Entertainment

‘જયસુખ ઝડપાયો’ના દિગ્દર્શક ધર્મેશ મહેતા કહે છે જહોની લિવરને ગુજરાતી ફિલ્મમાં જોઇ પ્રેક્ષકો ખુશ થઇ જશે

ગુજરાતી પ્રેક્ષકો માણી શકે એવો ગુજરાતી ફિલ્મો હમણાં સતત રજૂ થઇ રહી છે. ધર્મેશ મહેતા કે જેમણે અગાઉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ અને બીજી કેટલીક ટી.વી. સિરીયલોનું અને ‘યમરાજ કોલિંગ્સ’ વેબ સિરીઝનું દિગ્દર્શન કરેલું તેમની ત્રીજી ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ રજૂ થઇ રહી છે. તેમાં જહોની લિવર જેવા અભિનેતા મહત્વની કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ધર્મેશ મહેતા અગાઉ ‘ચીલ ઝડપ’ ને ‘પપ્પા તમને નહીં સમજાય’ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે અને ચોથી ફિલ્મ પણ થોડા મહિનામાં રજૂ થશે ત્યારે તેમની આવી રહેલી ‘જયસુખ ઝડપાયો’ ફિલ્મ નિમિત્તે એ ફિલ્મની અને ગુજરાતી ફિલ્મ જગતની મહત્વની વાતો કરે છે. વાંચો.

હમણાં એક પછી એક ગુજરાતી ફિલ્મો રજૂ થઇ રહી છે અને તેમાં ‘જયસુખ ઝડપાયો’ પણ આવશે. આ તમારી ત્રીજી ફિલ્મ છે. ‘ચીલઝડપ’ માં રહસ્યનું તત્વ હતું. ‘પપ્પા તમને નહીં સમજાય’ માં પેઢીની વાત હતી અને હવે આ ફિલ્મ. આમાં પ્રેક્ષકો માટે શું માણવા જેવું છે.
ધર્મેશ મહેતા : કોરોનાનો એકદમ તાણભર્યો સમય વીત્યો છે અને હવે મુકત રીતે હસવું જરૂરી છે. હસવાનું ચુકી જઇએ તો કેમ ચાલે? ‘જયસુખ ઝડપાયો’ તેના પ્રેક્ષકને બે – અઢી કલાક મુકત રીતે હસાવશે. આ ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે જહોની લિવર જેવા મહાન કોમેડિયન ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર ખુબ મોટું પાત્ર ભજવે છે. આપી ભાષા બોલે છે જે આપણને ગૌરવ અપાવે એવી વાત છે. બીજી કેટલીક મહત્વની વાત તે એ કે સંજય છેલે પહેલીવાર ગુજરાતી ફિલ્મ માટે સંવાદ લખ્યા છે. ત્રીજી વાત એ કે આ ફિલ્મનું ઘણું શૂટિંગ કાશ્મીરમાં થયું છે. ગુજરાતી ફિલ્મોમાં કાશ્મીર હોવું સહુને ખુશ કરશે. ચોથી વાત એ કે સુખવીંદરે આ ફિલ્મ માટે ગુજરાતી ગીત ગાયું છે.

તમે હિન્દીમાં ટી.વી. સિરીયલોનું દિગ્દર્શન કરી ચૂકયા છે પણ ફિલ્મો તમે ગુજરાતીમાં જ બનાવો છો. ગુજરાતી ફિલ્મો સાઉથ કે બંગાળ કે મરાઠી ફિલ્મો જેવી પરંપરા ધરાવતી નથી. ત્યાં ફિલ્મો ખૂબ બને છે અને પ્રેક્ષકો જુએ પણ છે. ગુજરાતીમાં એવું નથી, તો કેમ?
ધર્મેશ મહેતા:
ગુજરાતી ભાષા પણ અન્ય પ્રાદેશિક ભાષા જેટલી જ મોટી છે અને ગુજરાતી સમાજ તો દેશ-વિદેશમાં બધે પથરાયેલો છે. જો ગુજરાતી ફિલ્મો મોટો ધંધો ન કરી શકતી હોય તો પ્રેક્ષકોનો વાંક નથી. ગુજરાતી પૈસા વાપરવામાં ખુલ્લા દિલનો છે એટલે ફિલ્મ ન ચાલે તો પ્રેક્ષકોનો નહીં, ફિલ્મ બનાવનારાઓનો જ વાંક કાઢી શકાય કે અમે જ કયાંક ખોટા હતા. સારો વિષય હોય, સારી રીતે ફિલ્મ બની હોય તો પ્રેક્ષક જોશે જ. અત્યારે નવા નવા વિષય સાથે ફિલ્મો બની રહી છે જે અગાઉ બન્યું નથી. નવા લેખક, નવા દિગ્દર્શક, નવા કળાકારો આવ્યા છે. ને નવા પ્રેક્ષક પણ આવ્યા છે. ગુજરાતી ફિલ્મો હવે નવી પેઢીના પ્રેક્ષકો માટે તૈયાર થઇ ચુકી છે.


ગુજરાતી ફિલ્મો માટે એક સમયે સિંગલ સ્ક્રિન થિયેટર હતા અને હવે મલ્ટીપ્લેકસ છે તો પ્રેક્ષક તરફે અને નિર્માતા – દિગ્દર્શક તરફે તમે શું જુદુ અનુભવો છો?
ધર્મેશ મહેતા
: મલ્ટી પ્લેકસને કારણે થિયેટરમાં પહોંચેલો પ્રેક્ષકને ચોઇસ મળવા લાગી છે. વધુ સારી ટેકનોલોજીવાળા થિયેટરોને કારણે ફિલ્મ માણવાની મઝા વધી ગઇ છે. ફિલ્મના વિષય અને સ્તરમાં મોટો ફરક પડી રહ્યો છે. હિન્દી ફિલ્મો માટે જો ૪૦૦ સ્ક્રિન છે તો ગુજરાતી પાસે ૨૫૦ સ્ક્રિન જ છે. સાઉથમાં ફિલ્મ નિર્માતાઓમાં યુનિટી છે તેવું ગુજરાતમાં ય હોય તો સરકાર મદદ કરશે. ગુજરાતી ફિલ્મોને મલ્ટીપ્લેકસ મળવા જ જોઇએ અને સરકારે તે માટે નીતિ બનાવવી જોઇએ. ગુજરાત સરકાર ગુજરાતી ફિલ્મો વિશે ઘણું કરે છે તો આટલું ય કરે.

સાઉથની ફિલ્મો પ્રાદેશિક છે પણ મોટા બજેટમાં બની શકે છે, તો ગુજરાતી ફિલ્મો મર્યાદિત બજેટમાં ઉત્તમ બની શકે?
ધર્મેશ મહેતા:
જેવો દેશ તેવો વેશ. જે બજેટ મળે તેમાં પણ સારું કામ થઇ શકે અને ઓછા બજેટમાં ઉત્તમ ફિલ્મ બનાવવી તે પણ કળા છે. જે ફિલ્મસર્જક છે તેણે સર્જકતાનો વિચાર કરવાનો હોય, બજેટ પછી આવે છે. ઓછા બજેટમાં પણ શ્રેષ્ઠ ફિલ્મ આપો તો તેમાં જ કમાલ છે.

તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’, ‘આર.કે. લક્ષમણ કી દુનિયા’, ‘અમ્માજી કી ગલી’ સહિતની સિરીયલો અને ‘યમરાજ કોલિંગ’ વેબ સિરીઝનું દિગ્દર્શક કર્યું છે અને ફિલ્મોનું ય દિગ્દર્શન કરો છો તો શું માધ્યમ ફરક અનુભવો છો?
ધર્મેશ મહેતા:
ફિલ્મનું કેન્વાસ બહુ મોટું હોય છે અને વેબસિરીઝે પણ જૂદી શકયતાઓ ઊભી કરી છે. ટી.વી.માં રોજનો ડ્રામા રજૂ કરવાનો હોય એટલે તેના ને વેબસિરીઝના પાત્રોના લેવલ જુદા છે. ફિલ્મોનું માધ્યમ શું છે તે મોટા ફિલ્મસર્જકની ફિલ્મો જુઓ તો આપોઆપ સમજાશે. અત્યારે મારી ચોથી ફિલ્મ ‘હું, મારી વાઇફ અને તેનો હસબંડ’ તૈયાર થઇ ચૂકી છે. પણ હું ફરી ટી.વી. સિરિયલો પણ બનાવીશ. દરેક માધ્યમ જૂદી તક આપે છે.

તમે હિન્દી સિરીયલોનું દિગ્દર્શન કર્યું તો હિન્દીમાં ફિલ્મો કયારે બનાવશો?
ધર્મેશ મહેતા:
મારા પ્રયત્નો ચાલુ જ છે અને હિન્દી ફિલ્મો બનાવવી એ મારું ફોકસ છે પરંતુ ગુજરાતીમાં તો હું કાયમ બનાવતો રહીશ. એ મારી ભાષા છે તો તેમાં કામ કરવું મારી નૈતિક જવાબદારી પણ છે.
તમે જહોની લિવરને મોટી ભૂમિકા આપી તો હવે હિન્દી ફિલ્મના કયા કળાકારો સાથે છે જેની સાથે કામ કરવું છે?
ધર્મેશ મહેતા: જહોની લિવરને પરદા પર ગુજરાતી બોલતાં જોવાનું બધાને ગમશે અને હવે મારા મનમાં બમન ઇરાની અને પરેશ રાવલ છે. બંને મૂળે તો ગુજરાતી જ છે પણ હિન્દીમાં પ્રતિષ્ઠા મેળવી ગુજરાતીમાં કામ કરે તો નવો રોમાંચ ભળે છે.
બાકી ‘જયસુખ ઝડપાયો’ માં જમીત ત્રિવેદી, અનંગ દેસાઇએ પણ જૂગલબંધી કરી છે. ‘યમરાજ કોલિંગ’ માં દેવેન ભોજાણીએ કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મો પાસે હવે ઉત્તમ અભિનેતા – અભિનેત્રીનાં વિકલ્પો છે.

વચ્ચે એક સમયે એવા નિર્માતા ને દિગ્દર્શકો આવી ગયા જેને ગુજરાતી ફિલ્મો જોડે કોઇ ગંભીર નિસ્બત ન હતી અને આખું વાતાવરણ બગાડેલું. આજે કેવું છે?
ધર્મેશ મહેતા:
હા, બીજા જ હેતુ માટે ફિલ્મમાં પૈસા રોકનારા નિર્માતાઓ હતા અને ત્યારે મુખ્ય દિગ્દર્શકના આસિસ્ટન્ટ પણ દૃશ્યો ફિલ્માવે તો ચાલી જતું. ફિલ્મ બનાવવાની ગંભીરતા જતી રહી એટલે પ્રેક્ષકો પણ અકડાયા હતા. અલબત્ત, પહેલાં બધા જ ખરાબ હતા એવું નથી પણ હવે કામ પ્રત્યેની ગંભીરતા વધી છે. ફિલ્મ ધંધો બને તો ખોટા નિર્માતા પણ આવવાનાં જ પણ કામનું સ્તર જળવાશે તો પ્રોડકશન વેલ્યુ વધશે ને પ્રેક્ષકો પણ વધશે. પ્રેક્ષકે તો સારી ફિલ્મો જોવી જ છે ને જોશે જ.

Most Popular

To Top