Entertainment

સિમોન સીંઘ સ્ટ્રોંગ પાત્રોથી સ્ટ્રોંગ છે

અભિનય ક્ષેત્રે હવે એકથી વધુ માધ્યમો તક આપે છે. T.V., એડ્‌સ, શોર્ટ મુવી, મુવી, વેબસિરીઝ, મ્યુઝિક વિડીયો અને T.V. પર એન્કરીંગ વગેરે. સિમોન સીંઘ જમશેદપુરથી આવી ત્યારે તેને ખબર નહોતી કે લાંબુ ટકી જવાશે. તેણે ‘સી હોકસ’ T.V. સિરીયલ અને ‘સ્વાભિમાન’માં નાનકડી ભૂમિકાથી શરૂઆત કરેલી. પણ ‘હીના’ T.V. સિરીયલમાં તેને હીના નવાબ મિર્ઝાની ભૂમિકા મળી. તે અને રામકપૂર મુખ્ય હતા અને સોની T.V. પર તે એટલી ચાલી ગઇ કે સિમોનને મુંબઇ આવવું સાર્થક લાગ્યું. પછી ‘એક હસીના થી’માં તો તે એકદમ કનિંગ, પાવરફુલ સ્ત્રીના પાત્રમાં હતી. સાક્ષી ગોયન્કા નામનું એક પાત્ર પણ સિમોનના ફેવરીટની યાદીમાં ઉમેરાય ગયું.

સિમોનની ઇમ્પેકટ ફિલ્મો સુધી વિસ્તરવી શરૂ થઇ. ‘એક રિશ્તા : ધ બોન્ડ ઓફ લવ’ની પ્રિયા કપૂર, ‘કભી ખુશી કભી ગમ’ની રૂકસાર, ‘શશશ’ની મિલીની ગુજરાલ, ‘કલ હોના હો’ની કેમિલા, ‘બિઇંગ સાયરસ’ની ટીના શેઠના અને એમ કરતાં કરતાં તેની ફિલ્મોની સંખ્યા વધતી ગઇ. પરંતુ T.V. સિરીયલો તેણે છોડી નહોતી. કારણકે ત્યાં તે ફુલ ડિમાંડમાં હતી. ‘તુમ પુકાર લો’ની પ્રિયા, ‘આંધી’ની ચાંદની, ‘કશિશ’ની પિયા, ‘વિરાસત’ની અનુષ્કા લાંબા અને હમણાં ‘બહુ બેગમ’ની રઝિયા બેગમ.

સિમોન એકટિંગમાં સફળ રહી છે પણ એ જ રીતે તેને ડિઝાઇનીંગનો શોખ છે. ‘કોસ્મિક ચેટ’માં તેણે પોતાની સ્ટાઇલ પોતે જ ક્રિયેટ કરેલી. અલબત્ત, તે સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરવા નથી માંગતી પણ તેને તેમાં રસ જરૂર છે. તે મુસ્લિમ સ્ત્રીના પાત્રો પણ એવા જ અસરકારક રીતે ભજવે છે. ‘હીના’, ‘બહુ બેગમ’ના પાત્રો એટલે જ જાણીતા થયા હતા. ‘ફોર મોર શોટ્‌સ પ્લીઝ’માં તેણે સ્ટ્રોન્ગ દિમાગની મા બની હતી. એ સિરીઝમાં તો તે કિર્તી કુલ્હારી, સયાની ગુપ્તા, માનવી ગગરુ વગેરે સાથે હતી. ‘હીના’, ‘એક હસીના થી’ અને ‘હકસે’માં પણ તે સ્ટ્રોંગ વુમન હતી. સિમોનને એ માટે પણ યાદ કરવી જોઇએ કે ઇન્ટરનેશનલ એમી એવોર્ડસ, પ્રેઝન્ટ્‌સ કરનારી તે પ્રથમ ભારતીય ટી.વી. એકટ્રેસ હતી.

સિમોન સીંઘની ‘નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ’ વેબ સિરીઝ હમણાં એવી જ ચર્ચામાં રહી હતી. જેમાં મૈત્રી શું છે તેની કહાની હતી. હવે તે માધુરી દિક્ષીત સાથે ‘મઝામા’ ફિલ્મમાં આવે છે અને બીજી ફિલ્મ છે ‘કેટીના’ જેમાં દિશા પટની, લિલેટ દૂબે વગેરે છે. સિમોન પસંદગીપૂર્વક કામ કરે છે. ફિલ્મોમાં નાની ભૂમિકા હોય તો ય નકારે પણ તે પહેલા જોઇ લે કે ફિલ્મનો વિષય, સ્ટારકાસ્ટ ને પોતાનું પાત્ર મહત્વના છે કે નહીં. ફહાદ સમરને પરણેલી સિમોનના પિતા શીખ તો મા બંગાળી છે. તે મોડેલ તરીકે પણ લોકપ્રિય રહી છે અને કેટલાંક મ્યુઝિક વિડીયોમાં પણ આવી ચુકી છે. પોતે કથક નૃત્ય શીખેલી છે અને ગિટાર વગાડી શકે છે. હા, અભિનય ક્ષેત્રે પ્રવેશો તો પોતાને આવડે તે બધું જ દેખાડવાની તક ન મળે પણ એકટ્રેસ તરીકે જે કરવા મળ્યું તેનાથી તેને સંતોષ છે.

Most Popular

To Top