Sports

એન્ડ્રુ સાયમન્ડ્સની સ્ટાઇલ આવનારા સમયનાં ક્રિકેટની હતી

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સનું હાલમાં જ એક કાર અકસ્માતમાં નિધન થયું હતું. સાયમન્ડ્સ એક એવો ખેલાડી હતો કે જેના માટે એવું કહી શકાય કે તે ક્રિકેટની રમતમાં સમય કરતાં વહેલો આવ્યો હતો, અથવા તો એમ કહી શકાય કે ભવિષ્યમાંથી આવેલો ખેલાડી હતો. તેને જેણે પણ રમતો જોયો હશે તે એ જાણતા જ હશે કે સાયમન્ડ્સ અન્ય લોકો કરતાં અલગ રીતે ફિલ્ડિંગ કરતો હતો. તે ઇનર સર્કલનો અલગ પ્રકારનો ફિલ્ડર હતો, જાણે કે કોઇ અન્ય વિશ્વમાંથી એથ્લેટિક્સની ભેટ લઇને તે અવતર્યો હોય તેવું લાગતું હતું. રમતમાં તેની કારકિર્દીના અંત સમયે તેણે માઇકને અપનાવ્યું હતું અને તેણે લોકોને તેની પદ્ધતિઓ જાણે કે શીખવવાની નેમ લીધી હોય તેવું લાગતું હતું. લોકોએ એવું જોયું કે સર્કલની અંદરના ફિલ્ડર્સમાં કેવી રીતે તેનું મન, શરીર અને ઈચ્છા વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક તેને બનાવી ગયા હતા.

પહેલી વાત તો એ હતી કે તે એવું માનતો હતો કે તે આ રમતમાં પોતાની જાતને કેટલો વ્યસ્ત રાખી શકે છે અને તેથી જ મોટાભાગે બોલ તેની આસપાસ જ ફરકતો રહેતો હતો. તેની પાસે એવી ટેક્નિકલ અને ફિઝિકલ ગિફ્ટ હતી કે જાણે કે ફિલ્ડીંગમાં તે એક અલગ પ્રકારનો ખેલાડી જણાતો હતો. કેટલાક ખેલાડીઓ એવા પણ થઇ ગયા છે કે તેઓ એવું નથી ઇચ્છતા કે ફિલ્ડીંગ દરમિયાન બોલ તેમની તરફ આવે, જ્યારે સાયમન્ડ્સ સતત એવું ઇચ્છતો હતો કે બોલ તેની પાસે જ આવે. બીજંુ તેની પાસે ફિઝિકલ પાવર હતો.

તે એટલી ઝડપથી દિશા બદલી શકતો હતો કે જાણે તેના માટે એ સાવ સરળ કામ હોય. તે મેદાનમાં એક તરફથી બીજી તરફ તીવ્રતાથી ફરી વળતો હતો અને તે પછી રોકેટની સ્પીડે તે થ્રો કરતો હતો. ઓસ્ટ્રેલિયાએ અમેરિકન બેઝબોલ કોચ માઇક યંગને જ્યારે પોતાનો ફિલ્ડીંગ સ્પેશ્યાલિસ્ટ બનાવ્યો ત્યારે એન્ડ્રુ સાયમન્ડ્સ સાથેની તેની જોડી ફિલ્ડીંગના લેવલને અલગ જ સ્તરે લઇ ગઇ હતી. તે પછીનાં વર્ષો સુધી જ્યારે પણ સાયમન્ડ્સ ફિલ્ડીંગ અંગે વાત કરતો ત્યારે તેમાં માઇક યંગનું નામ અચૂક આવતું હતું. તે પછી આવે છે તેનું મન. તે બેટ્સમેનની બેટ પર ધ્યાન રાખતો હતો અને તેની બેટ કઇ તરફ છે તે તરફ ધ્યાન આપીને એ સમજી જતો હતો કે બેટ્સમેન કયા ક્ષેત્રમાંથી રન ચોરવા માગે છે. તેની આ કાબેલિયતે તેને માસ્ટરક્લાસ ફિલ્ડર બનાવ્યો હતો. સાયમન્ડ્સ બોલર અને બેટ્સમેનના સંયોગને જાણે કે વાંચી જતો હોય તેમ તે રન રોકતો હતો.

આ તો વાત થઇ તેની ફિલ્ડીંગની પણ એક બેટ્સમેન તરીકે તેણે કરેલા મોટા ટેક્નિકલ ફેરફારોમાંનો એક એ હતો કે દરેક બોલને પોતાની પુરી તાકાતથી જોશભેર ફટકારવાનો પ્રયાસ બંધ કરવો. તેનો તર્ક એ હતો કે બોલને કુદરતી રીતે ખૂબ જ સખત મારવો અને બોલને બેટની વચ્ચે લઇને ત્રણ-ક્વાર્ટર પાવરથી ફેરવવાથી બોલ કોઈ પણ રીતે બાઉન્ડ્રી બહાર જઇ શકે છે.. સાયમન્ડ્સ રમ્યો ત્યારે વન ડે ક્રિકેટના યુગમાં લોકોની એવરેજ સ્ટ્રાઈક રેટ 74 હતી અને દર 109 બોલમાં એક છગ્ગો ફટકારાતો હતો, જેની સામે સાયમન્ડ્સની સ્ટ્રાઈક રેટ 92.5  રહી હતી અને તેણે દર 53 બોલમાં એક સિક્સર ફટકારી હતી. વન ડે ક્રિકેટ તે પછી ઘણું ઝડપી બન્યું તે પહેલાં નિવૃત્તિ લેવા છતાં, સાયમન્ડ્સ આજે પણ 5000 થી વધુ રન બનાવનારાઓમાં 11મી શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ ધરાવે છે.

એક ઓલરાઉન્ડર તરીકેની સાયમન્ડ્સની ઉપયોગિતાને કોઇ અવગણી શકે તેમ નથી. આમ તો જો કે તે પેસ અને સ્પિન બોલિંગ કરનાર પ્રથમ ઓલરાઉન્ડર ન હતો, પરંતુ તે કદાચ થોડી વધુ વ્યૂહાત્મક રીતે આ પ્રકારની બોલીંગ કરનારા સૌથી પહેલા ખેલાડીઓમાંનો એક હતો. સાયમન્ડ્સની ઑફ સ્પિન બોલીંગ ક્લબ ક્રિકેટમાં તમને જોવા મળતા પાર્ટ-ટાઈમર્સ જેવી હતી. એક શક્તિશાળી હાથમાંથી બોલ ફેંકાતો હતો અને તે માત્ર સ્પીન બોલીંગની વાત નથી પણ તેમાં એક ચોકસાઈ અને બુદ્ધિથી કરાતી બોલીંગની વાત હતી. તે જ્યારે બોલીંગ કરતો ત્યારે લાગતું કે તેના બોલે બાઉન્ડ્રી મારવી સૌથી મુશ્કેલ છે. તેની મીડિયમ પેસ બોલીંગમાં બોલ થોડો હલનચલન કરતો હતો અને ક્યારેક-ક્યારેક તેનો બોલ અન્ય કરતાં થોડો વધુ બહાર નીકળતો હતો.

ઑસ્ટ્રેલિયા માટે વન ડેમાં પૂર્ણ-સમયનો પાંચમો બોલર તે બન્યો નહોતો અને ઓસ્ટ્રેલિયન ટીમે મોટાભાગે પાંચમા બોલર તરીકેની 10 ઓવરનો ક્વોટા તેની અને ડેરેન લેહમેન અથવા માઈકલ ક્લાર્ક વચ્ચે વિભાજિત કરતા હતા, જો કે આમ છતાં પણ સાયમન્ડ્સે  133 વિકેટો લીધી હતી. 2016 સુધીમાં, જ્યારે T20 એ ક્રિકેટની રમત બદલી નાખી હતી, ત્યારે ઘણા કોચે ઓલરાઉન્ડર શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. તેના બદલે, તેઓએ બેઝબોલમાંથી જે રીતે ખેલાડીને ટુ અથવા થ્રી ટૂલ પ્લેયર તરીકે ઉલ્લેખવામાં આવે છે તે રીતે બેટ, બોલ અને ફિલ્ડ એમ ત્રણ કળામાં માહેર હોય તે રીતે ખેલાડીઓને ઉલ્લેખવા માંડ્યા હતા. સાયમન્ડ્સ જો કે થ્રી ટૂલ પ્લેયર કરતાં પણ આગળ હતો, તેને કદાચ તમે ફોર ટૂલ પ્લેયર કહી શકો કે જે બેટ, ઓફ સ્પિન બોલ,  મીડિયમ પેસ બોલ અને ફિલ્ડ જેવા કૌશલ્ય ધરાવતો હતો.

Most Popular

To Top