Entertainment

રણવીર સિંહની ‘જયેશભાઇ જોરદાર’ એક કમજોર ફિલ્મ છે!

શું રણવીર સિંહમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાની સમજ ઓછી થઇ ગઇ છે? જાહેરાતોમાં વધુ દેખાતા રણવીર સિંહની નવી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ની જબરદસ્ત ટીકા થયા પછી આ પ્રશ્ન વધારે એટલા માટે થાય છે કે તેણે સ્ક્રીપ્ટ સાંભળીને કારકિર્દીમાં પહેલી વખત તરત જ હા પાડી દીધી હોવાની વાત કરી હતી. જાણીતા ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે લાંબા સમય પછી કોઇ ફિલ્મને માત્ર દોઢ સ્ટાર આપીને નબળી ગણાવી છે. કોમલ નાહટાએ તો હાસ્યાસ્પદ વાર્તાવાળી ફિલ્મ ગણાવી છે. સૌ રણવીર સિંહના અભિનયના ભરપૂર વખાણ કરી રહ્યા છે અને એ કારણે જ નિર્દેશક દિવ્યાંગ ઠક્કરની આ ફિલ્મની થોડી લાજ બચી છે. બાકી દરેક બાબતે કમજોર આ ફિલ્મ કરીને રણવીરે પોતાની કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું છે. એ વાત કોઇ પણ સ્વીકારશે કે રણવીરસિંહ એક અભિનેતા તરીકે જોરદાર છે.

નવાઇની વાત એ છે કે પહેલાં ફિલ્મનું નામ ‘એક્શન હીરો’ હતું! એટલે જ ફિલ્મમાં તેની પુત્રી બનતી છોકરીનો ‘આપ મેરે હીરો હો, અબ આપકો એક્શન હીરો બનના પડેગા’ સંવાદ છે. આજકાલની VFX સાથેની એક્શન ફિલ્મ જેવું એમાં કંઇ ન હોવાથી વાર્તા સાથે બંધબેસતું ન જણાતા પાછળથી તેના પાત્ર પર નામ રાખવામાં આવ્યું હતું. રૂ. 60 કરોડના ખર્ચે બનેલી ફિલ્મને પહેલા દિવસે માત્ર રૂ. 3.25 કરોડનો વકરો થયો છે. એને સારી સાબિત કરવા અમિતાભ – અજયની ‘રનવે 34’ થી વધુ ઓપનિંગ મળ્યું હોવાની વાત થઇ રહી છે. ખરેખર તો પહેલા દિવસે રૂ. 24 કરોડનો આવકાર મેળવનારી તેની જ ફિલ્મ ‘83’ સાથે સરખામણી થવી જોઇએ. એ ફિલ્મ આખરે તો ફ્લોપ જ રહી હતી.

નિર્દેશક અનેક બાબતે માર ખાઇ ગયા છે. તેમનો ગુજરાતી ફિલ્મોનો અનુભવ બોલિવૂડમાં કોઇ કામ આવ્યો લાગતો નથી. ફિલ્મનું મજેદાર ટ્રેલર જોઇને થિયેટર સુધી પહોંચનારા દર્શકોને એમાં જોયા સિવાય કંઇ નવું મળતું નથી. ફિલ્મ OTTને લાયક પણ ન હોવાનો મત વ્યક્ત થયો છે. ટ્રેલર પરથી જોરદાર મનોરંજન આપનારી ફિલ્મ હોવાની આશા અને અપેક્ષા પૂરી થઇ નથી. કેટલીક વાતો વધુ પડતી બાલિશ રાખવામાં આવી છે. એમાં ચુંબનની જે વ્યાખ્યા કરવામાં આવી છે એના પરથી જ અંદાજ આવી જાય છે. દર્શકોને વિચાર કરવા મજબૂર કરી શકાય એવો કોઇ તર્ક નિર્દેશક આપી શક્યા નથી. આજના જમાનામાં પણ છોકરા અને છોકરી વચ્ચેના ભેદભાવની વાર્તા હજમ કરવાનું મુશ્કેલ છે.

રણવીર સિંહ આખી ફિલ્મમાં પાગલની જેમ ભાગતો જ રહે છે. તેનામાં પરિવારને કંઇ કહેવાની હિંમત નથી પણ ભાગવાની કેવી રીત છે એ સમજાતું નથી. અનેક દ્રશ્યોમાં કોમેડીનો પ્રયાસ નિષ્ફળ રહે છે. આખી ફિલ્મમાંથી એક – બે સારા સંવાદ શોધવાનું મુશ્કેલ છે. નબળી સ્ક્રીપ્ટને કારણે કલાકારોને પોતાની પ્રતિભા બતાવવાની સરખી તક મળી નથી. પત્નીની ભૂમિકામાં શાલિની પાંડે હીરોઇન જેવી લાગતી ન હોવાથી તેની પસંદગી ઠીક ગણવામાં આવી છે. બોમન ઇરાનીએ પોતાને સોંપવામાં આવેલી ભૂમિકાને સહજ રીતે ભજવી છે, છતાં આજકાલ આવા માણસો જોવા મળતા ન હોવાથી દર્શકોને એમના પર ગુસ્સો આવી શકે છે. પુનિત ઇસ્સર, રત્ના શાહ, જિયા વૈદ્ય વગેરે પણ પોતાના પાત્રને નિભાવી જાય છે.

રણવીરે આખી ફિલ્મ પોતાના ખભા પર ઊંચકી છે. પહેલા અડધા કલાકની ફિલ્મ નિર્દેશકને કારણે અને બાકીની માત્ર રણવીરને કારણે જ જોવી હોય તો જોઇ શકાય એમ છે. રણવીર સિંહ એક અભિનેતા તરીકે કંઇ જ ચૂકી ગયો નથી. તે હંમેશની જેમ પાત્રમાં ઘૂસી ગયો છે. તેણે ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો હોવા છતાં એવો પ્રશ્ન મનમાં જરૂર થશે કે તે આવી ફિલ્મો કેમ કરી રહ્યો છે? ફિલ્મના પ્રચારમાં રણવીરે બહુરૂપિયાની જેમ કાર્યક્રમોમાં હાજરી આપી હોવાથી તેના કટ્ટર દર્શકોમાં પણ ઉત્સુક્તા ઊભી થઇ શકી ન હતી. વળી નામ જ ‘જયેશભાઇ’ છે. ગુજરાતી ફ્લેવર ખાસ નથી. કોઇ બમ્બઇયા ફિલ્મ જ લાગે છે. પહેલા વાર્તાને ખેંચવામાં આવી છે.

પછી અંત લાવવામાં ઉતાવળ કરી દીધી છે. બે કલાકની ફિલ્મના અંતને લાંબો રાખ્યો હોત તો વાંધો આવે એમ ન હતો. બીજા ભાગમાં વાર્તા પોતાની વિશ્વસનીયતા ગુમાવી દે છે. ‘જયેશભાઇ જોરદાર’ જેવી નિરાશાજનક ફિલ્મ પછી ‘યશરાજ ફિલ્મ્સ’ની સર્જક ટીમ પર પ્રશ્ન ચિન્હ લાગી રહ્યા છે. 50 વર્ષની હમણાં ઉજવણી કરનારી ‘યશરાજ ફિલ્મ્સ’ આવી ફિલ્મોથી નવી પેઢીને કોઇ આશા જગાવતી નથી. આ બેનરની છેલ્લી કઇ ફિલ્મને થિયેટરમાં જોવાનો ઉત્સાહ દર્શકોને આવ્યો હતો એ યાદ કરવાનું મુશ્કેલ બની ગયું છે. લોકપ્રિય સંગીત માટે જાણીતા રહેલા બેનરની આ ફિલ્મના ગીતો નિરાશ જ કરે છે. ‘ફાયર ક્રેકર’ સિવાયના બધાં જ ગીતો હવાયેલા લાગે છે.

Most Popular

To Top