેર્યો. કડક ઊલટતપાસમાં પેલો યુવાન ભાંગી પડ્યો. એણે કબૂલાત કરી લીધી કે કોઈ સ્ત્રીને લઈને વેર બંધાતા એણે જ ઈક્લાસ શફીનું ખૂન કર્યું હતું…!

આ કિસ્સો પણ જાણવા જેવો છે. અપરાધ આમ તો થોડાં વર્ષ પૂર્વે થયો હતો પણ અપરાધીને કોર્ટે ગયા અઠવાડિયે જ સજા ફટકારી એટલે મુંબઈ પોલીસે બળાત્કારનો એ કેસ કઈ રીતે ઉકેલ્યો એ રસપ્રદ છે. થોડાં વર્ષ પહેલાં એક હૉસ્પિટલમાં પોતાની સાથે કામ કરતી એક મહિલાને વધુ સારા પગારે જોબ અપાવી દેવાની લાલચ આપીને આરોપીએ એક વાર પેલી મહિલાને પોતાને ત્યાં બોલાવી. પછી કશું ભેળવીને આપેલું ઠંડું પીણું પીને મહિલા બેશુદ્ધ થઈ ગઈ એટલે આરોપીએ એના પર બળાત્કાર કરીને એનો વીડિયો રેકૉર્ડ કરી લીધો. પાછળથી આ વીડિયો દ્વારા પેલી મહિલાને એ બ્લેકમેલ કરવા લાગ્યો.

બળાત્કાર કરતી વખતે પોતાનો ચહેરો પેલાએ બહુ સિફતપૂર્વક ઢાંકી રાખ્યો હોવાથી વીડિયોમાં એની ઓળખ છાની રહેતી હતી…બળાત્કારી- બ્લેકમેલરનો ત્રાસ વધવા માંડ્યો પછી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પેલાની ધરપકડ થઈ. કેસ ચાલ્યો,પણ બળાત્કારી એ જ છે તેવું કોર્ટમાં પુરવાર કરવું અઘરું હતું . કેસ લંબાતો ગયો. આખરે હમણાં કોર્ટે પેલાને બળાત્કારના આરોપસર દોષિત ઠેરવી એને 15 વર્ષની સજા ફટકારી કારણ કે વારંવાર પેલા વીડિયોનું નિરીક્ષણ કરીને પોલીસે કોર્ટમાં પુરવાર કરી દીધું કે આરોપીનો ચહેરો ઢંકાયેલો હતો પરંતુ બળાત્કાર વખતે એના અંગૂઠા પરનું ચિતરામણ એટલે કે જે ટેટુ છે એ વીડિયોમાં સ્પષ્ટ નજરે ચઢે છે!

લઈ લો, આ પોણા બે લાખની જોબ !
લંડનની એક જાણીતી સેવાભાવી સંસ્થાને એક ખાસ પ્રકારના જોબ માટે કોઈ યુવાન કે યુવતીની જરૂર છે. આ માટે આપેલી જાહેરખબરમાં કહેવામાં આવ્યું છે કે જોબ માટે જે ચૂંટાય એણે 7 મહિના લંડનના એક મ્યુઝિયમમાં આસિસ્ટન્ટ કલાર્કની કામગીરી બજાવવી પડશે. યોગ્યતા મુજબ પગારરૂપે વધુમાં વધુ મહિને 1800 પાઉન્ડ (આશરે 1 લાખ 72 હજાર રૂપિયા) મળશે. અને હા, વર્ષના બાકીના 5 મહિના પગારદારે એન્ટાર્ટિકાના ઠંડાગાર હીમપ્રદેશમાં ફરીને પેંગ્વિન પક્ષી તથા એ જે ઈંડાં મૂકે એની ગણતરી કરવી પડશે…! આવા જોબ માટે અત્યાર સુધી કેટલી અરજીઓ આવી એના છેલ્લા સમાચાર ‘ઈશિતા’સુધી હજુ પહોંચ્યા નથી… થાય છે તમને ઈચ્છા?!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
આપણા બધાની સામાન્ય માન્યતા એવી છે કે કોકોકોલા જેવું વિખ્યાત કોલ્ડ ડ્રિન્ક તો દુનિયાના કોઈ પણ છેડે તમે માગો ત્યાં પીવા મળે. જો કે, બે દેશ એવા છે ,જ્યાં આજે કોકોકોલાનું અસ્તિત્ત્વ જ નથી. અમેરિકા સાથેના વેપાર કરારમાં કંઈ વાંકું પડતા ઉત્તર કોરિયામાં છેક 1950થી અને ક્યુબામાં 1962થી આ પીણાં પર પ્રતિબંધ છે. કેટ માને બિલ્લી એટલે કે બિલાડીના બન્ને નાના કુમળા કાનમાં 32 -32 જેટલા મસલ્સ એટલે કે સ્નાયુ હોય છે…
ઈશિતાની એલચી *
જગતની સૌથી અકસીર દવા સ્મિત છે. સૌથી શ્રેષ્ઠ શસ્ત્ર ધીરજ છે. સૌથી શ્રેષ્ઠ સંપત્તિ મિત્રતા છે ને આનંદો, આ બધું જ સાવ ફ્રી-મફતમાં મળે છે!!

Most Popular

To Top