Comments

30 જાન્યુઆરીએ ‘ગાંધી’ને નહિ ગોડસેને સમજવો જોઈએ…!

લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી છે કે હિંસા અને અહિંસાને સમજવા માટે મારાથી ઉત્તમ દિવસ નહિ હોય.

આ જ દિવસે આખા વિશ્વમાં અહિંસાના પૂજારી તરીકે જાણીતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.આ દિવસ અને આ ઘટના આખા વિશ્વ માટે એક કાળો ઇતિહાસ છે, જેની પર હંમેશા ચર્ચાઓ થયા કરે છે. લાલકિલ્લા પર ખેડૂતોના હિંસક દેખાવો પછી ફરી પાછી હિંસા અહિંસાની આ ચર્ચાઓ ચાલી છે ત્યારે આપણે 30 જાન્યુઆરી અને ગોડસેને સમજવો પડે.

નથ્થુરામ ગોડસે જેણે ગાંધીજીની હત્યા કરી તેનો જન્મ મુંબઇ અને પુના વચ્ચેના એક નાનકડા ગામ ઉકસણમાં થયો હતો. હિંદુ સમાજમાં ઉચ્ચતમ ગણાતી બ્રાહ્મણ જ્ઞાતિનો હતો પરંતુ તેનું કુટુંબ બહુ જ ગરીબ હતું. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતા. બાળપણમાં ગોડસેને તેમનાં માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવવામાં આવતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું.

એટલે પાછળથી એનું નામ નથ્થુરામ પડ્યું. નથ્થુરામ ગોડસે કુળદેવી સમક્ષ બેસી અને તાંબાની થાળીમાં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરતો અને તંદ્રામાં ચાલ્યા જતા. તે તંદ્રામાં તેમને અમુક આકાર અને અમુક કાળા અક્ષરો દેખાતા (જેમ ક્રીસ્ટલ ગેઝર તેના કાચના ગોળામાં જુએ છે તે રીતે). પછી કુટુંબના એક કે વધુ સભ્યો તેને પ્રશ્નો પૂછતાં જેના ઉત્તરો દેવી દ્વારા તેમના મુખેથી અપાયેલ જવાબ છે એમ માનવામાં આવતું.

ઈ.સ. 1930 માં તેમના પિતાની બદલી રત્નાગીરીમાં થઈ. માતા પિતા સાથે રહેતાં ત્યાં તેમની મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક વીર સાવરકર સાથે થઈ.ગોડસે શાળા છોડીને હિંદુ મહાસભાના કાર્યકર્તા બની ગયો. ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યકર્તા હતા અને 1932 માં તે સંગઠન છોડ્યું હતું. પછી પૂણે સ્થળાંતર કર્યું, જ્યાં તેણે હિંદુ મહાસભાનું (મવાળ પક્ષીય) જમણેરીઓ તરફી મરાઠી વર્તમાનપત્ર ‘અગ્રમી’ નામે શરૂ કર્યું.

થોડાં વર્ષો પછી જેનું નામકરણ ‘હિંદુ રાષ્ટ્ર’ કરવામાં આવ્યું.1930 માં વિનાયક સાવરકર જૂના હિંદુ ઉદ્દામવાદી જેણે આઝાદીની લડતમાં હિંસા વાપરવાનો પ્રયાસ કરવા માટે કારાવાસમાં મોકલવામાં આવ્યા હતા. તેમને ગોડસે મળ્યો.

ત્યાર બાદ હિંદુ મહાસભા જે સંસ્થા એક રાજકીય ચળવળ ચલાવતી હતી. ભારતની આઝાદી માટે અને જે નાતજાતના વાડામાં નહોતી માનતી તેનો ગોડસે સક્રિય કાર્યકર બન્યો. હિંદુ મહાસભાએ ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત અને મુસલમાનોને હક્ક આપવાની વાતનો વિરોધ કર્યો.

1941 માં મૂળ કાવતરાખોર નારાયણ આપ્ટે અને ગોડસેની મુલાકાત થઇ. આપ્ટે એક ધનવાન બ્રાહ્મણ કુટુંબનો નબીરો હતો. આપ્ટે સિગારેટ પીતો. દારૂનું સેવન કરતો અને એકદમ સ્ટાઇલીશ કપડાંનો શોખીન હતો. આ બે ભિન્ન સ્વભાવની વ્યક્તિઓ હિન્દુ મહાસભામાં ખૂબ જ નજીકના મિત્રો બની ગયા.

બીજા વિશ્વયુદ્ધ પછી તેઓએ સાથે મળી ‘અગ્નિ’ નામનું એક દૈનિકનું પ્રકાશન કરવાનું શરૂ કર્યું, જેમાં ભારતની આઝાદી માટેનાં લખાણ લખવા માંડ્યાં અને બીજી બાજુ પાકિસ્તાન ન બનવું જોઇએ એવી ઝુંબેશ શરૂ કરી.

એવામાં એક બાજુ દેશની આઝાદી માટે લડત ચલાવતા ગાંધી આ સંસ્થા અને એના કાર્યકર એવા નથ્થુરામને ખૂંચવા લાગ્યા.આઝાદી પછી કોઈકે નથ્થુરામ સુધી એવા સમાચાર પહોંચાડ્યા કે ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીએ હઠ પકડી છે.બસ આ જ વાત ગોડસે અને એમના સમર્થકોને ન ગમી

ગાંધી હંમેશા ઉદામવિચાર ધારામાં માનતા, જયારે ગોડસે એક સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાનું પ્રતિબિંબ હતો. આજે આ વાતની ચર્ચા એટલા માટે કેમકે લાલ કિલ્લા પર શાંતિપૂર્વક પ્રદર્શન કરતા ખેડૂતો અચાનક હિંસક કેમ બન્યા એ માટે થઇ રહી છે. આજે ચર્ચા ફરીથી હિંસા અને અહિંસાની છેડાઈ છે. આ બધી ચર્ચાઓને સમજવા અને જાણવા ગાંધી અને ગોડસેની વિચારધારા સમજવી જરૂરી છે.

આજે મહાત્મા ગાંધીને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપનારા ઘણાને ગાંધી અને એમના વિચાર ખૂંચી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહયું છે.કેટલાક ચોક્કસ લોકોને ગાંધી હવે જોઈતા નથી, એટલે જ હવે ગાંધીના વિચાર સામે ગોડસેનો વિચાર ચલાવવા માંગે છે,પણ કદાચ ગોડસેએ તે સમયે જે ભૂલ કરી હતી, એ જ ભૂલ અત્યારે એમના સમર્થકો પણ  કરી રહ્યા છે.

ગાંધી સદેહે તો તમે મારી શકો છો, પણ વિચારદેહે તમે એને કયારેય ખતમ નથી કરી શકતા. કોઈ એક ગોડસે કે એમના અનુયાયીઓના આવી જવાથી કે એમના વિચાર પાછા ઊભા કરવાથી ગાંધી ભૂંસાઈ નહિ જાય કેમ કે ગાંધી ભારતનાં લોકોનાં દિલમાં છે,દિમાગમાં છે.વિચારમાં છે આચારમાં છે,હજી પણ ગોડસેના વિચારને જીવંત રાખવા મથતા લોકોએ સમજવાની જરૂર છે કે ગાંધી ત્યારે ય સાચા હતા, ગાંધી આજેય સાચા છે અને આવનાર સમયમાં પણ સાચા જ રહેશે!       

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top